• અબતક મીડિયા હાઉસ દ્વારા સૌરાષ્ટ્રના 14 ‘વરતારાના વિદ્વાનો’ને એક મંચ પર બોલાવી પ્રાચીન વિદ્યા થકી ચોમાસાની સ્થિતિ જાણવા પ્રયાસ
  • જૂનમાં સામાન્ય વરસાદથી વાવણી થશે પણ ઓગસ્ટ કોરો જવાની સંભાવના: પાણીની સ્થિતિ ચિંતા કરાવે એવી શકયતા
  • મે મહિનાના છેલ્લા દિવસોમાં પ્રી-મોન્સુન એકિટવિટી શરૂ થઈ જશે

સૌરાષ્ટ્રભરમાંથી પસંદ કરેલા દેશી આગાહીકારોને એક મંચ પર લાવી ‘અબતક’ મીડિયા હાઉસ દ્વારા આગામી ચોમાસાનો વરતારો જાણવાની કોશિષ કરી, જેમાં અલગ અલગ પધ્ધતિથી ચકાસણી થઈ હોવા છતાં 95% આગાહીકારોનું તારણ એવું રહ્યું કે આ ચોમાસુ પ્રમાણમાં નબળુ રહેશે, વરસાદ ઓછો પડશે ને વરસ 12 આની જેવું થશે ! મે મહિનામાં છેલ્લા દિવસોમાં પ્રી મોન્સૂન એકિટવિટી શરૂ થઈ જશે ને પછી વરસાદ ખેંચાશે.

અલગ અલગ પ્રકારની પ્રાચીન વિદ્યાના આધારે આપણા દેશી આગાહીકારો ચોમાસાની આગાહી કરતા હોય છે. તેઓ કાર્તિકી પૂનમથી શરૂ કરીને અખાત્રીજ સુધીનાં તારણો એકત્ર કરે છે.જેમાં આકાશી કસ, હોળીનો પવન, હોળીની ઝાળ, ચૈત્રનાં દનૈયાં, અખાત્રીજનો પવન, પૂનમનો ચંદ્ર, વનસ્પતિનાં ફૂલફળ, પક્ષી-પાણી અને જીવનજંતુઓની ચેષ્ટા, ભડલી વાકયો, તાપમાનની વધઘટ સહિતની પ્રાચીન વિદ્યા તથા અવકાશી ગ્રહો એટલે કે ખગોળશાસ્ત્રના આધારે ચોમાસા અંગે અનુમાન કરતા રહે છે. આ અનુમાનોથી ખેડુતોને ખેતીમાં નિર્ણય લેવાની ખબર પડે છે.

‘અબતક’ સૌરાષ્ટ્રભરમાંથી દેશી આગાહીકારો ભેંસાણના હસમુખભાઈ નિમાવત, જૂનાગઢના મોહનભાઈ દલસાણીયા, ગઢડા (સ્વામીના)ના ભગવાનભાઈ સુરાણી, મોવિયાના વલ્લભભાઈ દલસાણિયા, સણોદરા (કાલાવડ)ના ધીરજભાઈ પાનસુરિયા, ઉપલેટાના રજનીકાંત લાલાણી, દાદરલતરના બાબુભાઈ પાઘડાર, ગોમટાના મગનભાઈ ચાંગેલા, અણિયારી (દ્વારકા)નાં બાબુભા સુમાણિયા, વેરાવળના દર્શનાબેન કુબાવત, વંથલીના રમણિકભાઈ વામજા, ઋષિકેશ પૂરોહિત, લુણીધાર (અમરેલી)ના સંજય વ્યાસ તથા જેતલસરનાં દેવજીભાઈ જમોડ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ આગાહીકારોના વરતારા મુજબ આગામી જૂન મહિનામાં સામાન્ય વરસાદ પડશે. જૂનમાં બે તબકકે વાવણી થશે. જૂનના બીજા સપ્તાહથી વરસાદ શરૂ, ભીમ અગિયારસ આસપાસ વરસાદ પડવાની શકયતા છે પણ ભારે વરસાદની શકયતા નહીવત છે.

બીજી બાજુ જુલાઈ માસમાં વરસાદનું પ્રમાણ વધુ નથી. એકાદ-બે આગાહીકારો માને છે કે જુલાઈમાં ભારે વરસાદ પડશે પણ બાકીનાના મતે જરૂર પુરતો વરસાદ થશે. એ પછી ઓગષ્ટમાં વાયરૂં નીકળશે એટલે કે લાંબો સમય વરસાદ ખેંચાશે. ઓગષ્ટમાં વરસાદ નહીંવત છે.એવું તારણ નીકળ્યું છે. સપ્ટેમ્બરમાં નવરાત્રિ આસપાસ ચોમાસુ વિદાય લેશે પણ ઓકટોબરમાં દિવાળી પછી માવઠાની સંભાવના જોવામાં આવે છે.

આગાહીકારોના મતે દરિયાકાંઠાના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જિલ્લાને બાદ કરતાં રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ સહિત સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં વરસાદની ખેંચ રહેશે. ગયા વર્ષ જેવું ચોમાસુ નથી. પાણીની સ્થિતિ ચિંતાજનક બની શકે છે. છતા પાકને સમયે સમયે વરસાદ મળતો રહેશે એટલે બહું વાંધો નહી આવે.

વરતારાના સંપૂર્ણ અહેવાલ માટે જોતા રહો અબતક ડિજિટલ અને ચેનલ

‘અબતક’ દ્વારા આયોજિત દેશી આગાહીકારોના સેમિનારમાં સામેલ થયેલા સૌરાષ્ટ્રના 14 નિષ્ણાંતોનાં આગામી ચોમાસા અંગેના તારણોની ચર્ચા વાંચવા-સાંભળવા જોતા રહો ‘અબતક’ ડિજિટલ અને ચેનલ…. આ કાર્યક્રમનું પ્રસારણ આવતીકાલે સવારે 8 વાગ્યે અને પુન:પ્રસારણ રાત્રે 9:30 કલાકે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.