વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કારણે પરમીટવાળા દારૂનું વેચાણ વધ્યું હોવાનું તથા દારૂના વેચાણ પર સરકારે ભારે વેરાઓ નાખતા આવક વધી હોવાનો દાવો
વ્યસનના કટ્ટર વિરોધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગૃહરાજય ગુજરાતમા સ્થાપના સમયથી ‘દારૂબંધી’ છે. પરંતુ, આરોગ્યના મુદા પર કે પરપ્રાંતીયોને લાયસન્સ પર પરમીટવાળો વિદેશી દારૂવેંચાતો મળે છે. આ પરમીટવાળા દારૂ વેચતા આઉટલેટો પર ચાલુ વર્ષે થયેલા દારૂના વેંચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. જેના કારણે સરકારની તિજોરીમાં ચાર ગણો વધારો થવા પામ્યો છે. આ અંગેની વિગતો વિધાનસભામાં આબકારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પુછાયેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
કોંગ્રેસના અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા એક પ્રશ્નના જવાબમાં પ્રદીપસિંહે જણાવ્યું હતુ કે અમદાવાદ અને ગાંધીનગરમાં ૨૦ હોટલોને વિદેશી દારૂ વેચવાની પરવાનગી આપવામા આવી છે. અને છેલ્લા બે વર્ષમાં એક પણ પરવાના રદ કરવામાં આવ્યા નથી જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે રાજય સરકારને ૧ જૂન ૨૦૧૭થી ૩૧મે ૨૦૧૮ વચ્ચે .૬૦ કરોડ રૂ.ની આવક થઈ હતી જેમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. આ વર્ષે ૧ જૂન ૨૦૧૮ થી ૩૧ મે ૨૦૧૯ સુધીમાં દારૂના વેચાણ દ્વારા સરકારી તિજોરીને ૧૦.૮૬ કરોડ રૂ.ની આવક થવા પામી છે.
રાજયમાં દારૂબંધી બનાવટી હોવાનો આક્ષેપ કરીને ઈમરાન ખેડાવાલાએ પ્રદીપસિંહ જાડેજાના જવાબ સામે અસંતોષ દાખવીને ફરીથી આ મુદો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી ખેડાવાલાએ જણાવ્યુંં હતુ કે દારૂ વેચવા માટે રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલીક હોટલોને પરવાનગી આપવામાં આવી તે પ્રશ્નના જવાબમાં સરકારે જ સ્વીકાર્યું છે કે ૨૦ હોટલોને મંજૂરી અપાઈ છે જે સુચવે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે. સરકારી તિજોરીની આવકમાં થયેલો વધારો સુચવે છે.કે પરમીટવાળા વિદેશી દારૂના વપરાશ અને વેચાણમાં વધારો થયો છે.
જયારે આ અંગે આબકારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે તાજેતરમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન અનેક વિદેશીઓ અને બીજા રાજયોનાં હજારો ઉદ્યોગપતિએ મુલાકાતીઓ આવ્યા હતા. જેના કારણે પરમીટવાળા વિદેશી દારૂના વેચાણમાં વધારો થયો છે. અને વેંચાણમાં વધારો થતા સરકારી તિજોરીની આવકમાં પણ વધારો થવા પામ્યો છે. આ અંગે વાઈન શોપનું લાયસન્સ ધરાવતા અમદાવાદની જાણીતી ગ્રાન્ડ ભગવતી હોટલના ચેરમેન નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષમાં પરમીટવાળા વિદેશી દારૂનું વેચાણ ઘટયું છે. પરંતુ, રાજય સરકારે દારૂ પર કરવેરામાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે પરમીટવાળો દારૂ મોંઘો થતા સરકારી તિજોરીમાં આવક વધી છે.
આ અંગે અન્ય એક વિદેશી દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા મેટ્રોપોલ હોટલના એમડી પ્રકાશ દૌલતાનીએ જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષમાં રાજય સરકારે પરમીટની ફી અને દારૂના વેચાણ ટેકસમાં વધારો કર્યો છે. જેના કારણે આવકમાં વધારો થયો છે. જોકે રાજય સરકારે મોટાભાગના જૂના પરમીટ ધારકોની પરમીટ રીન્યુ કરી ન હોય તથા નવી પરમીટ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો હોય વિદેશી દારૂના વેચાણ ઘટી જવા પામ્યુ છે.