પાંચમી ઓક્ટોબરે

શિક્ષણમંત્રીને સદ્દબુદ્ધિ માટે આશ્ચર્યજનક કાર્યક્રમ

આગામી બે માસમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જુદા જુદા મંડળો દ્વારા આંદોલન શરૂ થાય તો શાસકપક્ષ માટે મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી તાજેતરમાં સરકારે તમામ શૈક્ષણિક મંડળો સાથે બેઠક કરીને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ લાવી દેવાની ખાત્રી આપી દીધી હતી. હવે નિશ્ચિત સમયમાં આ પ્રશ્નો ન ઉકેલાતા મંડળોએ પણ ચૂંટણીનો લાગ જોઇને આંદોલનની સોગઠી મારી છે. મંડળો જાણે છે કે ચૂંટણી સમયે જો આ પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો પછી કયારેય નહીં આવે.

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ જગતના અનેક પડતર પ્રશ્નો અંગે જુદા જુદા મંડળો દ્વારા વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. અનેક વખત સરકાર દ્વારા આ તમામ પ્રશ્નોના ઉકેલની ખાત્રી પણ આપવામાં આવી છે. આમછતાં આજસુધી કોઇ ઉકેલ ન આવતાં હવે આગામી તા.૫મી ઓક્ટોબરથી રાજયની દરેક યુનિવર્સિટીઓ અને જિલ્લા મથકોએ શિક્ષણ મંત્રીને સદ્દબુધ્ધિ પ્રાપ્ત થાય તે માટે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની જાહેરાત મંડળો દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે ગુજરાત રાજય અધ્યાપક મંડળ, આચાર્ય મંડળ, સંચાલક મંડળ અને કર્મચારી મંડળની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં જુદા જુદા પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેવા કે ઉચ્ચ શિક્ષણમાંથી એપીઆઇ પધ્ધતિ દૂર કરવી, પાર્ટ ટાઇમ અધ્યાપકોને વિધાનસભામાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાયમી કરવા, અધ્યાપક સહાયકોને ફાજલ રક્ષણ આપવું, ખાનગીકરણ દૂર કરવુ, શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તા આપવી, લાંબા સમયથી એડહોક તરીકે સેવા આપતાં અધ્યાપકોની નોકરી સળંગ ગણવી, કોલેજના વહીવટી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો, રજાઓનું રોકડમાં રૂપાંતર, યુજીસીના નિયમ પ્રમાણે અધ્યાપકોને નિવૃત્તિ વયમર્યાદા ૬૫ વર્ષ કરવી વગેરે પ્રશ્નોને અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તાજેતરમાં તમામ મંડળો દ્વારા ગાંધીનગરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ આ તમામ મુદ્દાઓ સાથે વાટાઘાટો કરી હતી. જેમાં મોટાભાગના પ્રશ્નો ચાલુ માસના અંત સુધીમાં ઉકેલી દેવાની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ હજુસુધી આ પ્રશ્નો ઉકેલ અંગે કોઇ કાર્યવાહી સુધ્ધા કરવામાં આવી નથી. જેના કારણે હવે તમામ મંડળોએ આગામી દિવસોમાં સરકાર સામેઆંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામ તા.૫મીએ સાંજે ૫ વાગે રાજયની દરેક યુનિવર્સિટીઓ અને જિલ્લા મથકોએ ભેગા મળીને શિક્ષણમંત્રીને સદ્દબુધ્ધિ પ્રાપ્ત થાય તે માટે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.