લૌકિક વ્યવહાર માટે ખાખરેચીથી ધ્રાંગધ્રા જઈ રહેલા ભરવાડ સમાજના ૧૪ લોકોને ઈજા

હળવદ હાઇવે પર હોટલ હરિદર્શન પાસે બોલેરો પીક અપને ટ્રકે પાછળથી ઠોકર મારતા ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં ખાખરેચીથી ધ્રાંગધ્રા લૌકિક વ્યવહાર માટે જઈ રહેલા ભરવાડ સમાજના ૧૪ લોકોને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે ગંભીર ઘાયલોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ-માળિયા હાઇવે પર આવેલ હોટલ હરિદર્શન ચાર રસ્તા પાસે માળિયા તાલુકાના ખાખરેચીથી આવતી બોલેરો પીક અપ જી.જે.૩-એ.વી.૮૫૭૦ વાહનને ટ્રકે પાછળથી ઠોકર મારતા આગળ ઉભેલ ટ્રેલરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો અને હળવદ હાઇવે પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ભરવાડ સમાજના લોકો લૌકિક વ્યવહાર માટે ખાખરેચીથી ધ્રાંગધ્રા જઇ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત નડતા ૧૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.

જેમાં જીગુ મનુ ભરવાડ (ઉ.૪૦), વેજી જોધા ભરવાડ (ઉ.૩૬), રતન દેવા (ઉ.૪૦), ભુરા નાથા (ઉ.૫૫), લક્ષ્મી નાનજી (ઉ.૬૦), નોધા લાખા (ઉ.૬૦), જશુ લાખા (ઉ.૪૫), જડીબેશ ભરવાડ (ઉ.૬૦), સોનલબેન (ઉ.૬૦), લક્ષ્મણભાઇ (ઉ.૫૦), લાભુ મેરા (ઉ.૫૫), ગૌરી ગેલા (ઉ.૪૫) સહિતના ૧૪ લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં હોસ્પિટલમાં તબીબો સહિત નર્સિંગ સ્ટાફે પ્રાથમિક સારવાર હાથ ધરી હતી.

જોકે આ બનાવના પગલે હળવદની સરકારી હોસ્પિટલમાં ભરવાડ સમાજના લોકો સહિત રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલોને વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.