- દુર્ઘટનામાં બારી તોડી એન ડી આર એફ એ પાંચ કર્મચારીઓનું રેસ્ક્યું કર્યું: પાંચ ઘાયલ કર્મચારીઓને સારવાર અર્થે ખસેડાયા: અંતે મોકડ્રીલ જાહેર કરાઈ
રાજકોટ રેલવે યાર્ડમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આઈ. આર. સી. ટી.સી. ની યાત્રાળુ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન ટ્રેનનો કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી ગયો હતો. ટ્રેન નો કોચ ટ્રેક પર થી ઉતરી જતા અફરાતફરી મચી ગઈ હતી. રેલવે કંટ્રોલરૂમમાં આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, રેલવે ના અધિકારીઓ રેલવે હોસ્પિટલનો સ્ટાફ , એક્સિડન્ટ રીલિફ સ્ટાફ અને એન ડી આર એફ સાથે અધિક કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં ટ્રેનનું મેન્ટેનન્સ કરતા એન્જિનિયરિંગ વિભાગના 5 કર્મચારીઓ ઘાયલ થયા હતા તેથી તેમને ટ્રેનની બારી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બાદમાં આ મોકડ્રીલ હવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ માં જામનગર રોડ ઉપર આવેલા રેલવે યાર્ડમાં આઈ આર સી ટી સી ની યાત્રાળુ ટ્રેનનું મેન્ટેનન્સ ચાલી રહ્યું હતું. જોકે, આ દરમિયાન ટ્રેનનો એક કોચ ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો. જેને કારણે મેન્ટેનન્સનું કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. જેથી આ ઘટનાની જાણ તુરંત રેલવેના કંટ્રોલરૂમમાં કરવામાં આવી હતી. જેથી રાજકોટ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારની સૂચનાથી એક્સિડન્ટ રીલિફ ટ્રેન ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી. રેલવે એડિશનલ મેનેજર સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.
બપોરે આ ઘટના મોકડ્રીલ જાહેર કરાઈ હતી બાદમા એક્સિડેન્ટ રીલિફ ટ્રેનના સ્ટાફ દ્વારા ટ્રેનના કોચની બારીઓ તોડીને કર્મચારીઓને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે એન ડી આર એફ ના જવાનો પણ ડોગ સ્કવોડ સાથે પહોંચી ગયા હતા. ટ્રેનના રૂફને તોડી તેમાંથી કર્મચારીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન મેડિકલ ટીમ પણ ત્યાં તહેનાત હતી. જેથી ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવતા ઘાયલ કર્મચારીઓની સારવાર પણ ત્યાં જ કરવામાં આવી રહી હતી. જોકે બપોરે 12.09 વાગ્યે આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું.