વેપારીના ખાતામાંથી 1 લાખ કપાયાનો મેસેજ આવતા શંકા ગઈ,બીજા એકાન્ટન્ટ પાસે ચેક કરાવતાં કરોડોનું કરી નાખ્યાનું બહાર આવતા ગુનો નોંધાયો
રાજકોટમાં કેમિકલનો વેપાર કરતા અને રોયલ પાર્કમાં રહેતા વેપારીના એકાઉન્ટન્ટને સાલ ૨૦૧૭ થી ૨૦૨૦ કટકે કટકે વેપારીની જાણ બહાર એન્ટ્રીઓ પાડી રૂ.૨.૨૭ કરોડ હજમ કરી નાખતા તેમના દ્વારા માલવિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ મવડી બાયપાસ પર રોયલ પાર્કમાં રહેતા અને લક્ષ્મીનગર મેઈન રોડ પર ત્રિમૂર્તિ ટાવરમાં રૂષી એન્ટરપ્રાઈઝના નામથી કેમિકલ અને મિનરલ્સનો વેપાર કરતા વ્રજેશભાઈ ગઢીયાએ માલવિયા નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના એકાઉન્ટન્ટ બાલકૃષ્ણ પ્રવિણ ગઢીયા(મવડી ગામ પાસે સેટેલાઈટ પાર્કમાં)નું નામ આપ્યું હતું.જેમાં ફરિયાદમાં વ્રજેશભાઈએ જણાવ્યું છે કે 2013થી તે કેમિકલ અને મિનરલ્સનો વેપાર કરે છે. તેનો સંબંધી બાલકૃષ્ણ 150 ફૂટ રીંગ રોડ પર આલ્ફા વનમાં ઓફિસ રાખી એકાઉન્ટન્ટનું કામ કરે છે. જેણે તેને કહ્યું કે હું તમારી પેઢીનું સારી રીતે એકાઉન્ટીંગ કરી આપીશ. જેથી તેની ઉપર ભરોસો આવતા તેને એકાઉન્ટીંગનું કામ સોંપ્યું હતું. બાલકૃષ્ણ તેની પેઢીના એકાઉન્ટને લગતું સાહિત્ય પોતાની ઓફિસે લઈ જઈ ત્યાંથી કામ કરતો હતો. દરેક વખતે ઓટીપી પૂછવા ન પડે તે માટે પેઢીનું યુઝર આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખ્યું હતું.
વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે,ગઈ તા. 13 માર્ચના રોજ તેની પેઢીના એકાઉન્ટમાંથી રૂા. 1.08 લાખ ડેબીટ થયાનો મેસેજ આવતાં શંકા ગઈ હતી. જેથી બાલકૃષ્ણને ફોન કરીને આ પૈસા શેના કપાયા છે તેમ પૂછતા તેણે કર્મચારીના પગારના કપાયાનું જણાવ્યું હતું. જેની સામે તેણે કહ્યું કે મારે ત્યાં કોઈ નોકરી કરતું નથી. જે સાંભળી ગોળ-ગોળ વાત કરી ફોન મૂકી દીધો હતો. એટલું જ નહીં પાંચેક મિનિટ પછી તેની પેઢીના ખાતામાં રૂા. 1.08 લાખ જમા કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ તેને બાલકૃષ્ણ ઉપર શંકા જતા ગત એપ્રિલ માસથી તેને પેઢીનું એકાઉન્ટીંગ કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં પેઢીના એકાઉન્ટનું તમામ રેકર્ડ, યુઝર આઈડી અને પાસવર્ડ પણ તેની પાસેથી લઈ લીધા હતા. ત્યારબાદ એકાઉન્ટીંગનું કામ પરિચીત મહેશભાઈ પાનસુરીયાને સોંપ્યું હતું. સાથો-સાથ તેને પોતાની પેઢીનું 2017થી 2023 સુધીનું એકાઉન્ટ ચેક કરાવાનું કહેતા જીએસટીના ડિફરન્સની રકમ રૂા. 27.31 લાખ ચલણ કરતાં વધુ ઉપાડાયાનું માલૂમ પડયું હતું.
બાકીની એન્ટ્રીઓ ચેક કરાવતા ગઈ તા. ૩૧-૭-ર૦૧૯ના રોજ રૂા. ૪.૯૦ લાખ તેના ખાતામાંથી બી પટેલ એન્ડ કંપનીના નામથી ઉપડી હતી. જે ચોપડે કમિશન ખર્ચ તરીકે ઉધારાઈ હતી. બાદમાં ગઈ તા. ૩૦-૧૧-૨૦૨૦ના રોજ રૂા. 6.70 લાખ બી પટેલ એન્ડ કંપનીના નામથી ઉપાડાયા હતા. જેને રવિ એન્ટરપ્રાઈઝ (ડિપોઝીટ) નામથી ચોપડે ઉધારાઈ હતી. આ ઉપરાંત ગઈ તા. ૨૨-૦૭-૨૦૨૦ના રોજ રૂા. 2.83 લાખ બાલકૃષ્ણ પ્રવિણ ગઢીયાના નામથી ઉપાડાયા હતા. જેને પંકજ પ્રવિણભાઈ ગઢીયા (કમિશન ખર્ચ) ખાતે ઉધારાયા હતા. તપાસ કરતા આશરે 135 એન્ટ્રીના આધારે રૂા. 2 કરોડ જેવી રકમ ખોટી રીતે ઉપાડાઈ હતી. આ ઉપરાંત જીએસટી ડિફરન્સના રૂા. 27 લાખ મળી કુલ રૂા. 2.27 કરોડ તેની સાથે છેતરપીંડી કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.