શહેરમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવાના આરે છે ત્યારે મહાપાલિકા તથા પોલીસ દ્વારા શાકભાજીની રેકડી અને લારી ગલ્લા વાળાઓ કે જેઓને સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે તેઓને કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરવા માટે આજથી ખાસ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 18 ટીમને તમામ 18 વોર્ડમાં ઉતારી દેવામાં આવી છે.ખુદ આરોગ્ય અધિકારી ડો.લલિત વાજા અને નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ આ વેક્સિનેશન ડ્રાઈવમાં જોડાયા છે અને કોરોનાની વેક્સિન લેવા માટે સુપર સ્પ્રેડરને સમજાવી રહ્યા છે.આગામી દસ દિવસ સુધી આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
સાથો સાથ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત હોય તે અનુસંધાને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અટકાવવા માટે સુપર સ્પ્રેડર્સો જેમાં ચા-પાનના ધંધાર્થીઓ, શાકભાજીનું વેંચાણ કરતા નાના વેપારી તથા છુટક વસ્તુનું વેંચાણ કરતા ફેરીયા સહિતનાનું વેરિફીકેશન કરી તેઓ ફરજિયાત કોરોનાની રસી મુકાવે જેથી કોરોનાનું સંક્રમણ અટકે જેના અનુસંધાને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનો આપેલા હોય જેને લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુપર સ્પ્રેડર્સોનું વેરીફીકેશન કરી જેમાં હુડકો, દેવપરા, ગુંદાવાડી સહિતની શાકમાર્કેટમાં બેસતા ફેરીયાઓને મળી તેમજ માઈક એનાઉસ્થી અને પોસ્ટરો લગાવી અંદાજીત 70 થી 80 જેટલા સુપર સ્પેડરોને કોરોના રસી મુકાવવા સંબંધીત સમજ આપી કોરોનાની રસી મુકાવવા તજવીજ કરવામાં આવી. સાથે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જુદી જુદી ચા-પાનની લારી તેમજ માંડાડુંગર શાકમાર્કેટ, કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને રૂબરૂ મળી અંદાજીત 100 જેટલા સુપર સ્પેડર્સોને રસી મુકાવવા તજવીજ કરવામાં આવી છે. તેમજ નાના વેપારી પાસે વાહનની સુવિધા ન હોય તેને પોલીસ વાહનમાં બેસાડી રસીકરણ કેન્દ્ર પર પહોંચાડવામાં આવેલ છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા આજથી શહેરના તમામ 18 વોર્ડમાં 18 ટીમ દ્વારા સુપર સ્પ્રેડરો માટે ખાસ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.જેમાં અલગ અલગ વોર્ડમાં અલગ-અલગ હોકર્સ ઝોન અને લારી ગલ્લાવાળાઓને કોરોનાની વેક્સિન લેવા માટે સમજણ આપવામાં આવી રહી છે. જો કોઈ ફેરિયાએ વેક્સિન ન લીધી હોય તો તેને નજીકના વેક્સીનેશન સેન્ટર પર મોકલવામાં આવે છે.આ માટે તેઓએ માત્ર મોબાઇલ ફોન અને આધાર કાર્ડની આવશ્યકતા રહે છે.
વેક્સીનેશન સેન્ટર પણ એવી સૂચના આપી દેવામાં આવી છે કે ફેરીયા વેક્સિન માટે આવે તો તેમનો ઓન ધ સ્પોર્ટ રજિસ્ટ્રેશન કરી તેને કોરોનાની વેક્સિન આપી દેવી. ખુદ આરોગ્ય અધિકારી ડો. લલિત વાજા, નાયબ કમિશનર પ્રજાપતિએ આજે સવારે શહેરના ઇસ્ટ ઓન વિસ્તારમાં આવેલા હોકર્સ ઝોનમાં ફર્યા હતા અને ત્યાં તેઓએ શાકભાજીના ધંધાર્થી અને આ લારી ગલ્લા વાળાઓને કોરોનાની વેક્સિન લેવા માટેની સમજણ આપી હતી.
નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે સુપર સ્પ્રેડર માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ વેક્સિનેશન ડ્રાઈવ આગામી દસ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. જેમાં હોકર્સ ઝોન અને લારી ગલ્લા બાદ આગામી દિવસોમાં ફૂડ ડિલિવરી બોય, બાંધકામ મજૂરો, અલગ-અલગ બિલ્ડિંગના ચોકીદાર અને છાપાના ફેરિયાઓને પણ વેક્સિન આપી કોરોના સામે સુરક્ષિત કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. કોરોના રક્ષણ મેળવવા માટે હાલ એક માત્ર હથિયાર વેકસીન છે. ત્યારે શહેરમાં 100% વેક્સિનેશનની કામગીરી થાય તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે.
બોર્ડના વિદ્યાર્થીઓ ધ્યાન આપે…જાણો રિઝલ્ટમાં કેવું હશે ગ્રેસીંગ માર્ક્સનું ગણિત ?
કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ હવે તમામ સરકારી વિભાગો ત્રીજી લહેર સામે લડવા સજ્જ થઈ ગયા છે.આવામાં ત્રીજી લહેર બીજી લહેરની માફક જીવલેણ ન રહે તે માટે વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વેક્સિનેશનનું પ્રમાણ ઘટી ગયું છે અગાઉ સ્લોટ ખુલતાની સાથે જ રજિસ્ટ્રેશન ફુલ થઇ જતા હતા પરંતુ હવે વેક્સિન લેનારની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ત્યારે આવે મહાપાલિકા તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર માટે ખાસ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.50 ટકાથી વધુ સુપર સ્પ્રેડરએ કોરોનાની વેકસીન લીધી જ નથી.તેવું સામે આવી રહ્યું છે. ત્યારે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ મારફત વેક્સિનેશન વધુ પ્રમાણમાં થાય તે માટે સુપર સ્પેડર્સોને સમજાવવામાં આવી રહ્યાં છે.
કોવેક્સીનના બીજો ડોઝ માટે પાંચ સ્થળે વ્યવસ્થા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 18 થી 44 વર્ષના નાગરિકો કે જેમણે કોવેક્સીન વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ થઇ જતા હોય તેવા લોકો આજથી કોવેક્સીન વેક્સીનનો બીજા ડોઝ લઈ શકશે. જેના માટે www.cowin.gov.in પરથી કોવેક્સીન વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે સ્લોટ બુક કરાવવાનો રહેશે. કોવેક્સીન વેક્સીન માટે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળએ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુપર સ્પ્રેડર્સને સમજાવી રહ્યા છીએ, તમામને વેક્સીનેશન કરાવશું: મનોજ અગ્રવાલ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં વિશ્વ મહામારી કોરોના સંક્રમણ અટકાવવા શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ મારફત વેક્સીનેશન વધુ પ્રમાણમાં થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. સુપર સ્પ્રેડર્સ એવા લારી ગલ્લા વાળને શોધીને વેક્સીનેશન કરાવવામા આવશે.આજે માર્કેટ યાર્ડમાં મજૂરોને સમજાવવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં પણ મજૂરોને વેક્સીનેશન કરાવવામાં આવશે.પોલીસ અધિકારીઓ સુપર સ્પ્રેડર્સ ને સમજાવી ને નજીકના સેન્ટરે વેક્સીનેશન કરાવશે.સુપર સ્પ્રેડર્સ માટે 50% વેક્સીન અલગથી પણ રાખવામાં આવી છે.જરૂર પડ્યે પીસીઆર વાનમાં સુપર સ્પ્રેડર્સ ને લાવી વેક્સીન અપાવવામાં આવશે.લોકોને વિનંતી છે કે વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે.વેક્સીન અવશ્ય મુકાવશો.