આવતીકાલે યજ્ઞ સ્થળે આયોજકોની વિશાળ મીટીંગ: ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સોમયજ્ઞનું ભવ્ય આયોજન
ગોવર્ધન ગૌશાળાના સેવાર્થે યોજાનાર વિરાટ સોમયજ્ઞ સ્થળનું ભૂમિપૂજન ખુબ જ ઉમંગ ઉત્સાહપૂર્વક સંપન્ન, અનેક સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ, સોમયજ્ઞ માટે ભકતજનોમાં ઉભરાતો આનંદ, વિષ્ણુગોપાલયજ્ઞમાં બેસવા માટે મોટી સંખ્યામાં નામો નોંધાયા, આયોજનની વ્યવસ્થા ગોઠવવા માટે ૧મી માર્ચ શુક્રવારે રાત્રે ૯:૦૦ વાગ્યે યજ્ઞસ્થળે આયોજકો ત્યાં ધર્મપ્રેમીઓની વિશાળ મીટીંગ, સેવામાં જોડાવવા માંગતા ભકતજનોને પધારવા જાહેર અનુરોધ છે.
આગામી ૧૫મી માર્ચ થી ૨૧મી માર્ચ સુધી પદ્મશ્રી એવમ પદ્યભુષણ સોમયાજી પૂ. પા. ગો. ડો. ગોકુલોત્સવજી મહારાજ (ઈંદોર)ના સર્વાધ્યાક્ષસ્થાને યજ્ઞાચાર્ય સોમયાજી પૂ. પા. ગો. ડો. વ્રજોત્સવજી મહોદયના કરકમલો દ્વારા યોજાનાર વિરાટ સોમયજ્ઞ મહોત્સવના સ્થળનું ભૂમિપૂજન વિદ્વાનશાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ શ્રેષ્ઠીઓ સુખાભાઈ કોરડીયા, બીપીનભાઈ હદવાણી, જેરામભાઈ વાડોલીયા, જગદીશભાઈ હરિયાણી, લલિતભાઈ ભાલોળીયા, રાજુભાઈ કાલરીયા, કિશોરભાઈ સાવલીયા તેમજ વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્ર્વશાંતિ પર્યાવરણની શુદ્ધિ પ્રાણીમાત્રના કલ્યાણ વંશ વૃદ્ધિ માટે યોજાનાર વિરાટ સોમયજ્ઞના દર્શન પરિક્રમા, દંડવતી પરિક્રમા તેમજ પૂ.મહારાજના વચનામૃત શ્રવણ કરવા અને સેવામાં જોડાવવા માટે ગામે-ગામથી હજારો સનાતની ધર્મજનો કાલે રાત્રે વલ્લભાચાર્યનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, શિતલપાર્ક, બસ સ્ટેન્ડ પાસે, દ્વારકા હાઉટ બિલ્ડીંગ સામે, સોમયજ્ઞ યોજાશે.
વિરાટ સોમયજ્ઞ અંતર્ગત વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવાનું ખુબ જ મહત્વ છે જેમાં મોટી સંખ્યામાં યજમાનો કલાકો સુધી બેસી મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી ધન્ય બને છે. રાજકોટના જુદા-જુદા વિસ્તારના કાર્યાલયોમાં અત્યારસુધી યજમાનોના નામ નોંધાઈ ચુકયા છે.
૬ દિવસ ચાલનારા સોમયજ્ઞમાં વિષ્ણુગોપાલયજ્ઞ ચાલુ રહે છે. યજ્ઞમાં બેસવા માંગતા ભકતજનોને વિશેષ માહિતી માટે જેરામભાઈ વાડોલીયા મો.૯૮૨૪૨ ૨૪૭૯૭ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે. રાજકોટમાં યોજાનાર વિરાટ સોમયજ્ઞ માટે ગોવર્ધન ગૌશાળાના તમામ પરિવારજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ પ્રસાર સમિતિના ક્ધવીનર અરવિંદભાઈ પાટડીયાએ જણાવ્યું હતું.