પત્રકાર નૂપુર શર્મા પર પશ્ચિમ બંગાળ સરકારે કરેલી ફરિયાદ પરત ખેંચી લેવાઈ
અબતક, નવી દિલ્લી
પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે, ઓપ ઇન્ડિયામાં પ્રકાશિત અમુક અહેવાલો અને ફોટોગ્રાફ્સ માટે એડિટર નુપુર શર્મા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. આ અહેવાલમાં મેં,2020 ના ટેલીનીપરા કોમી રમખાણો સંબંધિત પ્રકાશિત અહેવાલ પણ સામેલ છે. આ મામલે કોર્ટે કહ્યું હતું કે, ફક્ત વિચારભેદ હોવાથી કોર્ટમાં દોડી જવું હિતાવહ નથી બલ્કે અન્યના વિચારોને પણ સ્વીકૃતિ આપવાની જરૂરિયાત છે.
જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચ નૂપુર શર્માની અરજી પર સુનાવણી કરી રહી હતી. જણાવી દઈએ કે નુપુર શર્માએ પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા તેમની વિરુદ્ધ શરૂ કરાયેલી કાર્યવાહીમાંથી રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે પશ્ચિમ બંગાળના પગલાની પ્રશંસા કરી કહ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે અન્ય રાજ્યો પણ તેનું અનુસરણ કરશે. કોર્ટે કહ્યું હતું કે, ફક્ત વિચારભેદના આધારે કોર્ટમાં દોડી જવાય નહીં પરંતુ અન્યના વિચારોને પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. કોર્ટે અસંતુષ્ટો વચ્ચે સહનશીલતાના ઘટતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, તેમના અને રાજકીય વર્ગ માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. કોર્ટે કહ્યું કે, અન્ય રાજ્યો માટે અલગ-અલગ મંતવ્યો ધરાવતા લોકો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાથી બચવાની આ શરૂઆત પણ હોઈ શકે છે.પશ્ચિમ બંગાળ સરકારે તેના પર કલમ (ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ), 504 (શાંતિનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વકનું અપમાન) અને 505 (સાર્વજનિક નિવેદન)નો આરોપ મૂક્યા પછી પત્રકારે જૂન 2020 માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.આ પછી કોર્ટે એફઆઈઆર અને તપાસ પર રોક લગાવી દીધી હતી. બાદમાં રાજ્ય દ્વારા બીજી એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી જે તપાસને પણ અટકાવી દેવાઈ હતી.નુપુર શર્માએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર પત્રકારોને ડરાવવા માટે પોતાની સત્તાનો સતત ઉપયોગ કરી રહ્યું છે.ઓપ ઇન્ડિયાએ દલીલ કરી હતી કે તેના દ્વારા પ્રકાશિત થયેલા ઘણા લેખો અન્ય મીડિયા પોર્ટલ પર આધારિત હતા પરંતુ માત્ર તેમના સભ્યોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા