રાજુલામાં આત્મવિલોપનની ચીમકી આપનાર બે સફાઈ કર્મીઓની પોલીસ દ્વારા ધરપકડ

રાજુલા નગરપાલિકાના ૧૦૬ સફાઈ કામદારોને સરકારના પરીપત્ર મુજબ છુટા કરી દેવાતા આ તમામ ૧૦૬ સફાઈ કામદારો તથા તેમના પરિવારો દ્વારા નગરપાલિકા સામે રોજે-રોજે નત નવા આંદોલનો કરવામાં આવે છે અને આ તમામને સમાવી લેવા દબાણ લાવવામાં આવી રહ્યું છે. આ સફાઈ કામદારોમાં જ બે સફાઈ કામદારો વિજયભાઈ કાળુભાઈ ચૌહાણ અને દિલીપભાઈ મોહનભાઈ ચૌહાણે થોડા સમય પહેલા આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી અને ત્યારબાદ આ બન્ને ચીમકી આપનારા સફાઈ કામદારો કયાંક ગુમ થઈ ગયા હતા. પોલીસ દ્વારા તેને શોધવાની કવાયત હાથધરી હતી.

જે અનુસંધાને ગતરાત્રીના લગભગ ૯:૩૦ કલાકે આ બન્ને સફાઈ કામદારોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે અંગેની જાણ વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારોને થતા સફાઈ કામદારોના ટોળેટોળા અને વાલ્મીકી સમાજના લોકોના પોલીસ સ્ટેશને એકઠા થયેલ હતો. આમ પીએસઆઈ પંડયા તથા પી.આઈ તુવરની સારી કામગીરીના કારણે કોઈ અનિચ્છનીય બનાવને અટકાવીને આ બન્ને ચીમકી આપનારાઓની ધરપકડ કરીને કાયદો વ્યવસ્થાનું પાલન કરેલ છે અને આ બંનેને જામીન ઉપર છુટા કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.