જતા જતા કર્મચારીઓનું પદાધિકારીઓ ભલું કરતા ગયા!!!
જરૂરીયાતમંદ કર્મચારીઓને સરકારની ગાઈડલાઈન મુજબ આવાસ ફાળવવા આદેશ
રાજકોટ મહાનગરપાલિકાના ઘરવિહોણા અધિકારીઓ અને કર્મચારીઓને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે તેઓને આવાસ ફાળવવા નિર્ણય પદાધિકારીઓ દ્રારા લેવામાં આવ્યો છે.
મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તથા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરે જણાવ્યુ છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં કોઈ ઘર વિહોણું ન રહે તેવા આયોજન સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પ્રોજેક્ટ હાથ ધરી, અત્યાર સુધિમાં આશરે ૨૫,૦૦૦ જેટલા આવાસો બનાવી લાભાર્થીઓને ફાળવી દીધા છે.
મહાપાલિકાના કર્મચારીઓ પણ આવાસ ફાળવવા ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. કર્મચારીની માંગણી અનુસંધાને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવેલ જે અંગે રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ કર્મચારીઓને યોજનાની માર્ગદર્શિકાને અનુસરીને આવાસ ફાળવવા જણાવ્યુ છે. જેના અનુસંધાને ર મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પદાધિકારીઓ દ્વારા આવાસ ફાળવવા નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે તંત્રને સુચના આપવામાં આવી છે.