મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષ સ્થાને જીઆઇડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફાસ્ટ્રકચર સુવિધાઓ વિકસાવવા ઉચ્ચસ્તરીય બેઠક મળી
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જીઆઇડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ઔદ્યોગિક વસાહતો-જીઆઇડીસીમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટીઝ વિકસાવવાની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને જરૂરી વ્યવસ્થાઓ ત્વરિત હાથ ધરવા સૂચન કર્યું છે. આવી મોડલ જીઆઇડીસી વધુ પ્રમાણમાં વિકસાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજ્યની જીઆઇડીસી વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠકમાં જીઆઇડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં નાના-મધ્મમ ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્યરત થઇ શકે તે હેતુસર મલ્ટિ સ્ટોરી બ્લિડિંગ શેડ બનાવવાની દિશામાં પણ કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં જે સ્થળોએ નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માંગણી આવે છે ત્યાં ડિમાન્ડ સર્વે કરવાની પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૂચનાઓ આપી હતી. હાલ જે જીઆઇડીસીમાં જમીન સંપાદનની કાર્યવાહી કોઇને કોઇ તબક્કે ધીરી પડેલી છે તેનો ત્વરિત નિકાલ કરવાનું પણ સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતુ.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન પણ બેઠકમાં કર્યું હતું.
જીઆઇડીસી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજમાં જે ડિસેલીનેશન પ્લાન્ટ તૈયાર થયો છે તેની કામગીરી સમયબદ્ધ આયોજનથી સમયાવધિ પહેલાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જીઆઇડીસી દ્વારા વિકસાવવામાં આવી રહેલા આઇટી-પાર્કની કામગીરીમાં પ્લોટ ફાળવણી સહિત વગેરેમાં ગતિ લાવવાનું પણ મુખ્યમંત્રી સૂચવ્યું હતું.
રાજ્યમાં મોટાપાયે નવા ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે તેમની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જીઆઇડીસી વધુ સજ્જ બને અને ઉદ્યોગકારો, રોકાણકારોને અંડર વન રૂફ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્મયમંત્રીએ આ બેઠકમાં વિશદ ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું.