“….. પરંતુ ખાતાના અધિકારીઓએ જ અસહકાર કર્યો
ફોજદારજયદેવ સવારના દસ વાગ્યે યુનિફોર્મ પહેરીને તેની ચેમ્બરમાં લખાપટ્ટીનું કામ કરી રહ્યાેહતો મુળીપોલીસની જીપ એમ.ટી.(મોટર ટ્રાન્સપોર્ટ) વિભાગમાં સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં રીપેરીંગ માટે ગઈ હતી પોલીસ સ્ટેશનમાં એકદમ શાંતિ હતી. તેવામાં વાયરલેસ ઓપરેટર તેના રૂમમાંથી દોડીને ચેમ્બરમાં જયદેવ પાસે આવ્યો ને કહ્યું કે ‘સુરેન્દ્રનગર કંટ્રોલરૂમની વર્ધી છે કે ત્યાં ટાવર ચોકમાંથી એક સફેદ એમ્બેસેડર કાર જે જેમાં ચાર પાંચ ઈસમો બેઠા હતા તે કારમાંથી એક બાઈનો બચાવો બચાવો અવાજ આવતો હતો. આ કારને રોકવા કોશીષ થયેલી પરંતુ કાર લારીવાળાને હડફેટેલઈને મુળી તરફ નાસેલ છે.તેને રોકીને કાયદેસરની કાર્યવાહી કરવી!
જયદેવ તુરત માથે કેપ ચડાવી તથા હાજર પોલીસ કોન્સ્ટેબલો રણુભા તથા જયુભાને પોતાના મોટર સાયકલ લઈ સીધ્ધો હાઈવે ઉપર બેજ મીનીટમા ત્રણ રસ્તે પહોચી ગયો મુળી ગામમાંથી આવતો રસ્તો સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ને ત્યાં કાટખૂણે મળતો હતો. પાંચેક મીનીટ થઈ અને એક સફેદ ફીયાટ પૂરઝડપે નીકળી તેને રોકવા કોશીષ કરતા છતા તે કાવુ મારીને નાસી ગઈ. જયદેવે તે કારના નંબર નોંધરી લઈ રણુભા તથા જયુભાને રોડ ઉપર જ ઉભા રાખી એકલો મોટર સાયકલ લઈ પોલીસ સ્ટેશન આવી વાયર લેસથી કંટ્રોલ રૂમને નાસી ગયલે કારના નંબર આપ્યા તથા ચોટીલા અને સાયલા પોલીસને એલર્ટ કરવા જણાવ્યું, પરંતુ કંટ્રોલ રૂમે જણાવ્યું કે ખરેખરનાસેલીકારના નંબર જી.જે.ઓ ૮૦૫૪ છે અને હજુ તો મુળી પહોચી પણ નહિ હોય. આથી જયદેવ પાછો હાઈવે ઉપર આવ્યો રણુભા અને જયુભાએ કહ્યું કે તમે ગયા પછી કોઈ કાર નીકળેલ નથી. આમ વાત કરતા હતા ત્યાં જ મુળી ગામમાંથી લાલ લેમ્પવાળી અને આગળ ત્રિરંગો ફલેગ લગાડેલી કાર આવી જેમાં મુળીના પ્રતિષ્ઠીત આગેવાન દીલુભા ભગત પણ બેઠા હતા તેમાં કેન્દ્ર સરકારના પ્રથમ પર્યાવરણ પ્રધાન અને સુરેન્દ્રનગર સાંસદ, વાંકાનેર યુવરાજ દિગ્વીજયસિંહ ઝાલા પણ હતા તેઓ કોઈ ગ્રામ્ય વિસ્તારની વિજીટમાં જતા હતા. દિલુભા ભગતને જયદેવ પ્રત્યે અતિશય લગાવ અને લાગણી હતી.
તેથી જયદેવને જોઈ વિ.વિ.આઈ.પી. કાર ઉભી રખાવી અને જયદેવને પૂછયું કે આ જીપ વગર રોડઉપર શું હેરાન થાવ છો. તેમ વાત કરતા હતા ત્યાં પુષ્કળ વિદ્યાર્થીઓ અને માણસો એકઠા થયેલ હોય તે કારની પાછળ બીજી કાર પણ આવતા આ મંત્રીની કાર રવાના થઈ.તે સમયે પ્રધાનો અને મંત્રીઓની કારને એસ્કોરટીંગ, પાયલોટીંગ, કમાન્ડો રક્ષણ કાંઈ હતા નહિ ફકત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવી સુવિધા મળતી હાલ તો સામાન્ય રાજકીય કાર્યકર પણ બ્લેકકેટ કમાન્ડોને લઈને ફરતો હોય છે. અને પોતાની જાતને શેર સમજતો હોય છે.આ પાછળ આવેલ કાર સફેદ મર્સીડીઝ હતી જેના નં. જી.જે.ઓ ૮૦૫૪ જ હતા. જયદેવેતે કારનો આગળનો દરવાજો ખોલી કોન્સ્ટેબલ રણુભાને આગલી સીટમાં જગ્યા નહોવા છતા પરાણે ખોસી જ દીધા અને ડ્રાઈવરને કહ્યું કાર પાછી વાળી લે અહી જાહેરમાં કાઈ ધજાગરો કરવો નથી. જયદેવ મોટર સાયકલ લઈ પોલીસ સ્ટેશને વહેલો પહોચી ગયો.
કાર પોલીસ સ્ટેશનમાં આવતા જ જયદેવે તેની નંબર પ્લેટની ઉપર પાતળી લાલ પટ્ટીમાં એમ.એલ.એ. પોરબંદર લખેલું વાંચ્યું, જયદેવને થયું નકકી કાંઈક લોચો પડયો લાગે છે. કારનો દરવાજો ખોલ્યો અને જોયું તો તેમાં પોરબંદરનાં સાંસદ સભ્ય શરદભાઈ ઓડેદરા સહિત પાંચ વ્યકિત હતી જેઓ નીચે ઉતર્યા રણુભા પણ કારમાંથી નીચે ઉતર્યા પણ સાથે બે પુરી ભરેલી સીલપેક અને એક અરધી પીધેલ ઈગ્લીશ દારૂની બોટલો લઈને!
જયદેવેસૌ પ્રથમકારનું નિરીક્ષણ કર્યું (સ્ત્રી બાબતે) રણુભા ને પણ આગલી સીટમાં પરાણે જ ખોસ્યા હતા. કારમાં છઠ્ઠી વ્યકિત બેસી શકે તેમ જ નહતી છતા જયદેવેકારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું આ પાંચેય વ્યકિતઓના શરીરનાં બાંધા જોતા કારમાં છઠ્ઠી વ્યકિત (સ્ત્રી) હોઈ શકે નહિ તેવું અનુમાન પાકકુ થયું છતા જયદેવે કારની સીટો તથા તેની નીચે પગ રાખવાની જગ્યાએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું કે કયાંય કોઈ સ્ત્રીના અવશેષો એટલે કે દાગીના ચપ્પલ કે વાળ કે કોઈ વસ્તુ પડેલ છે કે કેમ? પરંતુ તેવુય કાંઈ જણાયું નહિ.
હવે જયદેવ મુંઝાયો ‘છોટા મુંહ બડીબાત’ જેવું થયાનું લાગ્યું. પરંતુ જયદેવે જીવનમાં શ‚થી જ આકરો સંઘર્ષ કરેલ હોય વિકટ સંજોગોમાં અડગ રહી તટસ્થ રીતે કામ કેમ કરવું તેનો મહાવરો પાકો હતો મનમાં તો સામાન્ય રીતે જેમ દરેક વ્યકિતને લાગણી અને સંવેદના હોય તે રહેતી જ પરંતુ તેને એક બાજુ રાખી સામે આવેલ સમસ્યા અને સંજોગોમાંથી માર્ગ કાઢવાનું જ તે વિચારતો. જયદેવે સંસદ સભ્ય શરદભાઈને પોતાની ચેમ્બરમાં જ બેસાડયા અને જો તેમની પાસે નશાબંધીની પરમીટ હોય તો પછી કાંઈ કરવાનું નહતુ અને કોઈ પ્રશ્ર્ન પણ નહતો.
જેથી પરમીટ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પરમીટ છે પણ સાથે નથી વળી શરદભાઈ ઉપરાંત બીજા બે પણ પીધેલ હતા. પ્રશ્ર્ન ત્યાંને ત્યાંજ આવી ને ઉભો રહ્યો. શરદભાઈએ જયદેવને પુછયું કે તમે કેવી રીતે મને ઓળખી ગયા! એટલે જયદેવે ટુંકમાં જવાબ આપ્યો કે છાપામાં ફોટા આવે તેથી. પરંતુ સાચી હકિકત એવી હતી કે શરદભાઈ પોરબંદર લોકસભાની પેટા ચૂંટણી લડયા ત્યારે ધોરાજી તાલુકો પોરબંદર સંસદીય ક્ષેત્રમાં આવતો તે પેટા ચૂંટણીનાં પ્રચારમાં રાજયના મુખ્યમંત્રી પણ આવતા તે સમયે જયદેવ જસદણ પોલીસ સ્ટેશનમાં હતો ત્યાંથી તેને ખાસ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં મુખ્યમંત્રીની કારનું પાયલોટીંગ કરવાનો હુકમ થયાેહતો. ત્યારે મુખ્યમંત્રી સાથે ઉમેદવાર તરીકે આ શરદભાઈ ઓડેદરાને જોયેલા અને તે પણ બે ત્રણ દિવસ સતત તેથી પહેલી નજરે જ ઓળખી ગયેલો.
જયદેવ માટે આ બહુ મોટુ ગુંચવાયેલુ કોકડુ હતુ. આવી મોટી હસ્તી (રાજકીય અને ઉદ્યોગપતિ) ને ફકત ટેકનીકલ ભૂલને કારણે જ ઉચ્ચ અધિકારીઓને ધ્યાને વાત લાવ્યા બાદ જ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરવો તેવું નકકી કર્યું. કેમકે જયદેવને પાંચ વર્ષમાં અધિકારીઓ અને ખાતાની માનસીકતાનો ખ્યાલ આવી ગયો હતો. તેમની માનસીકતા નકકી કરવી જ મુશ્કેલ ‘શીંગડે પકડો તો ખાંડા અને પુંછડે પકડો તો બાંડા’ જેવી હતી ગમે તેમ કરી કામ કરનારની ભૂલ જ કાઢવી અને ગમે તે બાબતને ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દર્શાવવી તે તેમનો હકક હતો !
તેથી ઉતાવળ નહિ કરી સુરેન્દ્રનગર હોમ પોલીસ ઈન્સ્પેકટરના કાને વાત નાખી દેવા ટેલીફોન લગાડયો પરંતુ ટેલીફોન લાઈન આઉટ ઓફ ઓર્ડર બોલતી હતી. આ કારમાં સંસદ સભ્ય છે જાણ તે કાર જયારે પોલીસ સ્ટેશને આવેલી ત્યારે જ મુળીના ઓપરેટરેસુરેન્દ્રનગર કંટ્રોલરૂમને કરી દીધેલી. તે જાણ્યા પછી કંટ્રોલ રૂમે મુળીને જવાબ આપવાનો કે સંપર્ક કરવાનું જ બંધ કર્યું હતુ. પાછળથી જાણવા મળેલ કે તે હુકમ એચ.પી.આઈ. (હોમ પોલીસ ઈન્સ્પેકટરે) જ કંટ્રોલરૂમને કરેલો. જે છેલ્લે જયારે આરોપીને જામીન ઉપર છોડયાની જાણ તેમને કરી ત્યારે જ ફરીથી વાયરલેસથી સંપર્ક ચાલુ થયેલો!
જયદેવે શરદભાઈને પૂછપરછ કરી કે સુરેન્દ્રનગર ટાવર ચોકમાં તમારી કાર હતી ત્યારે બચાવો બચાવોનો સ્ત્રીનો અવાજ તમારી કારમાંથી આવતો હતો તો તે કોણ હતુ? જેથી તેમણે કહ્યું ‘તમે જજુઓ ને કારમાં છઠ્ઠી વ્યકિત બેસી શકે તેમ છે? કારમાં કારટેપ વાગતું હતુ કદાચ તેમાં કોઈ આવો અવાજ આવ્યો હોઈ શકે.
જયદેવે કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક નહિ થતા સાયલા ચોટીલા પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરવા કોશીષ કરી પરંતુ તમામ વાયરલેસ ઓપરેટરોએ સમાચાર મેળવી લીધેલ કે ખૂબજ મોટી સેલીબ્રીટી કે મહાનુભાવ મુળીમાં પકડાયા છે. મુળી આમેય માથાભારે પણ ખરૂ અને માજી ફોજદાર ગોસાઈને કારણે ‘મથરાવટીપણ મેલી’ થયેલી તેથી કોઈ અધિકારી અમસ્તાય મુળી જવા જલ્દી તૈયાર ન થાય ત્યારે આતો અતિ વિકટ મામલો ‘સળગતામાં કોણ પડે?’
જયદેવે પોલીસ સ્ટેશનમાં જોયું તો ફકત કોન્સ્ટેબલ જયુભા અને પ્રતાપસિંહ તથા પી.એસ.ઓ. જમાદાર શકિતસિંહ જ હતા બાકીનાં તમામ ગાયબ થઈ ગયા હતા જેથી પ્રતાપસિંહને પોલીસ લાઈનમાં ખાસ ખાસ ડાયા અને પીઢ માણસોને બોલાવવા મોક્લ્યા પરંતુ તપાસ કરીને પ્રતાપસિંહ પાછા આવ્યા અને કહ્યું કે લાઈન આખીમાં ઘેર બાળકો અને બૈરા જ છે કોઈ નથી! જયદેવને નવાઈ નહિ પરંતુ આઘાતએ લાગ્યો કે હજુ સુધી મુળી પોલીસ માજી ફોજદાર ગોસાઈ વાળા બાબુભૈયા કાંડ તથા સરલા ગામવાળા વાઘરી પ્રકરણને ભૂલ્યા તો નથી. પરંતુ જયદેવને પણ તેની કક્ષાનો જ ગણે છે.જયદેવે વિચાર્યું કે જયારે હેડ ઓફીસ કંટ્રોલરૂમ બીજા પોલીસ સ્ટેશનો આવું વિચારતા હોય તો આ પામર પોલીસ વાળા તેવું વિચારે તો તેનું દુ:ખ ન લગાડાય !
જયદેવે શરદભાઈને પુછયું કે વાયરલેસતો તમે સુરેન્દ્રનગરથી આવો છો તેવો હતો. પરંતુ તમે તો મુળી ગામમાંથી આવતા હતા આમ કેમ? તેમણે કહ્યું કે તમે ત્રણ સવારીમાં ગામમાંથી હાઈવે ઉપર જતા હતા ત્યારે અમે મુળી ગામમાં જતા હતા અને તમે સામા મળ્યા હતા પરંતુ ત્યાં બાજુમાં સ્કુલ છૂટેલ તેના પુષ્કળ વિદ્યાર્થીઓ તથા પબ્લીક પણ હતી તેથી કદાચ તમા‚ ધ્યાન ગયું નહિ હોય. જયદેવે પુછયું કે મુળી ગામમાં તમે કેમ ગયા. શરદભાઈએ કહ્યું કે અમદાવાદ સીટી ક્રાઈમના એક છનુભા પરમાર નિવૃત જમાદાર અહી રહે છે. તેને મળવા ગયા હતા પરંતુ તેઓ હાજર નહિ હોય પાછા વળી ગયા હતા. શરદભાઈની બાજુમાં એક મનુભાઈ કરીને ઈસમ બેઠો હતો. તે પુષ્કળ અને વધારે પડતો દારૂ પીધેલ હતો. અને વધારે પડતુ બડબડ કરતો હતો જયદેવેતે તરફ ધ્યાન જ આપ્યું નહિ.
હવે જયદેવ બરાબર મુંજાયો કે કોઈનો સંપર્ક થતો નથી આ શરદભાઈનું નામ તો પક્ષના રાજય એકમના પ્રમુખ તરીકે પણ કેન્દ્ર લેવલે નકકી થઈ ગયાનું જાણવા મળતું હતુ. જયદેવે અગાઉ એવું જાણવાનું તો ઠીક વાંચેલુ પણ નહિ કે સંસદ સભ્ય દારૂ સાથે પીધેલા પકડાયા હોય અને આવું બને તેની કયારેય કલ્પના પણ કરેલી નહિ. આથી માજી ફોજદાર ગોસાઈ જેવી છાપ ન પડે તે માટે ઉપલી કચેરી કે અધિકારીઓને ધ્યાનમાં તો આ બાબત મુકી જ દેવાનું નકકી કર્યું બંને કોન્સ્ટેબલો પ્રતાપસિંહ અને જયુભા તથા પીએસઓ શકિતસિંહને આ વાત કરી અહીનો મામલો સંભાળવા કહ્યું અને પોતે કલાકમાં જ પાછો આવે છે તેમ જણાવ્યું આ ત્રણેએ પણ કહ્યું હા બરાબર છે. આ બાબતમાં ઉતાવળ કરવાથી ખાતુ જ ચોટી પડે છે. કે શું આટલી ઉતાવળ હતી? આ નથી કર્યું તે નથી કર્યું વિગેરે વિગેરે.
જયદેવ મોટર સાયકલ લઈને હજુ મુળી ગામમાંથી હાઈવે ઉપર ચડયો ત્યાંજ મુળી સીપીઆઈ દીનકર સુરેન્દ્રનગરથી અપડાઉન કરતા હતા તે મોટર સાયકલ લઈ સામા મળ્યા જયદેવને થોડી રાહત થઈ હવે વાંધો નહિ પરંતુ જયદેવની આ ખોટી માન્યતા હતી જયદેવે દીનકરને બનાવની પુરી વાત કરી અને કહ્યું કે તમે પોલીસ સ્ટેશને મામલો સંભાળો હું સુરેન્દ્રનગર પોલીસ વડાને મળીને આવુ છું પરંતુ દીનકરે કહ્યું એમ નહી તમે પહેલા પાછા પોલીસ સ્ટેશને ચાલો પછી વાત.
બંને મોટર સાયકલો પાછા આવતા દૂરથી જોયું તો પોલીસ સ્ટેશન બહાર માણસોનું મોટુ ટોળુ એકઠું થયું હતુ. જયદેવે હોર્ન વગાડી તથા રેસ કરી મોટર સાયકલ આગળ કર્યું મોટાભાગના માણસો દૂર ચાલ્યા ગયા બંને જણાએ મોટર સાયકલો પોલીસ સ્ટેશનમાં જ લઈ પાર્ક કયા અને ફોજદાર ચેમ્બરમાં જઈ દીનકરે ઉભા ઉભા જ બેઠેલી વ્યકિતઓને જોઈ અને પાછા બહાર નીકળી ગયા. જયદેવે ફરીથી વાયરલેસ વડે કંટ્રોલ રૂમનો સંપર્ક થાય તો કોશીષ કરી પરંતુ જીલ્લા આખાના વાયરલેસ સેટ બંધ હતા.
દરમ્યાન સીપીઆઈ દીનકરને કોણ જાણે શું શુરાતન ચડયું કે લાકડી લઈને પોલીસ સ્ટેશન બહાર રોડ ઉપર શાંતીથી જોવા ઉભેલા લોકો તરફ દોડયા અને એક બે પોલીસ ખાતાના સુત્રોનું ઉચ્ચારણ કર્યું અને મામલો બગડયો દીનકર ઉપર પથ્થરમારો શરૂ થયો તેઓ દોડીને પાછા પોલીસ સ્ટેશનમાં આવી ગયા તેમણે જયદેવને ફરીયાદ કરી કે જુઓ મારી ઉપર પથ્થરમારો થયો. જયદેવે કહ્યું કે તમારે ત્યાં જઈ આ કરવાની શું જ‚રત હતી. પહેલા આ ‘ગળામાં હાડકુ ભરાયું છે’ તેની વાત કરોને ? જયદેવ પોલીસ સ્ટેશન બહાર આવ્યો અને ટોળાને મોટેથી કહ્યું કે બે કલાક કાર્યવાહી કરી લેવા દો પછી આવજો તમામને જોવાનો લાભ મળશે. જનતાને તો જોવાનો અને જાણવાનો જ રસ હોય છે. ટોળુ લગભગ વિખરાઈ ગયું થોડા ઘણા વધ્યાતે દૂર જઈને ઉભા રહ્યા હતા.
જેથી દીનકરે જયદેવને કહ્યું એમ કરો તમે અહીનો મામલો સંભાળો હું સુરેન્દ્રનગર વડી કચેરીઓમાં પોલીસ વડા કે હોમ પોલીસ ઈન્સ્પેકટર ને રૂબરૂ મળી સમગ્ર વાત કરવા મારી જીપ લઈને જાઉ છું અને કલાકમાં જ પાછો આવું છું જયદેવે કહ્યું ભલે.
દીનકર ગયા પછી જયદેવે વિચારી લીધું કે હવે આવડો મોટો ધજાગરો થયો છે. તેથી કાયદેસરની કાર્યવાહી તો કરવી જ પડશે. જેથી પંચનામુ એફઆઈઆર વિગેરેની તૈયારી ચાલુ જ કરી દીધી. જયદેવે સાંસદ શરદભાઈને જ પૂછપરછ ચાલુ કરી અને પુછયું કે કેમ અત્યારે સુરેન્દ્રનગર અને મુળી આવવાનું થયેલું ? તો તેમણે એવું કહ્યું કે ગઈરાત્રીનાં અમો રાજકોટ સરકીટ હાઉસમાં રોકાયેલા અમો એક કસ્ટમ કેસ અંગે અમદાવાદ હાઈકોર્ટનાં વકીલને ફાઈલ લઈને મળવા જતા હતા. રાજકોટથી જ મોડુ થયેલું એટલે ચર્ચા એવી થઈ કે સુરેન્દ્રનગર વિરમગામ થી જઈએ તો ટ્રાફીક ઓછો લાગે અને જલ્દી પહોચી જઈશું તે સમયે રાજકોટ અમદાવાદ ફોરટ્રેક રોડ બન્યો નહતો.
જેથી વાયા સુરેન્દ્રનગર ચાલ્યા પરંતુ સુરેન્દ્રનગર ટાવર ચોક્માં આવતા જ ખ્યાલ આવ્યો કે જે ફાઈલ વકીલને બતાવવાની હતી તે તો રાજકોટ જ પડી રહી હતી તેથી ત્યાં ટાવર ચોકમાંથીજ તાત્કાલીક કાર પાછી વાળી. પરંતુ ત્યાં ગીર્દી પુષ્કળ હોઈ અને એક લારી વાળો ઓચિંતો આડો ઉતર્યો તેથી થોડી ગાડી અડી ગઈ અને રકઝક થતા ત્યાં પુષ્કળલોકો એકઠા થઈ ગયેલા અને દેકારો બોલાવતા અને અમારે મોડુ થતુ હોય કાર લઈને ત્યાંથી ઝડપથી નીકળીને રાજકોટ જતા હતા અને રસ્તામાં મુળી આવતા આ સુરેન્દ્રનગર થયેલ બબાલ બાબતે કોઈ ખોટી અને વધારીને ફરિયાદ ન કરે તે માટે અહી રહેતા મારા મિત્ર નિવૃત અમદાવાદ સીટી ક્રાઈમના જમાદાર છનુભાને ભલામણ કરવા સુરેન્દ્રનગર મોકલવા આવ્યા હતા. પરંતુ તે તો ન મળ્યા અને તમે મળી ગયા!
જયદેવને આખી વાતનો તાળો મળી ગયો કે આમેય ટાવર ચોકમાં બાજુમાં જ સીટી પોલીસ સ્ટેશન છે ટાવર ચોકમાં ઉભેલા લોકો આ કારમાં ચાલુ કારે દારૂ પીવાનું કદાચ જોઈ ગયા હોય અને પોલીસને તેની જાણકરી હોય અને ‘વા વાયોને નળીયું ખસીયું’ ની જેમ વાત વધારીને ‘બચાવો… બચાવો’વાળી રૂપે કંટ્રોલમાં મોકલી મામલો ગંભીર બનાવ્યો હોય કે જેથી તમામ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ રોડ ઉપર નાકાબંધીમાં આવી જાય!
પરંતુ હવે જયદેવને માટે તો પહેલી કહેવત જેવું થયું કે ‘સાપે છછુંદર ગળી, ગળી જાયતો મરી જાય અને કાઢી નાખે તો આંધળો થાય! જયદેવે ‘સત્યમેવ જયતે’ ઉપર વિશ્ર્વાસ રાખી કાર્યવાહી ચાલુ કરી તેણે તમામના નામ ઠામ પૂછયા તો તેઓ પાંચ પૈકી (૧) શરદભાઈ ઓડેદરા સાંસદ રહે. પોરબંદર, (૨) મનુભાઈ રાયચૂરા રહે. પોરબંદર, (૩) રણછોડ શામજી ખારવા ડ્રાઈવર રહે. પોરબંદર, (૪) ધીરૂભાઈ ઠકરાર રહે. રાજકોટ અને (૫) હસમુખભાઈ ચોટાઈ રહે સ્વીડન યુરોપ વાળા હોવાનું જણાવ્યું.
જયદેવે કાચુ પંચનામુ મુદાવાઈઝ રીતે કંટ્રોલ‚માંથી મેસેજ આવ્યો ત્યાંથી લઈ અત્યાર સુધીની કાર્યવાહી કરેલી તે પેરેગ્રાફ વાઈઝ પ્રથમ પંચોને સમજણ આપી. પાછળ બેઠેલા ત્રણ વ્યકિત પીધેલા એક સીલપેક બોટલ પાછળની સીટ પાસે એક અરધી વપરાયેલ તથા સોડા વોટરની બાટલીઓ વિ. મળી આવેલ પ્રથમ એફ.આઈ.આર. આ પ્રકારનાં વર્ણન સહિતની વગર પરમીટે ઈગ્લીશ દારૂ કબ્જામાં રાખવા અંગેનો પાંચેય સામે સંયુકત જે ઈગ્લીશ દારૂ ફોરેન વ્હીસ્કી કસ્ટમ ટેક્ષ ભર્યા વગરની માટે મુંબઈ પ્રોહીબીશન એકટ ક.૬૬ (૧) બી.૮૧ મુજબની તથા બીજી એફઆઈઆર શરદભાઈ ઓડેદરા એકલા સામે દારૂ પીવા અંગે પ્રોહીબીશન એકટ ક. ૬૬ ૧બી ૮૫ (૧,૩,) અને તે પછીની એફ.આઈ.આર.જેનું બીજા પેરેગ્રાફમાં નામ અને ત્રીજી ત્રીજા પેરેગ્રાફમાં નામ હોયતેના વિરૂધ્ધની કાચી બનાવી અને જયુભાને પંચનામા સહિત ચારેય એફઆઈઆર નવેસરથી સારા અક્ષરે લખવા જણાવ્યું.
દરમ્યાન સીપીઆઈ દીનકર જીપ લઈને સુરેન્દ્રનગરથી આવી ગયા. તેમણે જીપમાં બેઠાબેઠા જ જયદેવ સાથે જે વાત કરી તે સાંભળી જયદેવ આશ્ર્ચર્ય પામી ગયો અને પરસેવો વળી ગયો!
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,