બ્રિટનના તાજેતરમાં બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
હાલમાં જ ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન અને કોમનવેલ્થ એસોસિએશન દ્વારા કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ગ્રેટ બ્રિટનના બર્મિંગહામ ખાતે યોજાયેલ હતી. આ સ્પર્ધામાં ૪૮ કિલો વજન ગ્રુપમાં રીષીતાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું નામ ગુંજતું કર્યું છે. હવે તેઓ અબુધાબી – યુએઈ ખાતે તા. ૨૩ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ દરમ્યાન યોજાનાર ઓલમ્પિક ક્વોલિફાઇંગ રેન્કિંગ – ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં રમવા જશે.
રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને અન્ય પ્રોત્સાહક કોચિંગ કાર્યક્રમો થકી ગુજરાતના અનેક ખેલાડીઓ વિશેષ સિદ્ધિ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવતા થયા છે. રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલમાં શિક્ષણ તેમજ જે તે સ્પોર્ટ્સની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે, જેમાં અનેક પ્રતિભાવાન ખેલાડીઓ તૈયાર થાય છે. તેમાંની રાજકોટની એક યુવા ખેલાડી રીષીતા કારેલીયાએ અનેક મેડલ્સ મેળવી તેની પ્રતિભાના સહારે નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જુડોની નેશનલ સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે.
“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય આ કહેવતને રીષીતા કારેલીયાએ સિધ્ધ કરી છે. તેણીએ વર્ષ ૨૦૧૪માં ખેલ મહાકુંભ દ્વારા જુડોની શરૂઆત કરી. તેણીની વિશેષ પ્રતિભાથી તેને રાજકોટની સ્પોર્ટ્સ સ્કૂલમાં જુડોની ટ્રેનિંગ સિનિયર કોચ વ્રજ રાજપૂતે આપી. ૨૦૧૫ સુધી રાજકોટની સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી. ભારત સરકાર દ્વારા ખેલે ઇન્ડિયામાં તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લીધો. તેના સુંદર પર્ફોમન્સને કારણે તેનું સિલેક્શન ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્ટેટ એકેડેમી નડિયાદ ખાતે સિલેક્શન થયું હતું. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ના હેડ કોચ શ્રી વ્રજભૂષણ રાજપૂત પાસે તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી. અહીંથી રિશિતાએ નેશનલ અને ઇન્ટરનેશનલ જુડો ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તેણીએ નડિયાદ મુકામે અંડર -૧૭ માં એસ.જી.એફ.આઈ. જુડો નેશનલ ગેમમાં ૪૮ કિલો વજનમાં ગોલ્ડ, દિલ્હી ખાતે અંડર – ૧૯ એસ.જી.એફ.આઈ. જુડો નેશનલમા ૪૮ કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ, જલંધર ખાતે કેડેટ અને જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ ૪૮ કિલોમાં સિલ્વર મેડલ અને દિલ્હીમાં યોજાયેલ અંડર – ૧૯ નેશનલ ૨૦૧૯ માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. હાલ તેમને સિનિયર કોચ ઘનશ્યામ ઠાકુર, શીતલ શર્મા અને સતપાલ રાણા વિશેષ તાલીમ આપી રહ્યા છે.
ઓલમ્પિકમાં ભાગ લેવા માટે જુદી જુદી ચાર ગ્રાન્ડ સ્લેમ તેમજ પાંચ ગ્રાન્ડ પ્રિક્સમાં સારા પોઇન્ટ સાથે વિજેતા થયે ક્વોલિફાય થઈ શકે છે. રીષીતાને ઓલમ્પિક – ૨૦૨૨માં ક્વોલિફાય થવાના સારા ચાન્સ હોવાનું ભૂતપૂર્વ કોચ રાજપૂતજણાવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંપૂણ ખર્ચ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.