હિરેન પટેલ મોતમાં ચોંકાવનાર ખુલાસો: કોન્ટ્રાકટ કિલિંગથી કરાઈ હત્યા, એટીએસે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી
હાલ સુધી હત્યા માટે કોન્ટ્રાકટ કિલિંગનો ઉપયોગ થતો હોય તેવી અસંખ્ય બાબતો પ્રકાશમાં આવી ચુકી છે જેમાં ઘાતક હથિયાર વડે હત્યા નિપજાવી દેવામાં આવતી હોય છે પરંતુ દાહોદની એક ઘટનામાં એક્સીડેન્ટલ કોન્ટ્રાકટ કિલિંગની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાની યુક્તિ સાથે ઘટનાને અંજામ આપવામાં આવે છે. આવી જ એક ઘટના દાહોદ જિલ્લાના ઝાલોડ તાલુકામાં પ્રકાશમાં આવી છે. ઝાલોડ નગર પાલિકાના ઉપાધ્યક્ષ હિરેન પટેલની હત્યા આ મોડસ ઓપરેન્ડી સાથે અંજામ આપવામાં આવી છે.
ત્રણ મહિના પૂર્વે ઝાલોડ નગરપાલિકાના ઉપાધ્યક્ષનું એક રોડ અકસ્માતમાં મોત નિપજયાના અહેવાલ પ્રસારિત થયા હતા. ઝાલોડ નગરપાલિકાના ઉપાધ્યક્ષ હિરેન પટેલ જ્યારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે નાના લોડિંગ વાહને ઠોકર મારી દેતા હિરેન પટેલનું મોત નીપજ્યું હતુ. પ્રાથમિક તબક્કે આ કેસ હિટ એન્ડ રનનો કેસ જણાયો હતો જે બાદ તપાસ કરતા હિટ એન્ડ રન નહીં પરંતુ કોન્ટ્રાકટ કિલિંગથી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.
૨૭મી સપ્ટેમ્બરના રોજ હિરેન પટેલ સવારના સમયે વોક પર નીકળ્યા હતા ત્યારે નાના ટેમ્પોએ ઠોકર મારી દેતા પટેલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે પોલીસે આ ઘટના કોન્ટ્રાકટ કિલિંગની નીકળશે તેવી કલ્પના પણ કરી ન હતી પરંતુ તપાસ દરમિયાન જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાં અમુક બાબતો શંકાસ્પદ જણાઈ આવી હતી. સીસીટીવીમાં નોંધાયેલા ગાડીના નંબર પરથી માલિકીપણાની વિગતો લેવાઈ હતી જેમાં વાહનનો માલિક હિત પટેલ મધ્યપ્રદેશ ખાતે રહેતો હોય તેવું સામે આવ્યું હતું. માલિકની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, વાહન તેની પાસેથી ભાડે લેવામાં આવી હતી. વાહન માલિકે આપેલી વિગતો પરથી કુલ ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગોધરાના ઇરફાન પાડા કે જેને સાબરમતી એક્સપ્રેસ ટ્રેન આગ દુર્ઘટનામાં ભૂમિકા હોવાથી સજા ફટકારાઈ હતી. સજા દરમિયાન આરોપી પેરોલ જમ્પ કરીને નાસી છૂટ્યો હતો. ઉપરાંત ઝાલોડનો અજય કલાલનો પણ સમાવેશ થાય છે.
અજય કલાલે પોલીસ પૂછપરછમાં કબૂલાત આપી હતી હતી કે, તેણે હિરેન પટેલની હત્યા માટે ઇરફાન પાડાને કોન્ટ્રાકટ આપ્યો હતો. તપાસ દરમિયાન ઝાલોડના રહેવાસી ઇમરાન ગુદાળાનું પણ નામ ખુલ્યું હતું જે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા કતારા પરિવાર સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય બાબત છે કે, બાબુ કતારા પૂર્વ સાંસદ રહી ચુક્યા છે જ્યારે તેનો પુત્ર ભાવેશ કતારા ચાલુ ધારાસભ્ય છે. મામલામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એટીએસના અધિકારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી. આ તકે એટીએસના એસપી ઈમ્તિયાઝ શેખે કહ્યું હતું કે, અમને વિશ્વસનીય સૂત્રો તરફથી આરોપીઓ અંગે બાતમી મળી છે જેના આધારે હાલ મુખ્ય આરોપી હરિયાણા ખાતે હોવાનું મળી આવ્યું છે જેથી હરિયાણા પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. રાજકીય અગ્રણીની હત્યાના ગુન્હામાં રાજકીય રંગ લાગી શકે છે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે.