પૂ. મોરારીબાપુના હસ્તે કાગ ધામ ખાતે કાગ ઉત્સવ દરમિયાન ડો. જાનીને સંશોધનના સંદર્ભમાં પ્રસિઘ્ધ કાગ એવોર્ડ અર્પણ કરાશે
પ્રતિવર્ષ પૂજ્ય કાગબાપુની પાવન ભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતનાં નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની ૪૪મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમમાં તા. ૧૭ માર્ચનાં બપોરે ત્રણથી સાંજનાં છ વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુનાં સાનિધ્યમાં ’કાગનાં ફળિયે કાગની વાતું’ વિષય અંતર્ગત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને શ્રી શાહબૂદીનભાઈ રાઠોડ વક્તવ્ય પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય, સંતવાણી અને લોકસાહિત્યનાં મર્મજ્ઞ ડો. બળવંતભાઈ જાની સંભાળશે. રાત્રીનાં સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે નવ કલાકે પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે પ્રતિવર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષ સંશોધનનાં સંદર્ભમાં શ્રી બળવંતભાઈ જાની (રાજકોટ)ને પ્રસિદ્ધ કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
આ વર્ષનો કાગ એવોર્ડ જેમને એનાયત થવાનો છે એવા શિક્ષણવિદ્દ ડો. બળવંતભાઈ જાની ગુજરાતી ભાષા સાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ, આર્ટ્સ ફેકલ્ટીનાં પૂર્વ ડીન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિશ્રી, વેસ્ટ ઝોન ભોપાલનાં પૂર્વ ચેરમેન, વર્તમાનમાં મધ્યપ્રદેશની ડો. હરિસિંહ ગૌર સાગર સેન્ટ્રલ યુનિવર્સિટીનાં કુલાધિપતિ, દિલ્હીમાં ફેકલ્ટી સિલેકશન કમિટીનાં મા. રાષ્ટ્રપતિનાં પ્રતિનિધિ સભ્ય, રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશનનાં એક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય સહિત અનેક યુનિવર્સિટીની સર્ચ કમિટી, તેમજ યુજીસી વાઇસ ચેરમેનની સર્ચ કમિટીમાં સદસ્યપદે રહી ચૂકેલા છે. વર્તમાનમાં ગુજરાત સરકારની મેડિકલ અને પેરામેડિકલ કોર્સની ફી નિર્ધારણ કમિટીના સદસ્ય તથા વિદ્યાભારતી અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓમાં અખિલ ભારતીય અધિકારીપદેથી સેવારત આદરણીય ડો. બળવંતભાઈ જાનીને ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયે સ્થાપિત થનારા ભારતીય ભાષા વિશ્વ વિદ્યાલયમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન સંસ્થાનનાં ધારાધોરણો માટે બનાવેલી અગિયાર સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીના સભ્યપદે નિયુક્તિ અર્પી છે.
શિક્ષણની સેવા અને સતત પ્રવાસો દરમિયાન પણ ડો. બળવંતભાઈ જાનીની અક્ષરની આરાધના ચાલુ જ રહી છે. તેમના લોકસાહિત્ય સંશોધનનાં સંખ્યાબંધ પ્રકાશનો પ્રગટ થયેલા છે. તેમણે મધ્યકાલીન સાહિત્યક્ષેત્રે સંશોધન વિવેચન અધ્યયન કરીને ’ભાલણના કાવ્યો’, ’મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’ભાલણકૃત ’રામવિવાહ આખ્યાયન’, ’મધ્યકાલીન ગુજરાતી ઊર્મિકાવ્યો’ અને ભાલણની કાવ્યકૃતિઓ ભાગ-૧થી ૩ જેવા પુસ્તકો આપ્યા છે. લોકસાહિત્યમાં તેમણે કરેલું સંશોધન અતુલ્ય અને મહામૂલું છે. તાજેતરમાં ડો. બળવંતભાઈ જાનીએ લોકસાહિત્યનાં પસંદ કરેલા એક હજાર દુહાઓ એના મર્મ અને અર્થ સાથે સંપાદિત કર્યા છે.