પર્યુષણ પર્વના ચોથા દિવસે ધીરગુરુદેવના શ્રીમુખે અમૃતવાણીથી શ્રોતાગણો થયા મંત્રમુગ્ધ
વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ, વિરાણી ઉપાશ્રય ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ પૂર્વક ઉજવણીથી અનેરો આનંદ છવાયો છે. વિરાણી ધર્મસભાને સંબોધતા પૂ. ગુરૂદેવે જણાવેલ કે માઈલ્ડ સૌમ્ય બનો, કાઈન્ડ- દયાળુ બનો, તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
તા.15ને શુક્રવારે સવારે 9.30 કલાકે સિલેકટીવ ઈફેકટીવ વિષય પર પ્રવચન અને રાત્રે 8.30 થી 10 કાકે એકશન ટુ રીએકશન વિષય પર જૈન જાગૃતિ સેન્ટર અને જૈન સોશ્યલ ગ્રુપના ઉપક્રમે વિલેપારલે ઉપાશ્રયે પ્રવચન યોજાયેલ છે.
પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે માનવ જીવનમાં સત્યનો સ્વીકાર કરતા શીખો, સત્ય સ્યુગર કોટેડ હોતુ નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. જોકે દંભનો દશ કો હોય પણ સત્યની શતાબ્દીઓ હોય છે. જીવનમાં સત્યનું આચરણ અતિ જરૂરી છે.
પાપીનો નહિ પાપનો ધિકકાર કરવાનો છે. કોઈપણ વ્યકિતની ભૂલ થાય તો વ્યકિતનો તિરસ્કાર કરશો નહિ. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ સમજીને પડી જાય તેને બેઠો કરવામાં નિમિત બનજો.
સદગુણોનો આવકાર કરતા રહો. અવગુણને જોવાને બદલે સદગુણ જોતા શીખી જવું જરૂરી છે. અવગુણ શોધનારને અશાંતી અને સદગુણ જોનારને શાંતિ મળશે. ડગલેને પગલે આવતી સમસ્યાનું સાચુ કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી પરંતુ ખોટી આગ્રહ દશા છે.
પર્યુષણમાં કોઈ આઠ ઉપવાસ (અઢ્ઢાઈ) કર્યા પછી હોટેલમાં જોવા મળે તો વ્યકિત કહેતો ફરશે કે મેં તો હોટેલમાં જોયા. પરંતુ ત્યારે એમ વિચારો કે હોટેલમાં જનારાઓ પણ અઢ્ઢાઈ તો કરીને !!! સદગુણની દ્રષ્ટિથી વિચારવું જરૂરી છે.
શુધ્ધ વ્યવહાર એ અતિ આવશ્યક છે. આજના કાળે માનવીનું ધાર્યું પરિણામ ન આવે તો બીજા સાથે અશુધ્ધ વ્યવહાર કરવા લાગે છે. પરંતુ આવા સમયમાં જયા જીવો છો તેની ચિંતા કરવાને બદલે જયાં જવાના છો તેની ચિંતા કરો.
કીસીમે કમી હૈ તો અપને કો હાની નહીં, અપનેમેંકમી હૈ તો અપને કો હાની હૈ, દૂસરો કી ચિંતા સે બચો ઔર અપને કો દેખો.
તમે કયાં બેઠા છો તે મહત્વનું નથી અગત્યનું એ છે કે તમારામાં કોણ બેઠું છે. સમાજ સુધારક બનતા પહેલા સ્વભાવ સુધારક બનવું જરૂરી છે.
ઘણા લોકો જયાં જાય ત્યાં આનંદ, આનંદ અને ઘણા જયાંથી જાય ત્યાં આનંદ હવે વિચારી લેજો કેવું જીવન જીવવું છે.
શુધ્ધ વ્યવહારથી આગળ વધીને શુધ્ધાત્મા સ્વરૂપ સુધી પહોચી જવાશે તો પર્યુષણ સફળ બન્યા વિના રહેશે નહિ.
જૈન સંસ્કૃતિ પર્વને માને છે. પુનિતા ઈતિ પર્વ જે આત્માને પવિત્ર બનાવે તે પર્વ
પર્યુષણના જુદા જુદા અર્થ છે 1. પરિવસન: એક સ્થળે સ્થિર થવું, 2. પર્યવસન: તપોમય અધ્યાત્મ જીવનની વર્ષગાંઠ ઉજવવી, 3. પર્યુષશમન: આત્માને દૂષિત કરનારા કષાયોનું ામન કરવું
જીવનમાં વેર ઝેરની ગાંઠો પડી ગઈ હોય, તેને છોડવાની છે. અબોલા, શત્રુતા હશે ત્યાં સુધી આત્માની શુધ્ધિ નહિ થાય.
સીડીનું કામ શરીરને ઉપર ચડાવે સંપતિનું કામ દિમાગને ઉપર ચડાવે તેમ સદગુણોનું કામ આત્માને ઉંચે ચડાવે છે.
બોલીને બગાડો નહિ, સમતા ધારણ કરો, થોઠડુ સહન કરવું એમ જે સમજે છે તે સદગુણોનું ઉપાર્જન કરી શકે છે.
વર્ષોના સંબંધોને કડવી ભાષા બોલવાથી તુટતા વાર લાગતી નથી માટે ક્રોધમાં કયારેય બોલવું નહિ. મૌન રાખવું, નિરાશામાં કયારેય નિર્ણય કરવો નહિ.
ચપટી નમકથી રસોઈ સ્વાદિષ્ટ બને, ચમચી મેળવણથી દહી જામી જાય, તેમ મીઠી ભાષા બોલવાથી ઘર નંદનવન બની જાય.
પર્યુષણમાં જીભને સુગર ફેકટરી અને મગજને આઈસ ફેકટરી બનાવો.
આપણે જીભનો વ્યાપાર ઘણો કર્યો. હવે જિગરનો વ્યાપાર કરશો તો જગદીશ મળ્યા વિના રહેશે નહિ.
પતિએ પત્નીને ફરિયાદ સૂરમાં કહ્યું કે, બા જેવી રોટલી આવડતી નથી. પત્નીએ કહ્યું બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ !!! પતિએ એજ દિવસે ગુરૂદેવ પાસે જઈને સાવત્જીવન જમતી વખતે ન બોલવાની પ્રતિજ્ઞા અંગીકાર લીધી !જીવનમાં જીભનો વ્યાપાર એવો કરો કે બોલ્યા પછી પસ્તાવું ન પડે ! માટે એકબીજાના રિપોર્ટર નહિ પણ સપોર્ટર બનજો !!!
મહાવીર જયંતિ-દીક્ષાર્થી પાનેરીબેનનું સન્માન
તપસ્વી સોનલબેન શાહને માસ ક્ષમણ અને દીપાબેન દોશીને 21 ઉપવાસની ઉગ્ર તપસ્યા છે. જયારે દિશા રોમીલ શાહ, શૈલી નમન બાવીસી વગેરે 16 ઉપવાસમાં આગળ વધી રહ્યા છે.સંઘના ઉપપ્રમુખ મિલન અજમેરા, પિયુષ ઉદાણી, વિધિતા શેઠએ એકી સાથે 8 ઉપવાસની પ્રતિજ્ઞા કરેલ છે. શનિવારે મહાવીર જયંતિ ઉજવણી દરમિયાન બોટાદ સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરનાર કુ. પાનેરીબેન શાહનું સન્માન રાખેલ છે. સંઘ દ્વારા એજયુકેશન યોજનામાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.