સુરતથી આવી રહેલી બસ ટ્રક પાછળ ઘૂસી જતા કચ્ચરઘાણ: બે કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગી
શહેરના ભાગોળે કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે વેગેનાર કાર પાછળ મીની બસ તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ધકાભેર અથડાતા બસનો કચડધાણ થઈ ગયો હતો. જ્યારે બસ માં બેઠેલા મુસાફરોમાંથી ત્રણ મહિલા સહિત ૧૫ લોકો ધવાતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે કુવાડવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર વહેલી સવારે વેગેનાર કાર, જીજે ૧૪ વાય ૮૦૦૦ નમ્બરની મીની બસ, જીજે ૦૭ વાયવાય ૯૭૯૭ નમ્બરનો ટ્રક અને જીજે ૦૩ બીવાય ૧૯૫૬ ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘુસી જતા બસ ના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે તેમાં બેઠેલા મુસાફરો માંથી ગોંડલ તાલુકાના વેકરી ગામ ના ગોકડભાઈ મોહનભાઇ માદડીયા (ઉ.વ. ૭૦), સુરતના ચીમનભાઈ નાથાભાઇ પીપળીયા (ઉ.વ. ૬૫), વંથલી તાલુકાના રવની ગામના હેમીબેન લાલજીભાઈ ગજેરા (ઉ.વ. ૭૦), તેમના પતિ લાલજીભાઈ નાથાભાઇ ગજેરા (ઉ.વ. ૭૫), અંકલેશ્વર ના મકબુલભાઈ મહમદહુસેન પઠાણ(ઉ.વ.૫૨), રાજસ્થાન ના મોંઘીલાલ ચુનીલાલ સુથાર (ઉ.વ. ૫૫), જામકલ્યાણપુર ના જીજ્ઞેશ વિમાલભાઈ ધેડિયા, સુરેશભાઈ નંદલાલ (ઉ.વ. ૫૫), ગીતાબેન સુરેશભાઈ (ઉ.વ. ૫૦), કિરીટભાઈ ભગવાનજીભાઈ (ઉ.વ. ૪૫), પ્રફુલભાઈ શાંતિલાલ અને સંગીતાબેન પ્રફુલભાઈ મકવાણા (ઉ.વ. ૪૨) સહિત ૧૫ લોકો ધવાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વહેલી સવારે કુવાડવારોડ પર માલિયાસણ પાસે વેગેનાર કાર ચાલકને રસ્તે આડે કઈક આવતા તેને બ્રેક મારતા પાછળથી આવી રહેલી મીની બસ કારમાં ઘુસી ગઈ હતી જેની પાછળ ટ્રક પણ અથડાયો હતો અને આખરે ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘુસી બસ નો બુકડો બોલી ગયો હતો. અને જેમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ થઈ હતી.
નેશનલ હાઈ-વે પર ચાર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા કુવાડવા પોલીસ મથક નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવના પગલે હાઈ- વે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈ મહામહેનતે બે કલાક બાદ ટ્રાફિક ક્લિયર કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.