આગામી દિવસોમાં સ્નાતક શિક્ષકમાં સુધારો, સર્વાંગી વિકાસ તરફ વધતા ભારત સમક્ષ ચુનોતીઓ અને જન આસ્થાઓના વિષયોમાં સર્વોચ્ચ ન્યાયાલય સજાગ બને સહિતના મુદ્દાઓ પર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનની ભવ્ય સફળતા બાદ એબીવીપી દ્વારા રાજયભરમાં આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવા માટે આજરોજ આર્ટ ગેલેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રાંત સહમંત્રી રાઘવભાઈ ત્રિવેદી, નરેશ ઠાકુર, મયુરીબા ઝાલા અને રાજકોટ એબીવીપીના મંત્રી મોહિતસિંહ ઉપસ્થિત રહ્યાં હતા.
પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, એબીવીપીનું ૬૪મું રાષ્ટ્રીય અધિવેશન ૨૭ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સંપન્ન થયું. જેમાં ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતભરના ૪૦૦૦થી પણ વધુ કાર્યકર ઉપસ્થિત રહ્યાં અને આ ભવ્ય અધિવેશનની સફળતા માટે ગુજરાતના ૭૦૦થી પણ વધુ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ અધિવેશનમાં મુખ્ય ત્રણ પ્રસ્તાવો જેમાં સ્નાતક શિક્ષણમાં સુધારો, સર્વાંગી વિકાસ તરફ વધતા ભારત સમક્ષની ચુનોતીઓ અને જન આસ્થાઓના વિષયોમાં સર્વોચ્ચ ન્યાયાલય સજાગ બને તે મુદ્દા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને આ ત્રણેય મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં રાજયભરમાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સ્ત્રીઓના સન્માનને લઈ આગામી દિવસોમાં શાળાઓ તેમજ કોલેજોમાં પણ ભવ્ય મિશન શાશી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજયભરની ૮ યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યા ખાલી પડેલ છે. રાજકોટ ખાતે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નિમવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.