નવરાત્રીના દિવસો પૂરા થવામાં હોય ખેલૈયાઓમાં વધ્યો ઉત્સાહ શનિ-રવિની રજામાં મનભરીને ગરબે ઘૂમશે ખેલૈયાઓ
‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમજેમ નવરાત્રીના દિવસોપૂરા થવા લાગ્યા છે તેમ તેમ ખેલૈયાઓ વધુને વધુ ગરબે રમી લેવા ઉત્સાહી બનતા જાય છે. ‘અબતક’ રજવાડીના વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વિવિધ સ્ટેપ રમતા આકર્ષક નજારો ઉભો થાય છે. ગઈકાલે છઠ્ઠા નોરતે યુવા હૈયા હિલોળે ચડયા હોય તેમ અવનવા ગીતોનાં સથવારે ઝુમી ઉઠ્યા હતા.
અબતક સુરભી રાસોત્સવમાં પ્રખ્યાત ઓરકેસ્ટ્રા અધતન સાઉન્ડ સીસ્ટમ અને જાણીતા ગાયકોના સુરતાલે ખેલૈયાઓ દિવસે ને દિવસે ધૂમ મચાવી રહ્યા છે.
આજે વીકએન્ડ શનિ-રવિની રજામાં શહેરના મોટાભાગના યુવા ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવમાં ઝુમવા આવી પહોચશે. શહેરમાં દિવસ કરતા રાત્રીનો ટ્રાફીક વધુ જોવા મળી રહ્યો છે. જાણે રાત પડે ને સુરજ ઉગે તેવો માહોલ સર્જાઈ છે.
‘અબતક’ સુરભી રાસોત્સવમાં સૌથી વધુ ખેલૈયાઓની સુવિધા સેફટી ધ્યાને લેવામા આવે છે. ખેલૈયાઓને ગરબે ધૂમવા વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત બંદોબસ્ત, પાર્કિંગની સુંદર વ્યવસ્થા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. રોજે રોજ પ્રિન્સ-પ્રિન્સેસ વેલડ્રેસ વિજેતા ખેલૈયાઓને મોંઘેરા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
‘અબતક’ સુરભીમાં નોરતાની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તેમાં જગદંબાની આરતી ત્યારબાદ રાસની રમઝટ બોલે છે. ખેલૈયાઓ આનંદ ઉમંગથી ટ્રેડિશ્નલ કપડામાં સજજ થઈ અલગ અલગ થીમનો પોશાક પહેરી વિવિધ સ્ટેપ રમી નવરાત્રી રમી રહ્યા છે. અહી મોટી સંખ્યામાં લોકો પણ ખેલૈયાઓને ગરબે રમતા જોવાનો અનેરો લ્હાવો લઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રનાં નંબર વન અર્વાચીન રાસોત્સવ અબતક સુરભીમાં છઠ્ઠા નોરતે મહાનુભાવોનાં મેળાવડાથી ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને આંબયો હતો. અવનવા ટ્રેડીશનલ ડ્રેસમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠયા હતા. એકથી એક ચડીયાતા ગ્રુપે પ્રેક્ષકોનાં મન પણ મોહી લીધા હતા. જેમ-જેમ નવરાત્રીનાં દિવસો વિતતા જાય છે તેમ-તેમ માહોલ વધુને વધુ જામતો જાય છે. ચુસ્ત સિકયોરીટી, પારીવારીક માહોલ વચ્ચે અબતક સુરભી રાસોત્સવે અલગ જ ઓળખ ખેલૈયાઓનાં મનમાં બનાવી લીધી છે. નાના બાળકથી લઈ પ્રૌઢ વયનાં ખેલૈયાઓ અબતક સુરભીનાં આંગણે મન મુકીને રાસોત્સવનો આનંદ લુંટી રહ્યા છે. હૈયે હૈયું દરાય તેવો અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે. રાત પડે ને જાણે દિવસ ઉગતો હોય તેવું દ્રશ્ય મેદાન પર ખડુ થાય છે.
રોજેરોજ ખલૈયાઓને લાખેણા ઈનામો આપી નવાજવામાં આવી રહ્યા છે. જજ માટે પણ જાણે અગ્નિ પરીક્ષા થતી હોય તેમ સર્વશ્રેષ્ઠ ખેલૈયાની પસંદગી ખુબ જ આકરી બની રહે છે. મોટેરાઓને આંટી મારે તેવા અફલાતુન મનમોહક સ્ટાઈલમાં નાના ભુલકાઓ પોતાની કલા અબતક સુરભીનાં આંગણે રજુ કરી રહ્યા છે. ગાયક કલાકારો આશિફ જેરીયા, દેવાયત ખવડ, અશફાક ખાન, શેખર ગઢવી, હીના હિરાણી સહિતનાં કલાકારો જયારે કાલુ ઉત્સાદ સહિતનાં સાંજીદાઓ ગ્રાઉન્ડમાં ઉભેલા લોકોનાં પણ ફરજીયાતપણે થીરકાવે તેવો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે છઠ્ઠા નોરતે ખેલૈયાઓનું જોમ વધારવા માટે રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, આવકવેરા વિભાગનાં પ્રિન્સીપલ કમિશનર બી.વી.ગોપીનાથ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવે નવરાત્રીનાં દિવસો પૂર્ણ થવાનાં આડે હવે ૩ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠવા તત્પર બની ગયા છે.
શનિ-રવિનાં વીકેન્ડમાં કંઈક અલગ જ માહોલ અબતક સુરભી રાસોત્સવમાં જોવા મળશે.
હું દરરોજ યોગા કરું છું તેથી મારામાં સ્ફુર્તિ છે: સરોજબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન ૫૫ વર્ષનાં ખેલૈયા સરોજબેન પાંભરે જણાવ્યું હતું કે, હું અબતક સુરભી રાસોત્સવમાં પ્રથમ વખત રમવા આવી છું. મને ખુબ જ આનંદ આવ્યો છે. યુવા ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે રમીને મારી ઉંમર ૫૫ વર્ષની છે અને હું દરરોજ યોગા કરું છું. તેથી મારામાં સ્ફુર્તી રહે છે. અહિંયા ગ્રાઉન્ડની વાત કરું તો સાઉન્ડ સિસ્ટમ, સિકયુરીટી ખુબ જ સારી છે. બધા યુવા ખેલૈયાઓ સાથે પરંપરાગત પોશાકમાં આવીને ગરબે ઘુમવાની ખુબ જ મજા આવે છે.
લાઈવ ટેટુએ ખેલૈયાઓનાં મન મોહી લીધા
અબતક સુરભી રાસોત્સવમાં ગઈકાલે ધર્મેન્દ્ર મકવાણા દ્વારા ગ્રાઉન્ડ પર જ લાઈવ ટેટુ કરી આપવામાં આવતા જેને ખેલૈયાઓનાં મન મોહી લીધા હતા. અવનવા અને મનમોહક ટ્રેડીશનલ કપડામાં સજજ ખેલૈયાઓએ જયારે પોતાનાં શરીર પર ટેટુ ચિતરાવ્યા ત્યારે કંઈક અલગ જ નજારો જોવા મળતો હતો. ટેટુ બનાવવા માટે પણ રિતસર ખેલૈયાઓની લાઈનો લાગી હતી.