- ટ્રક ચાલકે કારને અડફેટે લેતા 50 વર્ષીય વૃદ્ધ મોતને ભેંટ્યા : નવદંપતી સહિત કુલ ચારને ઇજા
મોરબીનો વાઘેલા પરિવાર અમદાવાદ જાન લઈને ગયો હતો. લગ્ન કરી વરરાજા પરત મોરબી આવી રહ્યા હતા. ત્યારે ધાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે નવદંપતી સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવી જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાતે રહેતા વાઘેલા પરિવાર જાન લઈને અમદાવાદ ગયો હતો અને લગ્ન પતાવી વરરાજાની કાર મોરબી પરત આવી રહી હતી. ત્યારે ધાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલ ચોકડીએ ટ્રક ચાલકે વરરાજાની આઈ10 કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તુલસીભાઈ મેઘજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 50નું મોત નીપજ્યું હતું.જ્યારે નવદંપતી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આમ પરિવારે ધામધૂમથી લગ્ન પ્રસંગ મનાવ્યાં બાદ પરિવારના સભ્યનું મોત નિપજતા ઓચિંતો શોક છવાઈ ગયો છે.
સોલડી ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોટર સાયકલ ચાલકનું મોત
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સોલડી ટોલનાકા નજીક ટ્રકચાલકે પૂર ઝડપે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કચ્છથી અમદાવાદ તરફ જવા માટે ધ્રાંગધ્રા મહત્વનું સેન્ટર છે ત્યારે આ માર્ગ પર અકસ્માતના બનાવો છાસવારે સામે આવતા હોય છે. ત્યારે સોલડી ગામના ટોલનાકા નજીક જીજે-08-એયુ-4213 નંબરના ટ્રકના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલના ચાલક હરેશભાઇ માવજીભાઈ
રહે. રાજપરવાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.