એકજ દિવસમાં 15 હજારથી વધુ બોકસની આવક: 10 કિલોના બોકસનાં રૂ.300થી લઈને રૂ.800 સુધીના ભાવ બોલાયા
ગોંડલ પંથકમાં ભલે ક્યાય આંબાનું વાવેતર થતું ન હોય તેમ છતાં ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં દર વર્ષે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધું કેસર કેરીની આવકો થતી હોય છે.આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી મીઠી મધુ અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે ત્યારે કેસર કેરીની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે.
વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરી આવકની તો યાર્ડમાં એક જ દિવસમાં કેસર કેરીના 15,000 કરતા વધું બોક્સની આવકો જોવા મળી હતી.જેમને કારણે માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ જવા પામ્યું હતું. કેસર કેરી મુખ્યત્વે સૌરાષ્ટ્રના સાસણ ગીરનો પાક હોવા છતાં પણ કેસર કેરીનું પીઠું ગણાતા તાલાળા ગીર કરતાં ગોંડલમાં કેરીની વધુ આવક જોવા મળી છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં ફ્રુટના વેપારીઓના જણાવ્યાં મુજબ યાર્ડમાં તાલાળા, ઉના, કોડીનાર, સીમર, મોઠા, ગરળ સહિતના પંથકમાંથી આવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 300/-થી લઈને 800/- સુધીના બોલાયા હતા.
ગોંડલ પંથકમાં આંબા,ચીકુ,દ્રાક્ષ,સફરજન સહિતની વસ્તુઓનું વાવેતર થતું ન હોવા છતાં ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં મોટા ગજાના વેપારીઓની કોઠા સૂઝને કારણે આજે ગોંડલ માર્કેટ યાર્ડ ફ્રુટ માટેનું અગ્રીમ યાર્ડ બન્યું છે.ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ ગોંડલ યાર્ડમાં કેસર કેરીની ખરીદી કરવા આવતા હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ વારંવાર કેસર કેરીથી ઉભરાઈ જવા પામે છે.