સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ

અબતક, અમદાવાદ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની સજાની 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. સરકાર તરફી વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટમાં આજની સુનાવણી પુરી થઈ હતી.11 ફેબ્રુઆરીએ કોર્ટે આરોપીઓની રજુઆત સાંભળી હતી. જેથી આ કેસમાં આજે બચાવ પક્ષના વકીલોની દલીલો કોર્ટે સાંભળી હતી. હવે આ કેસમાં 18મી ફેબ્રુઆરીએ 49 દોષિતોની સજા માટેનો ચુકાદો આવશે.સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો.

એક ચુકાદાનો હવાલો આપી સરકારી વકીલોએ રજૂઆત કરતાં કહ્યું હતું કે વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. બોમ્બબ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળ્યો હતો. જેલની બહાર આરોપીઓનાં પરિવારજનો પણ જોવા નહોતાં મળ્યાં. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.

સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.