અબતક, પડધરી :
રાજકોટ જામનગર હાઇવે ઉપર આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે પડધરી મામલતદારે તાકીદે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવાની કવાયત હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ- જામનગર હાઇવે ઉપર આજે સવારના સુમારે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચારેક લોકોને ઇજાઓ પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પડધરી મામલતદાર કે.જી. ચુડાસમાને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે આ વિસ્તાર રાજકોટ તાલુકામાં આવતો હતો. અકસ્માતને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે પડધરી મામલતદારે ટ્રાફિક ક્લિયર કરાવવા જહેમત ઉઠાવી હતી. બાદમાં ટ્રાફિક પોલીસની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હોય, તેઓએ મોરચો સંભાળી લીધો હતો.