- આજે સવારે ચેકીંગ માટે ત્રાટકેલી એસીબીની ટીમને ટીપીઓની ચેમ્બરના કબાટમાંથી ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા હોવાની ચર્ચા
શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા અગ્નિકાંડમાં મુખ્ય જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની હોવાનું સીટના પ્રાથમિક રિપોર્ટમાં આવ્યું છે. એકપણ પ્રકારની મંજૂરી વિના ધમધમતા આ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની તપાસ સીટ દ્વારા કરવામાં આવી રહી છે. એસીબીની ટીમે પણ તપાસમાં ઝુંકાવ્યું છે. ગઇકાલે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા સહિત ચાર કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા બે દિવસથી એસીબીની ટીમ દ્વારા કોર્પોરેશન કચેરીમાં સતત તપાસ ચલાવવામાં આવી રહી છે. રાતભર તપાસ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન આજે સવારે એસીબીની ટીમને ટીપીઓ એમ.ડી. સાગઠીયાની ચેમ્બરમાંથી વહિવટદારોનું એક મોટું લીસ્ટ હાથ લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એસીબીની ટીમે આજે વધુ ત્રણ કર્મચારીઓને પૂછપરછ માટે ઉઠાવી લીધા હતા.
ટાઉન પ્લાનિંગ શાખાની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે અગ્નિકાંડ સર્જાયો હતો. કોઇપણ મંજૂરી વિના છેલ્લા ચાર વર્ષથી ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો. છતાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. સીટના પ્રાથમિક રિપોર્ટમાં કોર્પોરેશન અને પોલીસ તંત્રની જવાબદારી ખૂલ્યા બાદ એસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.
ગઇકાલે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા ઉપરાંત ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સવારે એસીબીની ટીમો તપાસ માટે કોર્પોરેશનની કચેરીએ ત્રાટકી હતી. સેન્ટ્રલ ઝોન કચેરીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની ચેમ્બરમાંથી એસીબીની ટીમને વહિવટદારો અને આર્કિટેકનું એક મોટું લીસ્ટ મળ્યું હતું. ત્રણથી ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવશે. હાલ એસીબીની ટીમ દ્વારા સાગઠીયાની ચેમ્બર લોક કરી દેવામાં આવી છે.
કોર્પોરેશનના વધુ ત્રણ કર્મચારીઓને ઉઠાવી લેતી એસીબી
અગ્નિકાંડની તપાસ કરી રહેલી એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે આજે કોર્પોરેશનના વધુ ત્રણ કર્મચારીઓને પૂછપરછ માટે ઉઠાવી લીધા હતા. આ ત્રણેય કર્મચારીઓને ગઇકાલે જ પૂછપરછ માટે હાજર થવા સમન્સ આપવામાં આવ્યું હતું. છતાં તેઓ હાજર થયા ન હતા. આસિસ્ટન્ટ એન્જિનીંયર રૂદ્ર વાડી, આસિસ્ટન્ટ એન્જિનીંયર ગૌતમ ફફલ અને ફાયરમેન જયેશ ડાભીને પૂછપરછ માટે ઉઠાવી લેવામાં આવ્યા છે. જે રિતે કોર્પોરેશનના એક પછી એક કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. તેનાથી કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.