વૈશ્વિક વેપાર અને રાજકીય, ઐતિહાસિક-ભૌગોલિક વ્યૂહાત્મતક રીતે ગુજરાતની સમગ્ર દુનિયામાં એક આગવી ઓળખ છે જ ગુજરાતને વિશ્ર્વના કોઇ ખૂણે પરિચયની જરૂર ન પડે. હવે જ્યારે વિશ્ર્વસ્તરે પર્યટન ક્ષેત્રને એક માતબર ઉદ્યોગનો દરજ્જો મળી ચુક્યો છે. તેવા સંજોગોમાં પણ ગુજરાતમાં સર્જનહારે સર્જેલી વિરાસતો એ હેરિટેઝ ટુરિઝમ માટે વિપુલ તકો ઉભી કરી છે. ગ્રીસમાં 2500 વર્ષ જૂના ઇતિહાસનો ઉજાગર કરવા પાણીમાં ધરબાયેલ મ્યુઝિયમને વિશ્ર્વના પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની ધાર્મિક, પૌરાણીક, ઐતિહાસિક અને સમૃદ્વિના પર્યાય એવી વિરાસત દ્વારિકાની આખી નગરી દરિયાના પેટાળમાં મૌજૂદ છે.
ટાઇટેનિકની જેમ ગુજરાતના હાજી કાસમની વીજળી વર-રાજાઓ અને જાનૈયાઓ સાથે જળસમાધિ લઇ ચુકી છે. ભૌગોલિક ઉથલ-પાથલથી આવેલા પરિવર્તનોની આફતો હવે ગુજરાત માટે હેરિટેઝ ટૂરિઝમ માટે અવસરરૂપ બની શકે. પ્રાચીન વિરાસત ધરાવતું ગુજરાત સદીઓ દરમિયાન અનેક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. વિશ્ર્વમાં એકમાત્ર એશિયાટીક સિંહોની ભૂમિ ગીર અત્યારે ગુજરાતનું ગૌરવ બની છે. તે સૌથી મોટી ભૌગોલિક ઉથલ-પાથલનું પરિણામ છે.
ગુજરાત અને દક્ષિણ આફ્રિકા એક જમાનામાં જોડાયેલા હતાં. બંને ભૂખંડની વિભાજન થતાં ગુજરાતને એશિયાટીક સિંહોની વિરાસત મળી છે. આ થઇ સદીઓ પહેલાંની ભૂપરિવર્તનની વાત નજીકના જ દસકાઓમાં અત્યારના મુંબઇની જેમ એક જમાનામાં ખંભાત અને કચ્છનું માંડવી ધમધમતું બંદર હતું. ડાયમન્ડ નગરી સુરતની જેમ એ જમાનામાં ખંભાતનો અકિક ઉદ્યોગ સમગ્ર વિશ્ર્વમાં પ્રસિદ્વ હતું અને ખંભાતના પાદરમાં વહાણ લાગરતા આજે દરિયાથી દસગાવનું છેટુ ખંભાતને થઇ ગયું છે.
ગુજરાતમાં ભૌગોલિક ઉથલ-પાથલ અને કુદરતી ફેરફારથી અનેક નવા સર્જનોની વિરાસત મળી છે. ગીરનારનું સૌથી પ્રાચીન પર્વત, જંગલની વિરાટ સાગર કાંઠાની સમૃદ્વિ ગુજરાતને વૈશ્વિક પર્યટન સ્થળમાં વધુ ગૌરવરૂપ સ્થાન અપાવવા સમર્થ છે. અત્યારે ગ્લોબલ ટૂરિઝમ સેક્ટરમાં સામેલ થવા અનેક સંબંધો માનવ સર્જીત પર્યટનધામનું સર્જન કરી પ્રવાસીઓને આર્કષવા પ્રયાસો કરે છે. પરંતુ ટુરિઝમમાં અર્વાચીન કરતા પ્રાચિન વિરાસતોનું ખૂબ મહત્વ છે. ગુજરાતની ભૂમિ પર દરિયાકાંઠાના વૈવિધ્યપૂર્ણ પર્યટનસ્થળો, ધર્મસ્થળો અને ઐતિહાસિક સ્થળોની સાથેસાથે લાવાથી સર્જાયેલા પહાડ, ડુંગરાઓ, ગરમ પાણીના ઝરાં, મત્સ્ય સંસ્કૃતિ અને ભૌગોલિક ઉથલ-પાથલથી દરિયામાં ડૂબી ગયેલી અને દરિયાથી દૂર થઇ ગયેલી પ્રાચીન નગર રચનાઓનું અખૂટ ભંડારના ખજાના હેરિટેઝ ટૂરિઝમ માટે ઉપલબ્ધ છે.
ગુજરાતની ટુરિઝમ વિરાસત વિશ્ર્વના દરેક વર્ગના પ્રવાસીઓને આકર્ષવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રાચીન ધરોહરોમાં જૂના કિલ્લા, જૂના દેવ મંદિરો, રાજ મહેલ, પ્રાચીન વાવ, નગર રચના, ઐતિહાસિક, ધરોહર સમા કિલ્લા ગીરનાર, અરવલ્લી, પાલીતાણા, પૂરાતન પર્વતો, જડીબૂટ્ટી, વનસ્પતિ અને દૂલર્ભ પશુ-પક્ષીઓની વિરાસત ધરાવતાં જંગલ, આદિવાસી વસ્તીઓ અર્વાચીન શોખીનો માટે કુદરતી રીતે વિકસેલી બીચ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગીફ્ટ સીટી, નવા શહેરોની વિરાસતો ગુજરાતમાં મૌજૂદ છે.
ગુજરાતના પર્વાસન ઉદ્યોગની કોઇ હરિફાઇ કરી શકે તેમ નથી કુદરતી આફતોને ગુજરાતે અવસરમાં બદલીને પરિવર્તનો પચાવીને જે રીતે પર્વાસન ક્ષેત્રનો વિકાસ કર્યો છે. તેનો જોટો જડે તેમ નથી. અહિંની ધરતીમાં અહીંના આકાશમાં અને દરિયામાં અનેક એવી વિરાસતો છે જે જોનારને સંતોષની અનૂભૂતિ અને રોમાંચની લાગણી આપવા પૂરતી છે. ગુજરાતની ધરતી પ્રાચીનથી લઇ અર્વાચીન કાળમાં પણ જગતમાં આકર્ષણની ભૂમિ રહી છે અને આથી જ ગુજરાતમાં સર્જનહારે સર્જેલી વિરાસત હેરિટેઝ ટૂરિઝમની વિપુલ તક ઉભી થઇ છે.