- મધ્ય પૂર્વના દેશોમાં સૌ પ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં વિવિધક્ષેત્રના મહાનુભાવો, આધ્યાત્મિક ગુરૂઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓ જોડાયા: યુએઈ અને સમગ્ર વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરી
- વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભકતોના ઉત્સાહમાં કોઈ ઓટ ન આવી: યુનાઈટેડ આરબ અમિરાત 27 એકરમાં નિર્માણ પામેલુ પશ્ચિમ એશિયાના સૌથી મોટુ મંદિર બીએપીએસ હિન્દુ મંદિર એટલે વૈશ્વિક સદભાવનું આધ્યાત્મિક કેન્દ્ર અને યુએઈમાં ભારતીય કલા સંસ્કૃતિ-મૂલ્યોનું પ્રતીક
સાત અમિરાતના દેશ યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનીને તૈયાર છે. બીએપીએસ (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા નિર્માણ પામેલ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્દઘાટન કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત ‘ફેસ્ટીવલ ઓફ હાર્મની’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
તા. 11 ફેબ્રુઆરીના રોજ પ્રાત: કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. બીએપીએસ હિંદુ મંદિર, અબુ ધાબીના કાલે થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુ. એ. ઇ. અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.
ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું. પૂજારીઓની સાથે સાથે 200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું, “ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે. આજે પ્રાત: કાળે યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે.”
યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી, ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું, ” વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું, વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.”
આગામી દિવસોમાં ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત ઉજવાનાર વિશિષ્ટ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત હશે, જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો સમ્મિલિત થશે.
બીએપીએસ હિન્દુ મંદિર, અબુ ધાબી વિષયક વધુ માહિતી માટે
ઈ – મેઈલ: pressmandir.uae
મંદિર વેબસાઇટ: www.mandir.ae
સોશિયલ મીડિયા:
Instagram: abudhabimandir
Facebook: AbuDhabiMandir
X: AbuDhabiMandir
Linkedin: abudhabimandir
Telegram: abudhabimandir
YouTube: BAPS UAE બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વેબસાઇટ: www.baps.org
મંદિરનું સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે
પથ્થરનું સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે. અદ્ભુત સ્થાપત્ય સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું,બીએપીએસ મંદિર ગલ્ફ પ્રદેશમાં સૌથી મોટું મંદિર હશે. વડાપ્રધાન મોદી આજથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ કાલે વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના સત્તાધિશોના જણાવ્યા અનુસાર, આંતરિક બાંધકામમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિર 27 એકરમાં બનેલું છે
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે આવેલું બીએપીએસ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2019 થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે. યુએઈમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે.
કલાકારો, મજૂરો અને એન્જિનિયરોએ સાથે મળીને કામ કર્યું
મુસ્લિમ દેશમાં તૈયાર થયેલા આ મંદિરની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો અંદાજે 700 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય થયું છે. જે 70 હજાર સ્કવેયરફૂટમાં પથરાયેલું છે. સાથે જ યુઈએમાં જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌથી પ્રથમ મંદિર છે. વર્ષ 2015થી આ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને 1 હજાર વર્ષ સુધી અડીખમ રહી શકે તેવી રીતે બીએપીએસ દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.આ ભવ્ય ઈમારતને તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કલાકારો, મજૂરો અને એન્જિનિયરોએ સાથે મળીને કામ કર્યું છે.
‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખા
તારીખ 14.02.2024
* કાર્યક્રમ 1: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સમય: અબુ ધાબી સમય પ્રમાણે સવારે 7:15 થી 8:15
(ભારતીય સમય પ્રમાણે સવારે 9:15 થી 10:15)
* કાર્યક્રમ 2 : જાહેર લોકાર્પણ સમારોહ
સંધ્યા કાર્યક્રમ સભા: સાંજે 4:30 થી 8:20
(ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50)
તારીખ: 15.02.2024
* સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 16.02.2024
* સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 17.02.2024
* સંધ્યા કાર્યક્રમ સભા: શાંતિ દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 18.02.2024
* મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટે
સવારે 9 થી 12 વાગ્યા સુધી ખુલશે.
(ભારતીય સમય પ્રમાણે સવારે 10:30 થી 1:30)
* સંધ્યા કાર્યક્રમ સભા: કૃતજ્ઞતા દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ: 19.02.2024
* સંધ્યા કાર્યક્રમ સભા: મૂલ્યોનો દિન
સમય: સાંજે 6 થી 8
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ 20.02.2024
* કાર્યક્રમ : કીર્તન આરાધના
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તારીખ 21.02 2024
* કાર્યક્રમ : પ્રેરણા દિન – મહિલા સભા
(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)
તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ હશદય.બફાત.જ્ઞલિ પર કરવામાં આવશે.