પૂજા ઘરમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ગણેશ, દુર્ગામાની મૂર્તિઓના મુખ પશ્ર્ચિમ દિશામાં તેમજ કુબેર, ભૈરવ, અને હનુમાનજીનું મુખ દક્ષિણ અથવા નૈઋત્યમાં રાખવું
ઘરનું મંદિર એક પવિત્ર જગ્યા છે ભગવાનની પૂજાનું સ્થાન હંમેશા સકારાત્મક અને શાંતિપૂર્ણ હોવું જોઇએ ઘરના મંદિરને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ સ્થાપવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃઘ્ધિ કાયમ રહે છે ઘરમાં મંદિર માટે અગલ સ્થાન આપવું વધારે ફળદાયી રહે છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે ઓછી જગ્યાને કારણે આ શકય હોતું નથી. પૂજા પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. અને ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલે જ ઘરની અંદર મંદિરનું યોગ્ય સ્થાન હોવું ખુબ જ જરુરી છે. ઘર પોતાનું હોય કે ભાડાનું ઘરમાં પૂજાઘરનું સ્થાન અચૂક હોવું જ જોઇએ. દરેકના ઘરમાં પૂજા ઘર તો હોય છે પરંતુ તે કઇ દિશામાં અને કયાં સ્થાને હોવું એ જાણવું પણ એટલું જ અગત્યનું છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પુજાનું સ્થાન કયાં અને કંઇ દિશામાં હોવું જોઇએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પૂજા સ્થાન માટે ઇશાન એટલે કે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં પુજાઘર હોવાથી ઘરમાં અને તેમાં રહેવાવાળા બધા વ્યકિતઓ ઉપર સકારાત્મક ઉર્જાનો સંચાર બની રહે છે. જો વાસ્તુની વિરુઘ્ધ પૂજાઘર હોય તો પૂજા કરતી વખતે કયારેય મન એકાગ્ર રહેતું નથી. ઉપરાંત આર્થિક લાભમાં પણ કોઇ જ ફાયદો થતો નથી.
ઘરના ઇશાન ખુણામાં મંદિરની સ્થાપના શ્રેષ્ઠ
વાસ્તુશાસ્ત્રમાં પૂજા માટે ઘરમાં ઇશાન ખુણો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં ભગવાનનો વાસ હોવાથી અહીં મંદિરની સ્થાપના શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઇશાન ખુણાના ગુરૂ બ્રહ્મસ્વતિ ગ્રહ છે જે આઘ્યાત્મિક જ્ઞાનના ગુરુ છે. એટલે આ દિશામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જયારે સર્વ પ્રથમ વાસ્તુ પુરૂષ ધરતી પર આવ્યા ત્યારે તેમનું શીર્ષ ઉત્તર-પૂર્વ દિશામાં જ હોવાને કારણે આ સ્થાન પૂજાઘર માટે ઉત્તમ ગણાય છે.
પૂજા ઘરમાં શુ રાખવું અને શું ન રાખવું…?
પૂજાઘરમાં કુળદેવતાનું ચિત્ર હોવું શુભ છે જેને પૂર્વ અથવા ઉત્તરની દિવાલ પર રાખવું વધુ શ્રેષ્ઠતમ છે પૂજાઘરનું દ્વાર ટીન કે લોખંડનું ન હોવું જોઇએ. પૂજા ઘર શૌચાલયની બાજુમાં કે ઉપર અથવા તો નીચે ન હોવું જોઇએ, ઉપરાંત પૂજા ઘર શયનકક્ષામાં કયારેય ન રાખવું પૂજાઘરમાં બે શિવલીંગ, ત્રણ ગણેશ, બે સૂર્ય પ્રતિમા, ત્રણ દેવી પ્રતિમા બે દ્વારકાના ચક્ર (ગોમતી ચક્ર) અને બે શાલીગ્રામનું પૂજન કરવાથી ગૃહ સ્વામીને અશાંતિ પ્રાપ્ત થાય છે પૂજા ઘરનો રંગ સફેદ અથવા તો આછો કીમ રંગનો હોવો જોઇએ ભૂલથી પણ ભગવાનની મૂર્તિ કે ચિત્રને નૈઋત્વ કોણમાં ન રાખવા આમ કરવાથી સારા કાર્યોમાં અડચણ આવી શકે છે. પૂજા સ્થાન માટે ભગવાન માટે ઉત્તર-પૂર્વ ખુણો સૌથી ઉત્તમ હોય છે પૂજા ઘરની ભૂમિ ઉત્તર-પૂર્વમાં નમેલી અને દક્ષિણ-પશ્ર્ચિમમાં ઉંચી હોવી જોઇએ આકારમાં ચોરસ અથવા તો ગોળ હોય તો વધુ સારુ રહે છે.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે તે દેવી દેવતાના પ્રમુખ દિવસે જ કરવી. જો ઘર નાનું હોય તો શયનકક્ષમાં પૂજાઘર સ્થાયી શકાય. ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, કાર્તિકેય, ગણેશ, દુર્ગા માતાની મૂર્તિઓના મુખ પશ્ર્ચિમ દિશા તરફ હનુમાનજીનું મુખ દક્ષિણ અથવા નૈષત્વમાં રાખવું ઘરમાં ઉગ્ર દેવી દેવતાઓની સ્થાપના કયારેય ન કરવી. પૂજા ઘરમાં મૃતાત્માઓના ચિત્ર વર્જિત છે કોઇપણ દેવતાની તૂટેલી ફુટેલી મૂર્તિ કે ચિત્ર ન રાખવા, મંદિરને રસોઇઘરમાં બનાવવું પણ વાસ્તુના હિસાબે ઉચિત નથી. મંદિરમાં એજ ભગવાનની બે મૂર્તિઓ કયારેય ન રાખવી ઉપરાંત ઘરમાં એકથી વધુ મંદિર પણ ન સ્થાપવા જોઇએ.