અરજદાર પોતાના રહેણાંક, વ્યવસાયના સ્થળે અથવા પ્રતિવાદીને લગતા એમએસીટી ખાતે પણ વળતર માટેની અરજી કરી શકે

ઘણીવાર અકસ્માત વળતરની અરજી મામલે અનેકવિધ વિસંગતતા જોવા મળતી હોય છે. અકસ્માત વળતરની અરજી ક્યાં કરવી? તે પ્રશ્ન અરજદાર માટે સૌથી મોટો હોય છે. જ્યાં અકસ્માત બન્યો ત્યાં અરજ કરવી કે પછી તેઓ જ્યાં રહેણાંક ધરાવે છે ત્યાં વળતર માટે અરજી દાખલ કરવી તે મોટી મૂંઝવણ હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જ્યાં અકસ્માત બને ત્યાં જ વળતર માટે અરજી દાખલ કરવી તેવું આવશ્યક નથી. અરજદાર પોતાના રહેણાંક વિસ્તારને સંલગ્ન એમએસીટી (મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ) સમક્ષ વળતર માટે અપીલ કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે, અરજદારો માટે મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ જ્યાં અકસ્માત બન્યો હોય તે જ સ્થળના એમએસીટી સમક્ષ વળતર માટે અરજી દાખલ કરવી ફરજિયાત નથી.

અરજદારો પોતે જ્યાં રહેતા હોય, વ્યવસાય કરતાં હોય અથવા તો પ્રતિવાદી જ્યાં રહેતા હોય અથવા વ્યવસાય કરતાં હોય ત્યાંનું જ્યુરિડીકશન ધરાવતા એમએસીટી સમક્ષ પણ વળતરની અરજી દાખલ કરી વળતર મેળવી શકાય છે તેવું ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ ટ્રાન્સફર પિટિશનનો નિર્ણય કરતી વખતે નોંધ્યું હતું.

મામલામાં વાહન માલિક દ્વારા દાખલ કરવામાં આવેલી આ ટ્રાન્સફર પિટિશનમાં એક કારણ એ હતું કે અકસ્માત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સિલીગુડી ખાતે થયો હતો અને આમ દાર્જિલિંગ ખાતેના એમએસીટી માટે દાવાની અરજીનો નિર્ણય કરવો યોગ્ય રહેશે.

સામે એમએસીટી, ફતેહગઢ (યુપી) ખાતે અરજ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. જેની માન્યતા કાયદા દ્વારા આપવામાં આવી છે. જેની સામે લેવાયેલો વાંધો અદાલતે રદ્દ કરી દીધો હતો.

અરજદારે દલીલ કરી હતી કે તેના તમામ સાક્ષીઓ સિલીગુડીના હોવાથી ભાષા અવરોધ બની શકે છે. આ દલીલને ફગાવીને ન્યાયાધીશે અવલોકન કર્યું કે,ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં એ વાતમાં કોઈ શંકા નથી કે લોકો જુદી જુદી ભાષાઓ બોલે છે. ભારતમાં ઓછામાં ઓછી 22 (બાવીસ) સત્તાવાર ભાષાઓ છે. જો કે, હિન્દી રાષ્ટ્રભાષા હોવાને કારણે તે સાક્ષીઓ પાસેથી અપેક્ષિત છે કે જેઓ અરજદાર દ્વારા એમએસીટી, ફતેહગઢ, યુ.પી. સમક્ષ વાતચીત કરવા અને તેમનું સંસ્કરણ હિન્દીમાં પહોંચાડવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.

પોતાના રહેણાંક અથવા પ્રતિવાદીને સંલગ્ન એમએસીટી સમક્ષ અરજ કરી શકાય: અજય જોશી

રાજકોટ એમએસીટી બારના પૂર્વ પ્રમુખ અજય જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે જે સ્પષ્ટતા કરી છે તે ખુબ આવકારદાયક છે. અરજદારોમાં ચોક્કસ મૂંઝવણ હોય છે કે, વળતર માટે ક્યાં એમએસીટીનો સંપર્ક કરવો? ત્યારે અરજદારો જ્યાં વસતા હોય, વ્યવસાય કરતાં હોય અથવા પ્રતિવાદી જ્યાં વ્યવસાય કરતાં હોય ત્યાં અરજદારો વળતર માટેની

અરજી કરી શકે છે. ઘણીવાર હરવા-ફરવા અથવા વ્યવસાયિક હેતુથી લોકો જિલ્લા અથવા રાજ્ય બહાર જતાં હોય છે અને તે દરમિયાન કોઈ અકસ્માત બને તો તેવા કિસ્સામાં વળતર માટેની અરજી દાવેદારના રહેણાંક વિસ્તારના એમએસીટી સમક્ષ કરી શકાય કે જેથી અરજદારોને વારંવાર ધક્કા ખાઈને અગવડતાનો સામનો કરવો પડે નહીં. ઘણીવાર ટુરિસ્ટ બસને અકસ્માત નડતા હોય છે જેમાં જુદા જુદા શહેર-જિલ્લાના તેમજ ઘણીવાર જુદા જુદા રાજ્યના મુસાફરો હાજર હોય છે ત્યારે તેઓ પોત પોતાના રહેણાંકને સંલગ્ન એમએસીટી હેઠળ વળતર માટે અરજ દાખલ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.