10-10 ટીપી સ્કિમનો હવાલો જેની પાસે છે તે સરકારના ટીપીઓ ધર્મેન્દ્ર એસ. પાઠક અઠવાડીયામાં માત્ર બે જ દિવસ ગાંધીનગરથી રાજકોટ આવતા હોવાની ઉઠતી ફરિયાદો
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યની તમામ આઠેય મહાપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓને ટીપી સ્કિમ બન્યા બાદ હજાર દિવસમાં તે ફાઇનલ થઇ જાય તેવા પ્રયાસો કરવાની સલાહ આપી રહ્યાં છે તો બીજી તરફ સરકાર દ્વારા જ નિયુક્ત કરવામાં આવેલા ટીપીઓની ગેરહાજરીના કારણે ટીપી સ્કિમની કામગીરી ખોરંભે ચડી રહી છે. રાજકોટમાં અલગ-અલગ 10 ટીપી સ્કિમનો હવાલો જેની પાસે છે તે સરકારના ટીપીઓ ધર્મેન્દ્ર એસ. પાઠકની સતત ગેરહાજરીના કારણે અરજદારોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.
અનેક વખત રજૂઆત કરવા છતાં સરકારના ટીપીઓ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ ગાંધીનગરથી રાજકોટ આવે છે અને ગણતરીના કલાકો માટે રૂડા સ્થિત નગર નિયોજનની કચેરીએ આપતા હોવાના કારણે કામગીરી સમયસર પૂરી થતી ન હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
રાજકોટમાં સરકાર દ્વારા ત્રણ ટીપીઓની અલગ-અલગ ટીપી સ્કિમ માટે નિમણૂંક કરવામાં આવી છે. ટીપીઓ ધર્મેન્દ્ર એસ. પાઠક પાસે ટીપી સ્કિમ નં.18 (રાજકોટ), ટીપી સ્કિમ નં.21 (મવડી), ટીપી સ્કિમ નં.34 (મવડી), ટીપી સ્કિમ નં.35 (મવડી), ટીપી સ્કિમ નં.14 (મવડી), ટીપી સ્કિમ નં.10 (રાજકોટ), ટીપી સ્કિમ નં.32 (રૈયા) અને મુંજકાની ત્રણ ટીપી સ્કિમ નં.20, 21 અને 42નો હવાલો છે. 10 ટીપી સ્કિમનો વહીવટ સંભાળતા હોવા છતાં ધર્મેન્દ્ર એસ. પાઠક ગાંધીનગરથી અઠવાડીયામાં માત્ર બે દિવસ માટે જ રાજકોટ આવે છે અને ગણતરીની કલાકોમાં નીકળી જાય છે.
જેના કારણે અરજદારોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ ટીપી સ્કિમ નં.34 (મવડી), ટીપી સ્કિમ નં.35 (મવડી) બનાવવામાં આવી છે. જેની સામે અરજદારોના વાંધા-સૂચનોની ઢગલો થઇ રહ્યો છે. ટીપીની અલગ-અલગ કામગીરી માટે સરકારના ટીપીઓને રૂડા કચેરીએ મળવા જતાં અરજદારોએ ધરમના ધક્કા ખાવા પડે છે. કારણ કે જ્યારે કચેરીએ જાય ત્યારે એક જ જવાબ મળે છે કે ટીપીઓ હાજર નથી અને આજે ગાંધીનગરથી આવવાના નથી.
હાજર હોવા છતાં સરકારના ટીપીઓ ધર્મેન્દ્ર એસ. પાઠક અરજદારોને મળતાં નથી કે તેઓની ફરિયાદ સાંભળતા ન હોવાની પણ રાવ ઉઠી રહી છે. આ અંગે ઉચ્ચકક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ નિવેડો નથી. સરકારના ટીપીઓની ગેરહાજરીના કારણે ટીપી કામગીરી ભારે ખોરંભે ચડી રહી છે.સરકારના ટીપીઓ નિયમિત રાજકોટ હાજરી આપે તેવી માંગણી પણ ઉઠી રહી છે.