કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિની અમલવારી બાબતે લોકોને પડતી મુશ્કેલી ઝડપથી દુર કરવા તંત્રને દોડતું કરતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૪/૨૦૧૮થી કાર્પેટ એરિયા આધારિત વેરા વસુલાત પદ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે. શહેરની આશરે ૪.૫૫ લાખ મિલકતો માટે બિલ જનરેટ કરી સ્પીડ પોસ્ટથી મોકલવાની કાર્યવાહી પૂરી થવામાં છે. આ અંગે માહિતી આપતા ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે કે, શહેરના ૪ લાખ જેટલા મિલકત ધારકોને બિલ મોકલી આપવામાં આવેલ છે. બાકીના તમામ મિલકત ધારકોને આગામી ૧૫ દિવસમાં બિલ મળી જાય તે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આશરે ૧૨,૨૬૦ જેટલી મિલકતની વિગતો સુધારવા વાંધા અરજી રજુ થયેલ છે. તે પૈકી લગભગ ૧૦,૩૦૦ વાંધા અરજીનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવેલ છે. અને બાકીની વાંધા અરજીનો નિકાલ કરવા સ્થળ તપાસ તથા મિલકતની માપણીની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઉપરાંત જે મિલકતોનું લીંકઅપ થયેલ નથી તેવી અંદાજે ૧૧,૧૬૪ મિલકતોને સર્વે ડેટા સાથે લીંક કરવામાં આવેલ છે. અને ૬,૮૦૦ મિલકતોમાં કાર્પેટની મિલકતો દાખલ કરવામાં આવેલી છે.
વિશેષમાં અંદાજે ૧,૦૦,૦૦૦ જેટલા મિલકત ધારકના બિલ જનરેટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમના સર્વેનો ડેટા જુના પ્રોપર્ટી નંબર સાથે લીંક ન થયેલ હોવાના કારણે જેતે મિલકત ધારકો ઓનલાઈન ટેક્ષની વિગત જોઈ શકતા નથી. જેથી મિલકત ધારકોને જેતે વોર્ડને લગત વોર્ડ ઓફીસ તેમજ ઝોન ઓફિસે જુનું વેરા બિલ લઈ સર્વે ડેટાની સાથે લીંક કરાવવા અનુરોધ કરવામાં આવેલ છે.