વાહન ચાલકને દર વર્ષે રૂ.૭૫૦નું પ્રિમીયમ ચુકવી ૧૫ લાખનો વિમો મળશે
કોમ્પ્રેહેન્સીવ અને થર્ડ પાર્ટી કવર પણ ફરજિયાત અપાશે
હવેથી કાર ઈન્સ્યોરન્સની સાથે અકસ્માત વિમા કવચ પણ ફરજીયાત પૂરું પાડવામાં આવશે. માર્ગ અકસ્માતના કેસમાં મૃતકને ૧૫ લાખ રૂપીયાનું વળતર મળશે. કોમ્પ્રેહેન્સીવ અને થર્ડ પાર્ટી વિમા કવરમાં એકસીડેન્ટ કવર ફરજીયાત રહેશે.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈ દ્વારા વિમા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ પ્રકારના વાહનોમાં માલિક-ડ્રાઈવરને એકસીડેન્ટ કવર ફરજીયાત આપવામાં આવે જેનું વાર્ષિક પ્રિમીયમ રૂ.૭૫૦ રહેશે એટલે કે હવેથી વાહન માલિકને વાર્ષિક ૭૫૦ રૂપીયાનું પ્રિમીયમ એકસીડેન્ટ કવર માટે ફરજીયાત ચુકવવાનું રહેશે.
આ નિર્ણય મહત્વનો ગણવામાં આવે છે. કારણકે માર્ગ અકસ્માતના અનેક કિસ્સામાં એવું બને છે કે મૃતકને વળતર ચુકવવામાં આવતુ નથી. થોડા સમય પહેલા જ અદાલતે આદેશ આપ્યો હતો કે, ટુ-વ્હીલરમાં પાંચ વર્ષ અને ફોર વ્હીલરમાં ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વિમો લેવો ફરજીયાત છે.
વર્ષ ૨૦૧૭માં પર્સનલ એકસીડેન્ટ કવરનું વળતર એક લાખથી વધારી ૧૫ લાખનું કરવાનો આદેશ મદ્રાસ હાઈકોર્ટે આપ્યો હતો. હવે આ પ્રકારનો એકસીડેન્ટ વિમો ફરજીયાત લેવાનો નિર્ણય લેવાયો છે. ભારતમાં અનેક વાહનો વિમા વગર દોડે છે. અકસ્માતમાં વ્યકિતનો જીવ જાય તો તેના પરીવારને ૧૫ લાખ જેટલો આર્થિક સપોર્ટ મહત્વનો બની જાય છે.