ઈલેકટ્રીફિકેશની કામગીરીનો વાંચો આ વિશેષ અહેવાલ
દર વર્ષે સરેરાશ 1.91 કરોડ લીટર ડીઝલની જરૂરિયાત ભૂતકાળ બનશે
રાજકોટ રેલવે ડિવીઝન ઈલેકટ્રીક ટ્રેનોની મદદથી વર્ષે રૂ.106 કરોડની બચત થવાની છે. કારણ કે ઈલેકટ્રીક ટ્રેનને લીધે રાજકોટ ડિવીઝનને દર વર્ષે પડતી રૂ.1.91 કરોડ લીટર ડીઝલની જરૂરીયાત ભૂતકાળ બની જવાની છે. તેને બદલે માત્ર રૂ.21.32 કરોડની ઈલેકટ્રીસીટીની જરૂર પડવાની હોય, રેલવે દર વર્ષે મસમોટી બચત કરતું થઈ જશે. જેના પગલે ટીકીટના દરમાં પણ ઘટાડો થાય તો નવાઈ નહી.
રેલવે દ્વારા દેશભરમાં ઈલેકટ્રીફીકેશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે. વર્ષે 2023માં રેલવેનું ઈલેકટ્રીફીકેશન કાર્ય પૂર્ણ કરી દેવાના લક્ષ્યાંક સાથે આ કામગીરી પૂરજોશમાં ચાલે છે. તેમાં રાજકોટ ડીવીઝનમાં આવતા 880 કીમી ટ્રેક ઉપર પણ ઈલેકટ્રીફીકેશન થઈ રહ્યું છે. 415 કીમી જેટલા ટ્રેક ઉપર આ કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે રાજકોટ ડીવીઝનમાં 100 ટકા ઈલેકટ્રીક ટ્રેનો દોડતી થાય તો શું શુ ફાયદા થશે? તે વિષય ઉપર ‘અબતક’ દ્વારા રાજકોટ રેલવે ડીવીઝનના ડી.આર.એમ. સાથે પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી.
જેના સારાંશ મુજબ રાજકોટ રેલવે ડીવીઝનની ઈલેકટ્રીફીકેશનથી ફાયદા હી ફાયદા જેવી સ્થિતિ સર્જાવાની છે. હાલ રાજકોટ રેલવે ડીવીઝનને વાર્ષિક 1.91 કરોડ લીટર ડિઝલની જરૂરીયાત પડે છે. ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂંકવાલના જણાવ્યા પ્રમાણે ડીઝલ કરતા ઈલેકટ્રીસીટી છ ગણી સસ્તી પડે છે. એટલે ડિઝલના પ્રતિ લીટર રૂ.67 લેખે 1.91 કરોડ લીટર ડિઝલનો ખર્ચ ગણીએ તો તે 127.97 કરોડ થાય. તેની સામે ઈલેકટ્રીસીટીનો ખર્ચ માત્ર રૂ.21.32 કરોડ થાય એટલે કે વર્ષે રાજકોટ રેલવે ડીવીઝનને રૂ.106 કરોડનો ફાયદો થશે. વધુમાં ડીઆરએમ પરમેશ્ર્વર ફૂંકવાલે જણાવ્યું કે રાજકોટ રેલવે ડીવીઝન 880 કિમીનો ટ્રેક ધરાવે છે. તેમાં 415 કી.મી. ટ્રેક ઉપર ઈલેકટ્રીફીકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે હવે 50 ટકા જેવું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે ડિઝલ એન્જીન ધીમેધીમે ફેઝઆઉટ થઈ રહ્યા છે. નવા ડિઝલ એન્જીન આ સેકશનમાં નથી જયાં સુધી ડિઝલ એન્જીન કાર્યરત છે. તેને શોર્ટ ડિસ્ટન્સમાં ઉપયોગમાં લઈ શકાય છે. ડિઝલ એન્જીન પણ ઈલેકટ્રીક ટ્રેકમાં જ ચાલી શકશે. પણ ખર્ચ અને બચતને ધ્યાનમાં રાખી ઈલેકટ્રીક ટ્રેક ઉપર ડિઝલ ટ્રેન ચલાવવાનું ટાળીએ છીએ.
તેઓએ ઉમેર્યું કે રેલવેનો ફાયદો, દેશનો ફાયદો, પ્રધાનમંત્રી અને રેલ મંત્રીનાં કહેવા પ્રમાણે રેલ બઢેગી, દેશ બઢેગા, તેમણે જણાવ્યું કે ઈલેકટ્રીક ટ્રેનથી રેલવેનો ફાયદો પણ થશે. અને મુસાફરોનો પણ ફાયદો થશે. ડીઝલ એન્જીનના બદલે હવે ઈલેકટ્રીક એન્જીન આવશે જેના હિસાબે લોકોને યાત્રામાં તેમનો સમય બચશે. ઈલેકટ્રીક ટ્રેન ગતિ પકડવામાં અને ગતિ રોકવામા બંનેમાં સક્ષમ હોય છે. જેને કારણે તે કોઈપણ સ્થળે જલ્દી પહોચાડે છે. રેલવેને એવા માધ્યમમાં લઈ જવા માંડશે જે બધાને પોસાય અને અસરકારક હોય માટે જ તેઓ દરેક પ્રોજેકટ અને કોરોના કામગીરીમાં એમ દરેકમાં ઝડપી કામગીરી કરી રહ્યા છે.
રાજકોટ ડિવિઝનમાં ઈલેકટ્રીક લાઈન વધુ બે મીટર ઉંચી હશે, ડબલ સેટ ક્ધટેનર પણ દોડશે
રાજકોટ ડિવીઝનમાં ઈલેકટ્રીક લાઈન વધુ બે મીટર ઉંચી હશે. સામાન્ય રીતે ઈલેકટ્રીક લાઈન 5.5 મીટર ઉંચાઈએ હોય છે. પણ રાજકોટ ડિવીઝનની માંગ અનુસાર તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા ઈલેકટ્રીક લાઈન 7.57 મીટર ઉંચાઈએ લગાવવામાં આવી રહી છે. ઈલેકટ્રીક લાઈન વધુ ઉંચાઈએ હોવાથી ડબલ સેટ ક્ધટેનર પણ આ ટ્રેક ઉપર દોડી શકશે.