- સીટી બસે સર્જેલા મોતના તાંડવ મામલે
- ડ્રાયવરને કેમ બચાવ્યો કહી પોલીસ પર ટપલી દાવ કરનારા ટોળાં સામે પણ ફરિયાદ : ત્રણની અટકાયત
- પોલીસકર્મી સાથે ઝપાઝપી કરનાર ત્રણને પકડી લેવાયા
શહેરના ઇન્દિરા સર્કલ નજીક ગઈકાલે સવારે સીટી બસ કાળ બની ત્રાટકી હતી અને આઠેક વાહનોને ટક્કર મારી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા જતાં. જયારે સાત વર્ષની બાળકી સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં અલગ અલગ હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઘટનાસ્થળે હાજર ટોળાંએ ચાલકને માર માર્યો હતો.દરમિયાન ચાલકને ટોળાંના મારથી બચાવવા વચ્ચે પડેલા ટ્રાફિક પોલીસના જવાન સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. મામલામાં પોલીસે અલગ અલગ બે ગુના દાખલ કર્યા છે. ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર ચાલક શિશુપાલસિંહ રાણા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જયારે પોલીસકર્મી સાથે ટપલીદાવ કરનાર ટોળાં વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણ શખ્સોંની અટકાયત કરી લેવામાં આવી છે. સીટી બસના ચાલકે અડફેટે લેતા ચાર લોકોના મોતથી ચાર પરિવારોમાં ભારે અરેરાટી વ્યાપી હતી. ગઈકાલે શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને હડફેટે લીધા હતા.
અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. જયારે ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસચાલક શિશુપાલસિંહ રાણા પણ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે બીએનએસની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ 125(એ), 125(બી), 281, 324(4) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ 5, 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બીજી બાજુ ડ્રાયવરને માર મારતા ટોળાંમાંથી ચાલકને બહાર કાઢનાર ટ્રાફિક પોલીસ જવાન સાથે ટોળાંએ કરેલ ટપલી દાવ મામલે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં અજયભાઈ ભીખાભાઈ ડાભી (ઉ.વ.40) એ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ટોળામાં રહેલ 15 થી 20 લોકોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પોલીસ વિભાગમાં શહેરમાં વર્ષ 2011 થી ફરજ બજાવે છે. હાલમાં તેમની ફરજ ટ્રાફિક સેકટર – 4 વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા બે દિવસથી મારી ફરજ બજાવે છે.
ગઈકાલે તેઓ ફરજ પર 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ઈન્દીરા સર્કલ પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા, તે દરમ્યાન સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં કોટેચા ચોકથી આકાશવાણી ચોક તરફ જવાનું સિગ્નલ ખુલતા તે બાજુની સાઇડ ઉપર ઉભી ટ્રાફિક નિયમન કરતા હતા. તે દરમ્યાન એક આરએમસીની સીટી બસ 4. જીજે-03-બીઝેડ-0466 ની પુરપાટ ઝડપે કોટેચા ચોકથી સિગ્નલ ખુલતા અચાનક આવી જતા બસના ચાલકે રસ્તાના રાહદારીઓ, બાઈક ચાલકો તથા કાર ચાલકો કે જેઓ આગળની સાઈડ યુનિવર્સિટી રોડ તરફ જતા હતા ત્યારે તેઓને અડફેટે લઈ તેઓની ઉપરથી બસ ચલાવી દેતા અચાનક ત્યાં અકસ્માત સર્જાયો હતો.જે બનાવ ગંભીર હોય, થોડીક વારમાં જ લોકોના ટોળા ભેગા થઈ જતા તેઓ ટ્રાફિક નિયમન કરી પ્રથમ કોલ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફોન કરેલ અને વધુ પોલીસ ફાળવવા જણાવેલ હતું. તેમજ રાહદારીઓમાંથી કોઈએ 108 ને ફોન કરેલ હતો, તેમજ સીટી બસના ચાલકે સાત થી આઠ રાહદારીઓને હડફેટે થઈ લીધેલ હોય, જેથી માણસો તેઓની કાબુ બહાર થતા પ્રથમ તેઓની ફરજ હતી કે, ત્યાં ટોળુ વિખેરવું તેમજ ટોળાને ક્ધટ્રોલ કરવાની કામગીરી દરમ્યાન 15 થી 20 અજાણ્યા માણસોના ટોળાએ છુટા પથ્થરના ઘા મારી કોર્પોરેશનની સીટી બસના કાચ તોડ ફોડ કરવા લાગેલ હતાં.
બાદમાં બસનો દરવાજો ખોલી જે ટોળાએ બસના ડ્રાયવરને સીટ ઉપરથી ખેંચીને નીચે ઉતારી રોડ ઉપર માર મારવા લાગતા, તે દરમ્યાન તેઓએ ટોળાની વચ્ચે પડી ટોળાને વિખેરાઈ જવા સુચના કરેલ હતી, તેમ છતા ટોળું વિખેરાયેલ નહી અને માર મારવાનું ચાલુ રાખેલ જેથી તેઓએ ડ્રાઇવરને વધુ મારમાથી છોડાવેલ હતો, ડ્રાયવરને ઈજા થયેલ હોય, જેથી 108 મારફત સરકારી હોસ્પી. ખાતે સારવાર માટે મોકલી આપેલ હતો.
બાદમાં બીજી 108 આવતા ટોળાને હટવા માટે જણાવેલ અને સાઇડમાં જવાનું કહેતાં ટોળું તેમની ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને તે ટોળામાના કેટલાક શખ્સો તેમની સાથે ઝપાઝપી અને ગાળા ગાળી કરી જણાવવા લાગેલા કે, ડ્રાયવરને અમોને કેમ ન સોંપ્યો ? અને એંબ્યુલન્સમાં કેમ મોકલી દીધો ? તેમ કહી ટોળાના માણસો હલ્લા બોલ કરી પોલીસ વાળા ભાઈએ જ બસ ડ્રાયવરને બચાવેલ છે, તેમ કહી કેટલાક શખ્સોએ પોલીસ વાળાને મારો મારો તેમ કહી બુમો પાડવા લાગેલા અને ટોળુ વધુ ઉશ્કેરાઈ ગયેલ હાથાપાઈ કરવા લાગેલા હતાં.
ટોળું બેફામ થઈ અને સ્થિતિ કાબુ બહાર જતા ટોળાના માણસો વધુ માર મારવા પ્રયત્ન કરતા સંજોગો વસાત તેઓ ત્યાથી બચવા બીઆરટીએસ રૂટ ઉપર ભાગેલ અને અમુક શખ્સો તેમની પાછળ દોડેલ હતા, જેથી ટોળાના મારથી બચવા કે.કે.વી. પોઈન્ટ ઉપર પહોંચેલ હતા, જે અંગે બનાવની હકીકત ત્યાના ફરજ પરના હાજર કર્મચારીને કરતાં તેઓએ તુરંત બનાવ સ્થળે વધુ પોલીસ ફોર્સ મોકલી આપવા કંટ્રોલમાં જાણ કરેલ હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
સીટી બસના ડેશ કેમેરામાં કેદ થયેલ તસવીર
પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી ટપલી દાવ કરનાર ત્રણ શખ્સોંની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મનીષ ઉર્ફે માન કાળુભાઇ સભાડ ભરવાડ (ઉ.વ.19 રહે. ડિલિવરી બોય, રહે. રૈયાધાર સ્લમ કવાટર્સ મ.પરા જશોદાચોક ઠાકરમંદિર પાછળ રાજકોટ, કરણ કિશોરભાઇ વિશ્વકર્મા નેપાળી ઉ.વ.24 ધંધો-ઝોમેટો ડીલવરીબોય રહે.ઇન્દિરાસર્કલ અજંતા કોમ્પલેક્ષ નીચે ઓરડીમા રાજકોટ, મહેશભાઇ પ્રાણલાલ શાહ ઉ.વ.62 ધંધો.વેપાર રહે.બાલમુકુંદ સોસાયટી શેરી નં.02 નિમર્લા રોડ રાજકોટનો સમાવેશ થાય છે
બસના ડેશ કેમમાં કેદ થયેલા હચમચાવી નાખનાર દ્રશ્યો સામે આવ્યા
બેફામ દોડતી સિટીબસના ચાલકે 16 એપ્રિલ બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો. ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા. આ સિટી બસના ડેશ કેમમાં અકસ્માતના હચમચાવતા દૃશ્યો કેદ થઈ ગયા છે. અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવીંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
બસ ચાલકનું લાયસન્સ પણ એક્સાપાઇર હોવાથી વિમા વળતર કાનૂની દાવપેચમાં ફસાઈ જવાની વકી
કાળ બની ત્રાટકેલી સીટી બસે ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેવા મામલે અનેક નવા ખુલાસા થઇ રહ્યા છે. બસના ચાલકે બ્રેકના બદલે એક્સીલેટર પર પગ મૂકી સાતેક વાહનોને હડફેટે લઈ ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દિધા હોવાનું હાલ સપાટી પર આવી રહ્યું છે. જેમાં તપાસ કરતાં આરોપી બસ ચાલક શિશુપાલ રાણાનું ફેબ્રુઆરી માસમાં જ લાયસન્સની વેલીડિટી પુરી થઈ ગયેલ હતી. તેમ છતાં આરએમસી કે જવાબદાર કોન્ટ્રકટર દ્વારા કોઈ નોંધ લેવામાં ન આવી અને બેજવાબદાર બસ ચાલકે ચાર ઝીંદગીની હણી લીધી હતી. હવે જયારે લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હોય ત્યારે વિમા વળતર કાનૂની દાવપેચમાં ફસાઈ જવાની વકી છે.
સિટી બસના એજન્સી સંચાલક સામે ગુનો નોંધો: વકીલ દિલીપ પટેલ
શહેરના યુનિવર્સીટી રોડ પર ઇન્દિરા સકર્લ પાસે સીટી બસના ચાલકે સર્જેલી હિટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નિપજાવનાર અને ત્રણથી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચાડનાર ચાલક શિશુપાલસિંહ રાણા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.આ સીટી બસના કંપનીના માલિકે લાયસનસ ન હોવા છતાં ચાલક તરીકે નોકરીએ રાખીને ગંભીર બેદરકારી દાખવેલ છે. લાયસન્સ વગરનાને નોકરીએ રાખી બસના કંપનીના માલિકની ગુનામાં પણ ધરપકડ કરવી જરૂરી છે પોલીસ સગીર સ્કૂટર ચલાવતો હોય તેના વાલીની સામે કાર્યવાહી કરતા હોય છે. આ કંપનીના માલિક સામે બેદરકારીથી સીટી બસના ચાલકને બસ ચલાવવા આપી હોવાથી સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ ગુનો નોંધવા ડીસીપી ઝોન 1 જગદીશ બાગરવાને એડવોકેટ દિલીપ પટેલે રજુઆત કરેલ છે જો પોલીસ ગુનાહિત વ્યક્તિઓ કંપનીના માલિક સહિતના સામે કાર્યવાહી નહીં કરે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ફરજ પડશે તેમ વકીલ દિલીપ પટેલે જણાવ્યું છે
બસમાં કોઈ ખામી નો’તી, ડ્રાયવર નશામાં નો’તો બ્રેક કેમ ન લાગી તે અંગે તપાસનો ધમધમાટ
પોલીસ દ્વારા એફએસએલ તેમજ આરટીઓની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણો સર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવશે.
સહાયની રકમ એજન્સી પાસેથી વસૂલવા માંગ
હતભાગી પરિવારને કાનૂની મદદ આપવા એડવોકેટ વિકાસ શેઠની તૈયાર
શહેરના ઇન્દિરા સર્કલ ખાતે ગઈકાલે સર્જાયેલી ગંભીર કરુણિકા લોકો ભુલી શકે તેમ નથી. ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ઉલાળિયો કરી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ અને ચાલકે નિર્દોષ ચાર વ્યકિતઓનો ભોગ લેવા ઉપરાંત અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા અને અનેક નિર્દોષ વ્યકિતઓને નાની મોટી ઈજાઓની કરુણ દુર્ઘટનાના હતભાગીઓને નિ:શુલ્ક કાનૂની મદદ કરવા એડવોકેટ વિકાસ કે. શેઠે તૈયારી બતાવી છે અને મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલ વળતરની તમામ રકમ બસ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવા મહાપાલિકા સત્તાવાળાઓને નોટિસ પાઠવી અન્યથા કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. હતભાગીઓ અને પરિવારજનો ન્યાયથી વંચિત રહી ન રહી જાય તેવી પરિસ્થિતિ ન નિર્માણ પામે તે માટે એડવોકેટ વિકાસ કે. શેઠે તમામને ન્યાય મળે તે માટે કોર્ટમાં નિ:શુલ્ક વકીલ તરીકેની સેવા તથા કાનુની માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવી છે. સાથે સાથે મહાનગરપાલિકાની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાની બસ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર બસ એજન્સી જ મુખ્ય આરોપી છે, ત્યારે મ્યુ. કોર્પો. સત્તાવાળાઓ દ્વારા 15-15 લાખ સહિતના જુદીજુદી સહાય જાહેર કરવામાં આવી છે. પરંતુ આવી સહાયની રકમ ગુનાહિત કૃત્યમાં સહભાગી એવી કોન્ટ્રાકટર બસ એજન્સી પાસેથી વસુલવી જોઈએ, હાલની બસ કોન્ટ્રાકટ એજન્સી દિલ્લીની છે, તેની તથા તેના રાજકોટના વહીવટકર્તા અને મેનેજરો પાસેથી વસુલવાની કાર્યવાહીમાં પણ નિ:શુલ્ક કાનુની માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવેલ છે. મહાપાલિકાના કમિશ્નરને વિકાસ શેઠે લેખિત જાણ કરી મહાપાલિકા આંખ મિંચામણા કે કસુર કરશે તો રિપ્રેઝન્ટેટીવ કેપેસીટીમાં કાનુની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.