વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
હાલના સમયમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર બિલકુલ બંધ અવસ્થામાં છે ત્યારે ઔટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગોની પરિસ્થિતિ વિશે રાધે ઓટો ઇન્ડસ્ટ્રીના મેનેજીંગ ડિરેકેટર વિપુલભાઈ ઘેટિયાએ જણાવ્યું હતું કે અમે ઓટો લાઈટ એસેસરી અને મિરર એસેસરીનું ઉત્પાદન કરી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનને આપીએ છીએ તેમજ ખાનગી ધોરણે પણ સપ્લાય કરીએ છીએ.
લોક ડાઉન અગાઉ આ ક્ષેત્રના ઉદ્યોગો સામે કોઈ મોટી સમસ્યા ન હતી પરંતુ લોક ડાઉન અમલી બનતા તમામ કર્મચારીવર્ગને બેઠું વેતન ચૂકવ્યું છે અને આગળ પણ જો આવી જ પરિસ્થિતિ રહેશે તો કર્મચારીવર્ગને વેતન ચૂકવવા અમે બંધાયેલા છીએ. આ પરિસ્થિતિમાં હાલ મુખ્ય સમસ્યા કર્મચારીવર્ગની છે કેમકે પરપ્રાંતીય શ્રમિકોએ હિજરત કરી છે તેના કારણે કર્મચારીઓની મોટી ઘટ્ટ સર્જાઈ છે તેમજ પરિવહનની સમસ્યાને કારણે રો મટીરીયલ કોઈ પણ સ્થળેથી મંગાવી શકાતું નથી જો કે હાલ અમારા ક્ષેત્રના એકમોમાં રો મટીરીયલનો સ્ટોક હોવાથી આશરે એક મહિના સુધી ચાલી શકે તેમ છે પરંતુ ફિનિશ ગૂડ્સ મેળવ્યા બાદ તેનું ડિસ્ટ્રીબ્યુશન પરિવહનની સમસ્યાને કારણે કરી શકાતું નથી. તેમણે કહ્યું હતું કે હાલના સમયમાં બેંકો વ્યાજમાફી આપે તો ઔદ્યોગિક એકમોને થોડી રાહત થશે કેમકે આર્થિક ભીંસ સૌ અનુભવી રહ્યા છે તેમજ કરવેરામાં રાહત આપવામાં આવે તો ઔદ્યોગિક એકમો પગભર થઈ શકશે.