Ahmedabad-Vadodara Express Highway Road Accident : રાજ્યમાં સતત અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જોકે હજુ મૃત્યુંઆંક વધવાની સંભાવના છે.
આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યા મુજબ આ ઘટના આણંદ જિલ્લાના ચિખોદ્રા ગામની નજીકમાં સવારે 4.30 વાગ્યે બની હતી.
અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટવાને કારણે રોડની કિનારે થંભી ગઈ હતી.
ટાયર બદલવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને તેમાંથી કેટલાક વાહનની આગળ ઉભા હતા ત્યારે પાછળથી એક ઝડપી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પાંચ વ્યક્તિઓનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં બસ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે, જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓને તબીબી સારવાર મળી રહી છે, એમ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.