ત્રંબા ખાતે બ્રહમાકુમારીઝ રાજકોટ સેવા કેન્દ્રના સુવર્ણ જયંતી ઉત્સવ પ્રસંગે પાવન ધામનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
બ્રહમાકુમારીઝ રાજકોટ સંસ્થાનીસુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન પાવનધામ મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીર અને આત્મા બન્નેનો સ્વિકાર કરવામાં આવેલ છે. ભૌતિક સુખને ક્ષણીક અને આત્મના કલ્યાણને પરમ સુખ અને નિજાનંદ ગણવામાં આવેલ છે. આજના પ્રવર્તમાન સમયમાં માનવ પાસે ભૌતિક-વૈભવ સુખ છે. પણ મનની શાંતીનો અભાવ જોવા મળે છે. આપણી સંસ્કૃતિએ જીવન પધ્ધ્તીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અપનાવેલ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે આપણે ત્યાં પરમ સુખની કલ્પના વ્યકિતથી સમષ્ટિ, આત્માથી પરમાત્મા, જીવો અને જીવવા દયો, અહિંસા,પર્યાવરણ અને જીવથી શિવ સુધી માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં વ્યકિતથી સમષ્ટિ સુધી તમામ લોકોને સાથે લઇને ચાલવાની પરંપરા છે.
જેમા માનવ જાત અને પર્યાવરણનો પણ તેમા સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ તકે પાવનધામની શુભકામના વ્યકત કરી હતી મુખ્યમંત્રીના હસ્તે સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા આયોજીત ફલોટ-પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર આધુનીક ટેકનોલોજી યુગમાં અને વર્તમાન ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતી, સંબંધોમાં સદભાવના અને સંસ્કૃતિની પુન: સ્થાપના અર્થે પ્રકૃતિની ગોદમાં ૪ એકર જમીન વિસ્તારમાં નિર્માણ થઇ રહયું છે.
બ્રહમાકુમારીઝ સંસ્થાના યુરોપ અને યુકેના ડાયરેકટર રાજયોગીની જયંતી દીદીએ સંસ્થાની આધ્યાત્મીક અને સમાજઉત્થાનની વિવિધ પ્રવૃતિઓનો ખ્યાલ આપીને પાવનધામ અને મેડીટેશનનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું શાલ અને સ્મૃતિચિહન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીનું શાલ અને સ્મૃતિચિહન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ રાજકોટ સેવા કેન્દ્રમાં ૫૦ વર્ષથી સેવારત ભારતીદીદીનું શાલ ઓઢાળીને સન્માન કર્યુ હતું. પ્રારંભમાં સંસ્થાના રાજકોટ સબ સેન્ટરના ઇન્ચાર્જ રાજયોગીની ભારતીદીદીએ શાબ્દીક પ્રવચન કર્યુ હતું.