કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: પુરાણોનું અનુસરણ લોકોને કોરોનાથી બચાવશે
ચૈત્રી એકમ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ, માતાજીની ઉપાસના અને પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ અવસર: આ વર્ષ ચાર સવાર્થ, પાંચ રવિ યોગ, એક દ્વિપુષ્કર યોગ અને એક ગુરૂપુષ્પ યોગ બનવાના શુભ સંયોગ: લોકો ઘેર બેઠા જ કરશે આદ્યશકિતની આરાધના
આવતીકાલ ૨૫ માર્ચથી આલૌકિક ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્ષ દરમિયાન બે નવરાત્રીનું અત્યંત મહત્વ રહેલું છે જેમાં આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી પરંતુ ચૈત્રી નવરાત્રીથી લોકોને અનેકવિધ પ્રકારે ફાયદાઓ થાય છે અને માતાજીની આરાધનામાં લોકો લીન પણ થતા હોય છે. ચૈત્રી નવરાત્રી શરૂ થતાની સાથે જ સતત ૯ દિવસ સુધી લોકો માતાજીની આરાધના અને ભકિત કરે છે. કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું જ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. ચૈત્રી નવરાત્રીના સમયે કડવા લીમડાનું ઘણુ અત્યંત મહત્વનું છે. આ સમય દરમિયાન લોકો નકોડા ઉપવાસ પણ કરે છે અથવા આ ૯ દિવસ મીઠાનું સેવન પણ નથી કરતા. ધાર્મિક મહત્વ વિશે જણાવતા શાસ્ત્રીઓનું કહેવું છે કે, નવરાત્રીમાં ઉપવાસનું એક અનેરૂ મહત્વ છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું ઈશ્ર્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનું મહત્વ પ્રબળ છે. લોકો અતિરેક ભોજનનું સેવન કરવાથી તેમનું શરીર આળસુ બની જાય છે તે માટે આ સમય દરમિયાન ઉપવાસ કરવો અત્યંત આવશ્યક છે.
હાલના સમયમાં જે રીતે વિશ્ર્વ આખામાં કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે તેમાં ધાર્મિક આસ્થા અને લોકોની ધાર્મિક લાગણી પણ છે કે, આ ચૈત્રી નવરાત્રીનાં ૯ દિવસ દરમિયાન સમગ્ર વિશ્ર્વ કોરોનાનાં કહેરથી બહાર આવી જાય અને સુચારું રૂપથી તે તેમનું જીવન જીવવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમય દરમિયાન માતાજીની ઉપાસના કરતા નજરે પડે છે. સંયોગ વર્ષ હાલ જે રીતે કોરોનાનો કહેર સમગ્ર વિશ્ર્વમાં વ્યાપ્યો છે ત્યારે ૯ દિવસ માટે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ આવતીકાલ એટલે તા.૨૫નાં રોજ થવાથી લોકોને આશા અને આસ્થા પણ છે કે, આ સમય દરમિયાન કોરોનાનાં કહેરથી લોકોનો પૂર્ણત: બચાવ પણ થશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લોકો ફરાળની સાથે માખણની ખીર, સાબુદાણાની ખીચડી અને બટેટાના હલવાનું સેવન કરી શકે છે.
આ નવ દિવસ માટે જો લોકો સાવચેતી દાખવે તો તેઓનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને તેમનાં રહેલી રોગપ્રતિકારક શકિતમાં પણ અનેકગણો વધારો થાય છે.
અણધારી આવેલી આફતોને ટાળવા નવ દિવસ આટલુ કરજો
- એકાંતમાં પૂજા-જપ કરવા
- નવદુર્ગા અને કુળદેવીની ઉપાસના કરવી
- સુદરકાંડના પાઠ કરવા
- બહારનું ભોજન કરવું નહિ
- વડીલોને આદર આપવો
- ક્રોધ કરવો નહિ.
- શ્રી રામ નામના જાપ કરવા
- સ્વચ્છતાનો આગ્રહ રાખવો
- ઘરનું સાત્વિકભોજન જ કરવું
બ્રહ્માજીએ આ દિવસે કરી સૃષ્ટિની રચના
ચૈત્રી નવરાત્રીને દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાનું કહેવાય છે ભગવાન વિષ્ણુએ પણ મત્સ્ય અવતાર ધારણ કયો હતો. સિંધી અને લોહાણાના આરાધ્ય દેવ લાલસાંઈ ઝુલેલાલનું પણ ચૈત્રી માસમાં બીજનાં દિવસે અવતરણ થયું હતુ અહિંસાના આરાધક અને જૈનોના ભગવાન મહાવીર પણ આજ મંગલ માસે અવતર્યા હતા. માધવપૂરનો માંડવોઅને યાદવકુળની જાન યાને ભગવાન શ્રી કૃષ્ણના શુભલગ્ન રૂકિમણીજી સાથે આજ માસમાં નિર્ધાર્યા હતા.
-ઘનશ્યામભાઈ ઠકકર -ગાયત્રી ઉપાસક
ઘટ સ્થાપનનું મૂહુર્ત
- સવારે ૬.૪૭ થી ૮.૧૭ કલાક સુધી લાભ ચોઘડિયું
- સવારે ૮.૧૭ થી ૯.૫૦ કલાક સુધી અમૃત ચોઘડિયું
- તા. ૨૫ને બુધવારે ચૈત્રી નવરાત્રી-શ્રી રામ નવરાત્રી પ્રારંભ
- તા.૨૭ને શુક્રવારે ગૌરીપૂજનનું મહત્વ
- તા.૨૯ને રવિવારે શ્રી પંચમી
- તા.૧ને બુધવારે ચૈત્ર સુદ આઠમ કુળદેવીની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ
- તા.૨ને ગૂરૂવારે રામનવમી
- -શાસ્ત્રી રાજદીપ જોષી