દેશભરની કોર્ટોમાં ચેક બાઉન્સના આશરે 33 લાખ કેસો પેન્ડિંગ!! પાંચ રાજ્યમાં સ્થપાશે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની વિશેષ અદાલત
એક સમયે વિનિમય પદ્ધતિ અમલમાં હતી જે થકી બાર્ટર સિસ્ટમ હેઠળ વ્યવહાર કરવામાં આવતો હતો. જે બાદ ધીમે ધીમે ચલણ અમલમાં આવ્યું હતું અને હાલ ચેક થકી મોટાભાગના વ્યવહાર કરવામાં આવે છે. ચેક એક રીતે પ્રોમિસરી નોટની ભૂમિકામાં છે. કોઈ વસ્તુના મૂલ્યની ચુકવણીની સામે જ્યારે ચેક આપવામાં આવે છે ત્યારે ચેક સ્વીકારને ભરોસો હોય છે કે, કાયદેસરની લેવાની રકમની કિંમત જેટલુ જ ચેકનું મૂલ્ય છે જેથી ચેક સ્વીકારવામાં આવે છે.
વર્ષ 2016માં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંદી જાહેર કરી હતી ત્યારે રૂ. 500 અને 1000ની નોટો સીધી જ પસ્તી થઈ ગઈ હતી કેમ કે, લોકોનો વિશ્વાસ સીધો જ આ નોટ પરથી ઉઠી ગયો હતો. જે ચલણી નોટ બજારમાં મુકવામાં આવે છે તેમાં રિઝર્વ બેંકના ગર્વનર જે તે કિંમત ચુકવવાનું વચન આપે છે જેથી એ નોટનું મૂલ્ય છે પરંતુ એ વચનની જો કિંમત ન રહે તો ચલણી નોટ સીધી જ પસ્તી થઈ જાય. તેવી જ રીતે ચેક પણ એક કાગળનો ટુકડો જ છે પરંતુ ચેક પર વિશ્વાસ હોવાથી તેને એક પ્રોમિસરી નોટ ગણીને ચેક સ્વીકારવામાં આવે છે.
નરસિંહ મહેતાને વિશ્વાસ હતો કે, શામળો ગિરધારી તેમની હૂંડી સ્વીકારી લેશે જેના લીધે કૃષ્ણે અવાર નવાર સાક્ષાત દર્શન આપવા પડ્યા હતા તેવી જ સ્થિતિ ચેક અને ચલણી નોટની છે પરંતુ હાલ જે રીતે ચેક આપીને પાછળથી ધુમ્બો મારવામાં આવે છે અને ત્યારબાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટનો કેસ કરવા છતાં લાંબો સમય સુધી પેન્ડિંગ રહેવાથી અરજદારની રકમ લાંબો સમય સુધી અટવાઈ રહે છે અને તેના લીધે ચેકની વિશ્વસનીયતા ઉપર પણ જોખમ ઉભું થતું હોય છે ત્યારે હવે ચેક રિટર્નના કેસો તાત્કાલિક અસરથી ફેસલ થાય અને ઝડપી ન્યાય મળે તેના માટે સુપ્રીમ કોર્ટ મોટો નિર્ણય લીધો છે.
33 લાખથી વધુ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ હોવાને કારણે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક પ્રાયોગિક અભ્યાસને મંજૂરી આપી હતી. જેમાં નિવૃત્ત ન્યાયિક અધિકારીઓની આગેવાની હેઠળની વિશેષ અદાલતો વિશિષ્ટ રીતે ચેક બાઉન્સ કેસો ફેસલ કરવા માટે સ્થાપવામાં આવશે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી.આર. ગવઇ અને એસ. રવિન્દ્ર ભટે જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેકટ 1 સપ્ટેમ્બર, 2022 થી 31 ઓગસ્ટ 2023 સુધીના 1 વર્ષના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે.
કુલ 25 વિશેષ અદાલતો ઉભી કરવામાં આવશે. પાંચ ન્યાયિક જિલ્લાઓમાંના દરેકમાં એક વિશેષ અદાલત હશે. આવી અદાલતોને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ (એનઆઈ)એક્ટના કેસોની સૌથી વધુ પેન્ડન્સી ધરાવતી રાજ્યોની પાંચ ઉચ્ચ અદાલતોમાંથી દરેક દ્વારા સૌથી વધુ પેન્ડન્સી તરીકે ઓળખવામાં આવશે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના દરેક પાંચ જિલ્લામાં 25 વિશેષ અદાલતો સ્થાપવામાં આવશે, જ્યાં ચેક બાઉન્સના કેસ સૌથી વધુ પડતર છે. બેન્ચે કહ્યું કે તે તેના એક વર્ષના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા પછી તેને સમગ્ર દેશમાં અમલીકરણ માટે નિર્ણય લેવામાં આવશે.
બેન્ચે જણાવ્યું હતું કે, આ પ્રાયોગિક અભ્યાસ હેઠળ નિવૃત્ત ન્યાયિક અધિકારીઓ અને નિવૃત્ત કોર્ટ કર્મચારીઓ, જેઓ છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયા છે, તેઓને વિશેષ અદાલતો ચલાવવા માટે નિયુક્ત કરવામાં આવી શકે છે. સંબંધિત હાઈકોર્ટ એ સુનિશ્ચિત કરશે કે આ દરમિયાન કોઈ જગ્યા ખાલી ન થાય.
ખંડપીઠે જણાવ્યું હતું કે વિશેષ અદાલતો ફક્ત તે જ કેસોમાં ચુકાદો સંભળાવશે જેમાં સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યા હોય અને આરોપીવતી વકીલ રૂબરૂ હાજર થયા હોય. બેન્ચે જણાવ્યું હતું કે, સૌથી જૂના પેન્ડિંગ કેસો કે જેમાં સમન્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવી છે તે ક્રમિક રીતે આઇડેન્ટિફાઈ કરવામાં આવશે અને સુનિશ્ચિત કરવામાં આવશે જે કેસમાં સમન્સ બજાવવામાં ન આવ્યું હોય તેને વિશેષ અદાલતોમાં મોકલવામાં આવશે નહીં.
પાયલોટ અભ્યાસ માટે સ્થપાયેલી વિશેષ અદાલતો ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 દ્વારા ફરજિયાત ટ્રાયલના સંદર્ભમાં સમાન પ્રક્રિયાને અનુસરશે. કેસોનો ઝડપી નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત સ્થગિત કરવાના આદેશો આપવા જોઈએ નહીં.
બેન્ચે કહ્યું કે, તેના સેક્રેટરી જનરલ એ સુનિશ્ચિત કરશે કે હાલના આદેશની નકલ ઉપરોક્ત પાંચ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સીધી મોકલવામાં આવે, જેઓ તેને તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકશે. પાંચ હાઈકોર્ટોમાંથી દરેક 21 જુલાઈ 2022ના રોજ અથવા તે પહેલાં સોગંદનામું દાખલ કરશે, જે પ્રગતિ અને અનુપાલન અંગે રિપોર્ટ કરશે. કાર્યવાહીની વધુ સમીક્ષા માટે 26 જુલાઈ 2022 ના રોજ સૂચિ રજૂ કરવામાં આવશે.