આવાસ યોજનાના ફ્લેટમાં મૂળ લાભાર્થીઓ રહેતા ન હોવાની વધુ એક વખત આવ્યું પ્રકાશમાં
ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હજ્જારોની સંખ્યામાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જે વ્યક્તિને ક્વાર્ટર પ્રાપ્ત થયું હોય તે વ્યક્તિ રહેતો ન હોવાનું અને ભાડે ચડાવી દેતા હોવાની વિગતો અનેકવાર પ્રકાશમાં આવી છે.
દરમિયાન અલગ-અલગ બે આવાસ યોજનામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાનું બહાર આવતા 15 ક્વાર્ટર સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનંખ માલુમ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ આવાસોમાં કુલ 15 આવાસો સીલ કરવામાં આવ્યા છે.
આ આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે આજે મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં 11 આવાસો તથા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં 4 આવાસો મળી કુલ 15 આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સુરક્ષા વિભાગ તથા દબાણ હટાવ ટીમને સાથે રાખી સીલ કરવામાં આવેલ છે.