પ્રેમિકાના પરીવારજનોને જાણ થતાં પોલીસમાં અરજી પણ આપી હતી: પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી
મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલા રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેને એસિડ પીવડાવી દીધાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ પ્રેમ સબંધ મામલે યુવતીના પરિવારજનોએ યુવાનને ધરાર એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા આક્ષેપ કરતા મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (ઉ.વ.23) નામના યુવાનને એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ ચૌહાણએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુંં કે, તેને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધું હતું. જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન રમેશ ચૌહાણનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી છે.
રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રમેશ 3 ભાઈઓમાં નાનો હતો. તે સીરામીક કારખાનામાં નોકરી કરતો હતો તેના પિતા મજૂરીકામ કરે છે. આ બનાવમાં મોરબી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
’તું મરી જા, નહિતર મારા પિતા તને મારી નાખશે’: પ્રેમિકાનું કોલ રેકોર્ડિંગ વાયરલ
મોરબીમાં રોહીદાસપરામાં રહેતા રમેશ ચૌહાણ નામનો યુવાન ઘરે આવ્યો ત્યારે તેને ઉલ્ટી થતા તુરંત હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ રમેશ ચૌહાણે પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે પાડોશમાં રહેતી તેની પ્રેમિકાના પરિવારજનોએ તેને એસિડ પીવડાવી દીધું હતું.
ત્યાર બાદ પોલીસે યુવાનના મોબાઈલમાં થયેલા કોલ રેકોર્ડિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એક કોલ રેકોર્ડિંગમાં પ્રેમિકાએ પોતાના પ્રેમી રમેશને કહ્યું હતું કે ’તું મરી જા નહીતર મારા પિતા તને મારી નાખશે’.