સુરેન્દ્રનગર અને પંચમહાલ-ગોધરા જિલ્લા કલેક્ટર તરીકે ઉદિત અગ્રવાલની કામગીરી પ્રશંસનીય અને કાબીલેદાદ રહી છે
મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં નિમણુંક થતા ઉદિત અગ્રવાલ પર શુભેચ્છાવર્ષા: રાજકોટનાં વિકાસને સવાયો વેગ આપે તેવી આશા
રાજકોટ મહાનગરપાલિકાનાં ૩૦માં કમિશનર તરીકે રાજય સરકાર દ્વારા ૨૦૦૮ની બેંચનાં આઈએએસ અને પંચમહાલ-ગોધરાનાં કલેકટર ઉદિત અગ્રવાલની નિમણુક કરવામાં આવી છે. ઉદિત અગ્રવાલ સાથે અબતકને ખુબ જ નજીકનો અને પારીવારીક સંબંધ છે. આગામી ૫મી સપ્ટેમ્બરનાં રોજ મુંબઈ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં અબતકનાં મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતા ઉદિત અગ્રવાલ સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૦૮ની બેચનાં સનદી અધિકારી ઉદિત અગ્રવાલ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. તેઓ મુળ દિલ્હીનાં છે અને હાઈકોર્ટનાં વકિલ પણ રહી ચુકયા છે. દિલ્હીની ટાગોર ઈન્ટરનેશનલ સ્કુલમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. જયારે હિન્દુ કોલેજમાં સ્નાતક તરીકે અભ્યાસ કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં તેઓએ લો કર્યું છે. તેઓ ૨૦૦૮ની બેંચનાં સનદી અધિકારી છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા હોય સૌરાષ્ટ્રનાં વાતાવરણ અને સમસ્યા તથા પાયાની જરીયાતથી સારી પેટે વાકેફ છે. ૩૦ એપ્રિલ ૨૦૧૭થી તેઓ પંચમહાલ-ગોધરા જિલ્લાનાં કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનાં કામની કદર કરતા રાજય સરકાર દ્વારા તેઓની નિમણુક સ્માર્ટ સિટી એવા રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર તરીકે કરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું હોમટાઉન રાજકોટ હોય જયાં ઉદિત અગ્રવાલની નિમણુક કરવામાં આવતા એવું મનાઈ રહ્યું છે કે, સરકારે તેઓ પર સંપૂર્ણ વિશ્ર્વાસ મુકયો છે. ખુબ જ નાની વયે તેઓએ લોક ઉપયોગી કામગીરી કરવા માટે નામના હાંસલ કરી છે. અબતકનાં મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાનાં પિતરાઈ વિશાલભાઈનાં તેઓ ખુબ જ નજીકનાં મિત્ર છે.
તેઓની સાથે પારીવારીક ધરોબો ધરાવે છે. ઉદિત અગ્રવાલ રાજકોટનાં ૩૦માં મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. રાજકોટ વિશ્ર્વનાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન પામ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી તરીકે પણ રાજકોટની પસંદગી કરવામાં આવી છે. સાથો સાથ મુખ્યમંત્રીનું પણ હોમટાઉન હોય તેઓ પર વિશેષ જવાબદારી રહેશે તેવું મનાઈ રહ્યું છે જોકે ઉદિત અગ્રવાલ કામ પ્રત્યે અનન્ય નિષ્ઠા ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને પંચમહાલ-ગોધરા જિલ્લા કલેકટર તરીકે તેઓની કામગીરી ખરેખર કાબીલે તારીફ રહી છે. તેઓ રાજકોટનાં વિકાસને સવાયો વેગ આપશે તે વાત નિશ્ર્ચિત છે.
એક યુવા અધિકારીને રાજકોટમાં મુકવા પાછળ સરકારને પણ મોટી આશા રહેલી છે. રાજકોટનાં મ્યુનિસિપલ કમિશનર તરીકે વરણી બદલ અબતક પરિવાર ઉદિત અગ્રવાલને ખુબ જ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે.