પોલીસે અગાઉ મહિલાના પતિ, પુત્ર સહિત 3 પકડાયા ‘તા
રાજકોટના સરધારમાં એક મહિના પૂર્વે મકાનમાંથી થયેલી રૂ.16.59 લાખની ચોરીનો અગાઉ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી પિતા,પુત્ર સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. આ ગુનામાં ફરાર મહિલાને પણ પકડી લઇ તેની પાસેથી રૂ.11.34 લાખના ઘરેણાં કબજે કર્યા હતા.
વિગતો મુજબ સરધારની કે.જી. સોસાયટીમાં આવેલા મકાનમાં ગત તા.3 જુલાઇના ખાબકી તસ્કરો રૂ.16,59,500ના સોનાના ઘરેણાં ઉઠાવી ગયા હતા. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા સહિતની ટીમે ગત તા. 14 જુલાઇના મુકેશ બાબુ સોલંકી, વલ્લભ બાબુ સોલંકી અને જીતેશ વલ્લભ સોલંકીને ઝડપી લઇ રૂ.4,89,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાખોની ચોરીમાં વલ્લભ સોલંકી અને તેના પુત્ર જીતેશના ભાગમાં આવેલો સોનાના ઘરેણાંનો મુદ્દામાલ આરોપી પિતા,પુત્ર પાસેથી મળ્યો નહોતો. પોલીસે બંનેની પૂછપરછ કરતાં વલ્લભની પત્ની મુકતા સોલંકી ઘરેણાં લઇને નાસી ગયાનું તત્કાલીન સમયે ખુલ્યું હતું.જ્યારે એક મહિનાથી ફરાર મુકતા સોલંકી ખોખડદળ કોટડાસાંગાણી રોડ પર સરદાર ચોક નજીક હોવાની માહિતી મળતા પી.આઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને મુકતાને ઝડપી લઇ રૂ.11.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.