ઇવા પાર્ક ફાયરીંગ પ્રકરણમાં ટાબરીયા સહિત સાત ઝડપાયા: જયેશ સહિત અન્ય આઠની શોધખોળ: ફાયરીંગમાં વપરાયેલા હથિયારો, મોટર સાઈકલ, મોબાઈલ કબ્જે
જામનગરના ઇવા પાર્ક વિસ્તારના એક બિલ્ડર પર ત્રણ દિવસ પહેલા વહેલી સવારે થયેલા ફાયરીંગ અંગેના પ્રકરણમાં જામનગર ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા સાંપડી છે અને ફાયરિંગ કરીને નાસી છૂટેલા એક ટાબરિયા સહિત સાત આરોપીઓને બાઈક તેમજ હથિયારો સાથે પકડી પાડ્યા છે. ભૂમાફિયા જયેશ પટેલ ના કહેવાથી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના હજી ૮ આરોપીઓને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં ઇવા પાર્કમાં નવા મકાનનું બાંધકામ કરાવી રહેલા બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો દેવરાજભાઈ પેઢડીયા ઉપર ત્રણ દિવસ પહેલા વહેલી સવારે બે બાઇકમાં આવેલા ચાર શાર્પ સૂટરો દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપી ભાગી છૂટયા હતા. જે અંગે જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા પછી જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન તેમજ એ.એસ.પી. નિતેશ પાંડે ની આગેવાની હેઠળ જામનગરની એલ.સી.બી., એસ.ઓ.જી તથા સીટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે નાકાબંધી કરી આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસના અંતે ગુનેગારોને પકડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે.
પોલીસની જુદી-જુદી ટુકડીઓ દ્વારા સીસીટીવીના ફૂટેજ નિહાળવામાં આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ બે મોટરસાયકલ ના નંબર ઓળખી લેવામાં આવ્યા હતા. અને ધીમેધીમે બાતમીદારો મારફતે હકીકતો એકત્રિત કર્યા પછી કે.ટી.એમ. ડ્યુક મોટરસાયકલ પોલીસની નજરમાં આવ્યું હતું અને તેના ચાલક મયુર આલાભાઇ હાથલીયા અને તેની પાછળ બેઠેલા સુનિલ ખીમાભાઈ કણજારીયા નામના શખ્સ સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી હતી. તે ઉપરાંત એક સ્પ્લેન્ડર મોટરસાયકલનાં ચાલક દીપ હીરજીભાઈ હડીયા અને તેની પાછળ બેઠેલા એક ટાબરિયા ની ઓળખ કરવામાં પોલીસને મહત્વની સફળતા મળી હતી. પોલીસે મોબાઈલ ટેકનોલોજી તથા અન્ય એનાલિસિસના આધારે ત્રણ દિવસના અંતે કુલ સાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં એક ટાબરિયો છે.
જ્યારે બાકીના અન્ય છ આરોપીઓ જેમાં જામનગરમાં હરીયા કોલેજની પાછળની ગલીમાં રહેતા મયુર આલાભાઇ હાથલીયા, મૂળ ભુજ કચ્છના અને જામનગરમાં ગોકુલ નગર નજીક નવાનગર શેરીમાં રહેતા દીપ હીરજીભાઈ હડિયા, મૂળ કલ્યાણપુર તાલુકાના જામપર ગામના વતની અને હાલ યાદવ નગરમાં રહેતા સુનીલ ખીમાભાઈ કણજારીયા, મૂળ કલ્યાણપુરના વતની અને હાલ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સુનીલ ઉર્ફે જાંબુ દેવશીભાઇ નકુમ, ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વતની અને હાલ જામનગરમાં માધવ બાગ માં રહેતા કરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરિયા તેમજ મૂળ ભાણવડના વતની અને હાલ જામનગરમાં ગોકુલ નગર માં રહેતા ભીમસી ગોવાભાઇ કરમુર વગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી. ઉપરોક્ત તમામ આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે જી જી હોસ્પિટલમાં લઈ જવાયા છે અને તેઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
આ પ્રકરણમાં પોલીસે છ આરોપીઓ પાસેથી ફાયરિંગના ગુનામાં વપરાયેલા હથિયારો એક પિસ્ટલ અને એક તમંચો તેમજ બે મોટરસાઈકલ અને તમામના મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન કુખ્યાત ભૂમાફિયા ના કહેવાથી રેકી કરીને બિલ્ડર પર ફાયરિંગ કરવાનો પ્લાન કર્યો હતો, અને આખરે ૨૮મી તારીખે સવારે બિલ્ડર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને એક ગોળી વાગી છે અને સારવાર હેઠળ છે.
આ પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપરાંત અન્ય સાત આરોપીઓ પણ સંડોવાયેલા છે જેથી પોલીસે વધુ ૮ આરોપીઓને ફાયરિંગ પ્રકરણમાં ફરાર જાહેર કર્યા છે, અને તમામ ને પકડવા માટે જુદી જુદી ટૂકડીઓ હજુ દોડધામ કરી રહી છે. જે આરોપીઓ પકડાઈ ગયા પછી સમગ્ર ફાયરિંગ પ્રકરણ પરથી પડદો ઉચકાશે.
ત્રણ મહિનાથી રેકી કરી’તી
ઇવા પાર્ક વિસ્તારમાં બિલ્ડર પર ફાયરિંગ કરવા અંગેના પ્રકરણમાં પકડાયેલા સાત આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ ભૂમાફિયા જયેશ પટેલ પાસેથી દિવાળી પહેલાં સોપારી મેળવી હતી, અને સતત ત્રણ મહિનાથી ફાયરિંગ કરવા માટે રેકી કરતા હોવાનું કબૂલ્યું હતું. નગરના બિલ્ડર જયસુખ પેઢડીયા ઉપર ફાયરિંગ કરવા અંગેના પ્રકરણમાં પકડાયેલા આરોપી મયુર હાથલીયા કે જે બાઇક ચલાવતો હતો અને તેની પાછળ બેઠેલા સુનિલ કણજારીયા એ ફાયરિંગ કર્યું હતું. જેની સાથે દિપ હડીયા નામનો અન્ય એક શખ્સ બીજુ બાઇક ચલાવતો હતો, જેની પાછળ એક ટાબરિયો બેઠો હતો. જે પણ ફાયરિંગ કરવામાં જોડાયો હતો. આ ઉપરાંત સુનિલ ઉર્ફે જાંબુ અને કરણ ઉર્ફે કારો અને ભીમસિંહ ગોવાભાઇ કરમૂર નામના અન્ય ત્રણ શખ્સો કે જેઓ જુદાજુદા વિસ્તારના રેકી કરીને બેઠા હતા, અને બંને બાઈકમાં નીકળેલા ચારેય શખ્સોને મોબાઈલ ફોન મારફતે લોકેશન બતાવતા હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત ત્રણ મહિના પહેલા બિલ્ડર પર ફાયરિંગ કરવા માટેનો પ્લાન ઘડાયો હતો, અને તમામને ફાયરિંગ કરવા માટે જુદી જુદી રકમ જયેશ પટેલ મારફતે મળી હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે. સતત ત્રણ મહિના પછી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જે કાવતરામાં હજુ અન્ય સાત શખ્સો પણ જોડાયા હોવાની કબૂલાત આપી હોવાથી તે તમામને પોલીસ શોધી રહી છે ઉપરાંત જયેશ પટેલ કે જે વિદેશમાં બેઠા બેઠા વોટ્સએપ કોલિંગ મારફતે વાતચીત કરતો હોવાનું પણ કબૂલ્યું હોવાથી પોલીસે તમામના મોબાઈલ ફોન કબ્જે કરી લઈ વિશેષ તપાસ શરૂ કરી છે.