અમિતભાઈ નામના એક વ્યક્તિ પ્રેસમાં જોબ કરે છે અને તે એક દિવસ છુટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક વ્યક્તિનું અકસ્માત થયું હતું અને કોઈ તેમની મદદ કરવા માટે ઊભું રહેતું ન હતું. અમિતભાઈએ આ જોયું કે પેલો પીડિત વ્યક્તિ મદદ માંગી રહ્યો છે પણ કોઈ તેની મદદ કરી રહ્યું નથી. અમિતભાઈને તેની પત્નીને સ્ટેશન મુકવા જવાનું હતું તો પણ તે પીડિતને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. તેમની પત્નીને ઘરે ફોન કર્યો કે હું હોસ્પિટલ છું. એક વ્યક્તિનું અકસ્માત થયું છે તો હું તેની સાથે છું. મારે ઘરે આવતા મોડું થશે તો રિક્ષામાં સ્ટેશન ચાલી જા. ત્યારે તેની પત્નીએ કહ્યું કે તમને અજાણ્યા લોકોની સેવા કરવામાં જ રસ છે. પત્નીને મોડું થાય છે એ દેખાતું નથી. અમિતભાઈએ કહ્યું કે મારે અહીંયા રહેવું પડે એમ છે. આ ભાઈને બહુ વધારે વાગ્યું છે. હું રાત્રે ઘરે આવી જઈશ. પત્નીએ ગુસ્સામાં વાત કરીને ફોન મૂકી દીધો.
અમિતભાઈ ફોર્મ ભરીને અને ફિ ભરીને આખી રાત તેમની પાસે રહ્યા. તે ભાઈનું નામ ભીખાભાઈ હતું. અમિતભાઈએ ખૂબ જ મદદ કરી. આખી રાત તેમની સેવા કરી અને સવારે ઓફિસ પણ ના ગયા અને ઘરે પણ ના ગયા. અમીતભાઇના પપ્પાનો ફોન આવ્યો કે આખી રાત તો ઘરે આવ્યો નથી અને અત્યારે ઓફિસ પણ ગયો નથી આ બધું શું ચાલી રહ્યું છે?
કોઈ અજાણ્યા વ્યક્તિ માટે આટલું બધું કરવાની શું જરૂર છે?
જલ્દી ઘરે આવ અને ફ્રેશ થઈને ઓફિસ ચાલ્યો જા. પણ અમિતભાઈએ ના પાડી અને કહ્યું કે ભીખાભાઈ પાસે મારે રહેવું છે. મેં જ એમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે તો મારી જવાબદારી છે કે હું તેમનું ધ્યાન રાખું. તેમની હાલતમાં સુધારો આવે ત્યાં સુધી તો મારે તેમની પાસે રહેવું જ પડશે. બીજે દિવસે પણ અમિતભાઈ તેમની પાસે રહ્યા. રાત્રે પણ અમિતભાઈ ત્યાં જ રહ્યા. અમિતભાઈ બે દિવસથી સુતા ન હતા. તેમને પણ થોડી નબળાઈ આવી ગઈ હતી છતાં તે ભીખાભાઈ પાસે રહ્યા. ભીખાભાઈને માથાના ભાગમાં ખૂબ જ વાગી ગયું હતું. અને ખૂબ જ લોહી વહી ગયું હતું. 2:30 વાગ્યે ભીખાભાઈનું મૃત્યુ થયું. અમિતભાઈ ને ખૂબ જ દુઃખ થયું પછી તે ઉદાસ થઈને ઘરે ગયા. ઘરે પહોંચ્યા તો ઘરના બધા લોકોએ તેમને ખૂબ જ સંભળાવ્યું કે બીજા માટે આટલો બધો સમય ન અપાય. કોઈની સેવા ના કરાય. ઘરના લોકોનું ધ્યાન રાખો પછી બહારના લોકોનું ધ્યાન રાખજો. અમિતભાઈ પોતાના રૂમ માં ગયા અને ખૂબ જ રડ્યા.
અમિતભાઈ દુઃખી તો હતા પણ સાથે અંદરથી ખૂબ જ ખુશ હતા. તેમને પોતાની જાત પર ગર્વ થયો કે એમણે કોઇ અજાણ્યા વ્યક્તિની મદદ કરી. તે ખુબ હેરાન થયા પણ તેમને ભીખાભાઈ ની મદદ કરીને ખુબ જ આનંદ થયો. તેમને દિલથી ખૂબ જ ખુશી થઈ કે તે કોઈના કામમાં આવી શક્યા.
ઘણીવાર આપણે પણ જોઈએ છીએ કે રસ્તા પર કોઈ અકસ્માત થાય તો લોકો તેમને બચાવવા ઉભા રહેતા નથી. સમયસર તેમને હોસ્પિટલ લઈ જતા નથી અને તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.
એકવાર વિચારી જુઓ કે તમારી સાથે પણ આવું થઈ શકે છે. તમને પણ કોઈ મદદ નહીં કરે ત્યારે તમને કેવું લાગશે?
તો ક્યારેય પણ આવું થાય તો આપણાથી બનતી બધી જ મદદ કરવી જોઈએ જેથી કોઇ વ્યક્તિનો જીવ બચી શકે.
– આર. કે. ચોટલીયા