જબ તક પુરે ના હો ફેરે સાત…

જ્યાં સુધી હિન્દુ પરંપરા અનુસાર યોગ્ય વિધીઓ સાથે લગ્ન ન થાય ત્યાં સુધી માન્ય ઠરે નહીં

આજથી 41 વર્ષ પહેલા એક સુપરહિટ ફિલ્મ આવી હતી જેનું નામ હતું ’નદીયા કે પાર’. પૂર્વીય ઉત્તર પ્રદેશની ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. તેના ગીતો લોકોમાં ખુબ લોકપ્રિય થયા હતા. આ ગીતોમાંના એક ગીતના બોલ હતા કે, ’જબ તક પુરે ના હો ફેરે સાત, તબ તક દુલ્હન નહિ દુલ્હે કી’ જેનો અર્થ છે કે, હિંદુ ધર્મમાં જ્યાં સુધી યુવક અને યુવતી એકસાથે સાત ફેરા ન લ્યે હોય ત્યાં સુધી તેઓ પરણિત ગણાતા નથી. અલ્હાબાદ હાઈકોર્ટે પણ તેના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં આ બાબતને સમર્થન આપ્યું છે.

અલ્હાબાદ હાઇકોર્ટે જણાવ્યું છે કે, તમામ રીત-રિવાજો અને વિધિઓ સાથે આયોજિત લગ્ન સમારોહ જ કાયદાની નજરમાં માન્ય લગ્ન ગણી શકાય છે. જો આમ ન થાય તો કાયદાની દૃષ્ટિએ લગ્ન માન્ય ગણાશે નહીં. હિન્દુ લગ્નમાં માન્યતા સ્થાપિત કરવા માટે સપ્તપદી જરૂરી છે. સપ્તપદી એટલે પવિત્ર અગ્નિની આસપાસ સાત વાર પરિક્રમા કરવી એટલે કે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લેવા જરૂરી છે. મિર્ઝાપુરની સ્મૃતિ સિંહની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર સિંહે સ્મૃતિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને તેના પર નીચલી કોર્ટના સમન્સને રદ કરી દીધા છે.

પિટિશનર સ્મૃતિ સિંહે વર્ષ 2017માં સત્યમ સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંનેના લગ્ન ટકી શક્યા ન હતા. બંને વચ્ચે સંબંધો બગડ્યા બાદ સ્મૃતિ સિંહ તેના મામાના ઘરે રહેવા લાગી હતી. તેણે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. તપાસ બાદ પોલીસે પતિ અને સાસરિયાં વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સ્મૃતિ સિંહે ભરણપોષણ માટે અરજી પણ કરી હતી. 11 જાન્યુઆરી 2021 ના રોજ, મિર્ઝાપુર ફેમિલી કોર્ટે સત્યમ સિંહને ભરણપોષણના પેટે દર મહિને 4,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ પૈસા સ્મૃતિ સિંહને આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પછી સત્યમ સિંહે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાની પત્ની પર છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી હતી. 20 સપ્ટેમ્બર 2021ના રોજ દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરતી વખતે નીચલી કોર્ટે સ્મૃતિ સિંહને સમન્સ જારી કર્યા અને તેમને 21 એપ્રિલ 2022ના રોજ હાજર થવા જણાવ્યું હતું. આ પછી સ્મૃતિ સિંહે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો જેના પર હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.

હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, એ વાત સારી રીતે નક્કી થઈ ગઈ છે કે લગ્નના સંબંધમાં સમારંભ શબ્દનો અર્થ ’યોગ્ય વિધિ અને યોગ્ય સ્વરૂપમાં લગ્નની ઉજવણી’ થાય છે. જ્યાં સુધી લગ્ન યોગ્ય વિધિ અને યોગ્ય સ્વરૂપ સાથે ઉજવવામાં ન આવે અથવા કરવામાં ન આવે ત્યાં સુધી તેને ’સંપૂર્ણ’ કહી શકાય નહીં. જો લગ્ન માન્ય ન હોય તો કાયદાની દૃષ્ટિએ તે લગ્ન નથી. હિંદુ કાયદા હેઠળ લગ્ન માટે સાત ફેરા જરૂરી છે. કોર્ટે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 7 પર આધાર રાખ્યો હતો કે જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે હિંદુ લગ્ન કોઈપણ પક્ષના પરંપરાગત સંસ્કારો અને વિધિઓ અનુસાર થઈ શકે છે. બીજું આવા સંસ્કારમાં ’સપ્તપદી’નો સમાવેશ થાય છે, જે સાત ફેરા પછી જ પૂર્ણ થાય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.