ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે કેરાલા જવાની બોગસ ટિકિટ આપી છેતરપિંડીના ગુનામાં એકાદ વર્ષથી વોન્ટેડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે એર ટિકિટનું બુકીંગ થયાનું કહી બોગસ ટિકિટ ધાબડી રૂ.૭.૮૦ લાખની ઠગાઇના ગુનામાં એકાદ વર્ષથી વોન્ટેડ શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો છે.
રૈયા રોડ પર આવેલા તીરૂપતિ નગરમાં રહેતા દિક્ષેશભાઇ નરેન્દ્રભાઇ પાઠકે કેરાલા જવા માટે નકસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બુકીંગ કરાવ્યું હતુ.
નકસ ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અંકુર ઉર્ફે અભી કાંતી પટેલ નામના શખ્સે રૂ.૭.૮૦ લાખ વસુલ કરી વિમાનની બોગસ ટિકિટ ધાબડી છેતર પિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા મુળ કાલાવડ પંથકના અંકુર ઉર્ફે અભી પટેલ સુરત ભાગી ગયો હતો.
ગઇકાલે રાજકોટ આવ્યાની બાતમીના આધારે ક્રાઇમબ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ હુંબલ, જગમલભાઇ ખટાણા અને સંતોષભાઇ મોરીસહિતના સ્ટાફે અંકુર ઉર્ફે અભી પટેલની ધરપકડ કરી છે.