કે.એસ.પી.સી. દ્વારા ‘ગ્રોથ સ્ટ્રેટેજી ફોર બિઝનેસ’ વિષય અંતર્ગત ડો.શુકલનો માર્ગદર્શક વેબિનાર
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ગ્રોથ સ્ટ્રેટેજી ફોર બીઝનેસ એ વિષયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.બી.એ. ભવનના પ્રોફેસર ડો.હિતેષ શુકલના વાર્તાલાપનો વેબીનાર કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ વેબીનારના માધ્યમ દ્વારા જુદા જુદા વિષયો ઉપર તેના એકસપર્ટ વકતાઓ દ્વારા દર મહિને કાર્યક્રમો યોજે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્ર્વર કૃપાથી કોરોનાનું દબાણ ઓછુ થતુ જાય છે. વહિવટી તંત્ર દ્વારા પણ વિવિધ પ્રકારની છુટ છાટો જાહેર કરવામાં આવી રહી છે. આપણી કાઉન્સીલ દ્વારા પણ ટુંક સમયમાં વિવિધ પ્રવૃતિઓ આપણી કાઉન્સીલના હોલમાં યોજીશું. આ અગાઉ આપણે જુદા જુદા વિષયો ઉપર ૬ વેબીનારો યોજી ચુકયા છીએ. તેમાં આપણા સભ્યો અને શ્રોતાઓએ સારો રસ દાખવ્યો હતો.
કાર્યક્રમના વકતા ડો.હિતેષ શુકલએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં ઉધોગ ધંધાના માલિકો સતત ચિંતામાં છે. ધંધામાં હરીફાઈ ખુબ જ છે, નફાનો ગાળો સતત ઘટતો જાય છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે ધંધાના નિયમોમાં ફેરફાર કરવા પડશે. આજના સમયમાં સફળ થવા માટે હરીફાઈ નહીં પરંતુ તમારા કોમ્પીટીટર સાથે સહયોગ અને સહકારના નવા બીઝનેસ મોડેલ થકી આગળ વધી શકાય. આજે સમગ્ર વિશ્ર્વમાં એક અવિશ્ર્વાસનું વાતાવરણ છે ત્યારે સૌપ્રથમ ઉધોગોના માલિકોએ પોતાના કર્મચારી અને ગ્રાહકો સાથે વિશ્ર્વાસનું વાતાવરણ સર્જવાની જરૂર છે. ગ્રાહકનો તમારા પરનો વિશ્ર્વાસ એજ ધંધાના વિકાસનો પાયો છે. જયારે ગ્રાહક તમારી સેવા/ઉત્પાદનથી સંતોષ થઈ તમારી સાથે જોડાશે ત્યારે ધંધામાં પોઝીટીવ વાતાવરણ બનશે અને ગ્રાહક તમારી બ્રાન્ડ સાથે મનથી જોડાશે અને ધંધાનો વિકાસ થશે જે કંપનીની સોશિયલ ઈમેજ નથી તેઓને આગળ વધવામાં મુશ્કેલી પડે છે. તમે તમારી સેવા કે ઉત્પાદન દ્વારા તમારા ગ્રાહકોને કંઈક વાયદો કરો છો જે તમોને નિશ્ર્ચિત સમયમાં પુરો કરવો પડશે. જેથી ગ્રાહકને સંતોષકારક સેવા મળે.
આ વેબીનાર ૧૦૦થી પણ વધુ લોકોએ લાઈવ નિહાળ્યો હતો જેમાં કાઉન્સીલના હોદેદારો, સભ્યો અને વિવિધ કંપનીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, અઘ્યાપકો વિગેરેનો સમાવેશ થાય છે. વેબીનારની વ્યવસ્થા અને આયોજન મંત્રી મનહરભાઈ મજીઠીયા, ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીના ચેરમેન દીપકભાઈ સચદે અને સંકલન પ્રો.લલીત ચંદેએ કર્યું હતું.