લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો, ફુલેકુ, દાંડિયારાસ કે સંગીત સંધ્યા જેવા કોઈ ફંક્શન નહીં
ગુજરાતમાં હાલમાં લોકડાઉન 4.0 ચાલુ જ છે પરતું તે લોકોને છૂટછાટ મળતા જ કોરોનાનો ભય જાણે ઊડી ગયો છે તેમ રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર પાસે અધધ લગ્નની મજૂરી માંગવામાં આવી હતી, જે માથી 400 જેટલા લગ્નને મંજૂરી આપવામાં આવી છે.
સરકારી ગાઈડલાઈન મુજબ જિલ્લા તંત્ર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. હાલની ગાઈડલાઇન મુજબ બંને પક્ષના મળીને કુલ 50 સભ્યો એટલે કે સાસરિયાં-માંડવિયા બધા થઈ ને 50 લોકો જ લગ્નમાં હાજરી આપી શકશે. આ સાથે જ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ફરજીયાત રહેશે.
હાલમાં જે લગ્ન પ્રસંગ કરવામાં આવશે તે લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો, ફુલેકુ, દાંડિયારાસ કે સંગીત સંધ્યા જેવા કોઈ ફંક્શન યોજી શકાશે નહીં. માત્ર લગ્નવિધિ પૂરતી જ છૂટ આપવામાં આવી છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં.
આ અગાઉ પણ રાજકોટના નાયબ કલેક્ટરે રાજકોટ જિલ્લામાં લગ્નવિધી માટે મંજૂરી આપી હતી. પણ શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જેમના લગ્નની તારીખો પહેલેથી નક્કી થઈ ગઈ હતી તેમને લગ્ન માટે મંજૂરી આપવામાં આવશે પણ એ માટે તેમણે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી આપવી પડશે જેમાં એડ્રેસ પણ દર્શાવવું ફરજીયાત છે. મંજૂરીની પ્રક્રિયા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ખાતેની કચેરીથી કરાશે. એવી સૂચના પણ આપવામાં આવી છે કે પ્રસંગમાં કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનો ઉપયોગ કરી શકાશે નહી. સમાજની વાડી, મંદિર કે ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી શકાશે નહીં તેથી 50 લોકો સાચવવા તે પણ પ્રસંગ કરતાં લોકોને ઘણું અધરું બની રહેશે.