નવાગઢના પ્રૌઢ પાંચ વર્ષથી રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો
સબ ડિવીઝન મેજીસ્ટ્રેટનની હાજરીમાં મૃતદેહનો વિડીયો શુટીંગ કરાવ્યું
અબતક, રાજકોટ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખુનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી સજા ભોગવી રહેલા અને એઇડસની બીમારીમાં સંપડાયેલા પ્રૌઢનું બીમારી સબબ જેલમાં બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને એઇડસની બિમારીથી તેનું મોત થયાનું જાહેર કરાયું હતું.
મળતી માહીતી મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખુનનાં ગુનામાં સજા ભોગવી રહેલા નવાગઢના હબીબભાઇ અબ્દુલભાઇ નથવાણી (ઉ.વ.58) ગઇકાલે જેલમાં બિમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક હબીબભાઇને એઇડસની બીમારી હતી અને તેની દવાઓ ચાલી રહી હતી. પરંતુ થોડા દિવસથી તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી બીમારીના કારણે તેનું મોત નિપજયું હતું. જેથી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનો વિડીયો શુટીંગ કરાવવામાં આવ્યો હતો. મૃત હબીબભાઇ રાજકોટ જેલમાં છેલ્લા પાંચ વર્ષથી હત્યાના ગુન્હામાં સજા ભોગવી રહ્યાનું જાણવા મળ્યું હતું.